દક્ષેશ ઠાકર ~ પીડા અમારી

પીડા અમારી ~ દક્ષેશ ઠાકર

પીડા અમારી થોડી જીરવાય તું મળે તો

દિવસોય એ પછીથી બદલાય તું મળે તો

ઘેરું બની રહ્યું છે અંધારું જિંદગીનું

અજવાળું સ્હેજ અંદર પથરાય તું મળે તો

વેરાન જોઈ જોઈ થાકી ગઈ છે આંખો

એ પણ બિચારી થોડું છલકાય તું મળે તો

તડકાઈ બહુ ગયો છું તડકામાં બેસી બેસી

છાંયો બધે એ ક્ષણથી વર્તાય તું મળે તો

ચોરે ને ચૌટે લોકો વાતો કરે છે તારી

મારી ય થોડી વાતો ચર્ચાય તું મળે તો

ભેગી કરી કરીને થાકી ગયો છું ખાસ્સો

થોડીક લાગણીઓ ખર્ચાય તું મળે તો

બારાક્ષરીના અક્ષર જોને ઘૂંટી રહ્યો છું

અર્થો મને પછીથી સમજાય તું મળે તો

~ ડો. દક્ષેશ ઠાકર

તું મળે તો શું શું થાય કે શું શું થઈ શકે એની સરસ મજાની યાદી કવિએ આપી છે. સીધી સાદી લાગણીઓની સરસ અને સરળ રજૂઆત ! સૌંદર્ય સરળતામાં જ છે.

11.2.22

*****

આભાર

13-02-2022

આભાર દીપ્તિબેન, મેવાડાજી, છબીલભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

11-02-2022

જે નથી એનો ખાલીપો કેમ ભયાય? તું મળે તો. સરસ ગઝલ.

Dipti Vachhrajani

11-02-2022

વાહ દક્ષેશભાઈ, સરસ રચના

છબીલભાઈ ત્રિવેદી

11-02-2022

દક્ષેશઠાકર નુ કાવ્ય તુ મળે તો ખુબ સરસ કવિ એ ધણા કલ્પનો કર્યા છે કવિતા સરળ છે સાદી છે ભાવ ઉમદા છે અેક વિદ્નાન માણસે કહ્યું છે કે કવિતા કોશિયા અેટલે કે કોશ હાંકવા વાળા ખેડુત ને સમજાય તેવી હોવી જોઈએ ખુબ ખુબ અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: