હરીન્દ્ર દવે ~ સમેટો શેતરંજ * Harindra Dave

સમેટો શેતરંજ ~ હરીન્દ્ર દવે

સમેટો શેતરંજ, કે હવે હું ખેલતો નથી !

હવે ન હારની વ્યથા, ન જીતનો રહ્યો નશો,
મળ્યાનો હર્ષ ક્યાં હવે, ગયાનો શોક ક્યાં કશો?
આ મારી જાળમાં ફરી હું ખુદ ચરણ નહીં મૂકું.
આ મારા માયાલોકમાં કહો, હું ટહેલતો નથી,
સમેટો શેતરંજ કે હવે હું ખેલતો નથી.

હવે કોઈની ચાલ ચોંપથી નિહાળવી નથી,
હવે ભિડાવવા કોઈને રાત જાગવી નથી,
ખેર હો તમારા વ્યૂહની, ન મારો રાહ એ:
કોઈનું સૈન્ય શું, હું કાંકરીએ ઠેલતો નથી,
સમેટો શેતરંજ, કે હવે હું ખેલતો નથી !

હવે ઉદાસ આંખથી કોઈને ના નિહાળવા,
કોઈનાં ત્રસ્ત નેણના પ્રહાર પણ ન ઝીલવા,
આ ઊંટ, હાથી, અશ્વને કહો, હવે ડરે નહીં :
હતો શિકારી વનમાં એ શિકારે સ્હેલતો નથી,
સમેટો શેતરંજ કે હવે હું ખેલતો નથી.

~ હરીન્દ્ર દવે

મનમાં કેટલી નિરાશા વ્યાપી જાય ત્યારે રમત પડતી મૂકી ઊભા થઈ જવાનું મન થાય ! પછી આ બાજી શતરંજની હોય કે ઈશ્કની ! સાવ અંતરંગ સંબંધોમાં પણ આ વાત લાગુ પડે ! અને આ વાત જીવનથી હારી જઇને મૃત્યુ સામે નમી જવામાં પણ લાગુ પડે. અલબત્ત મૃત્યુ સામે તો સૌએ નમવાનું જ હોય છે પણ એનો સ્વીકાર કરી લેવો એ જુદી વાત છે. મોટાભાગે ત્યાં સ્વીકાર નથી હોતો, જિજીવિષાનું આ જોર છે !

OP 29.3.22

1 Response

  1. વહીદા ડ્રાઈવર says:

    બેનમૂન રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: