ભગવતીકુમાર શર્મા ~ હરિ તમે * Bhagavatikumar Sharma

હરિ તમે પારિજાતનું ઝાડ
રહું છાંયડે ઊભો ને હું ઝીલું તમારા લાડ
હરિ તમે પારિજાતનું ઝાડ

શ્રાવણમાં આકાશ ઝરેને તમેય ટપટપ વરસો;
સુગંધભીની બાથભરી મુંને ચાંપો છાતી સરસો.
તમે ઊજળું હસો, મુંને તો વ્હાલપનો વળગાડ
હરિ તમે પારિજાતનું ઝાડ

ઓરસિયા પર બની સુખડ હું ઘસું કેસરી દાંડી;
ચંદન તિલક કરું તમને: મેં હોડ હોંશથી માંડી.
તમે મ્હેક થઈ કર્યો ટકોરો; ઊઘડ્યાં હૃદય-કમાડ.
હરિ તમે પારિજાતનું ઝાડ

ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્માના અનેક મધમીઠા ગીતોમાંનું આ એક હરિગીત

OP 31.5.22

***

આભાર

31-05-2022

આભાર છબીલભાઈ, બકુલેશભાઈ, કિશોરભાઇ અને પ્રફુલ્લભાઈ

પ્રફુલ્લભાઈ, વાત સાચી છે. જો કે હરિગીતો ઘણાં લખાયા છે એમાં જ કવિ ધીરુ પરીખે લખેલું, ‘હરિ ચડ્યા હડફેટે’ અને એ કાવ્યાભાસી કવિતાઓ માટે હતું. પણ મજાનાં હરિગીતો પણ મળ્યાં છે. મહિલા કવિઓમાં પુષ્પા વ્યાસનું નામ જરૂર લેવું પડે. વિચાર તણખો આપવા માટે આભાર પ્રફુલ્લભાઈ.

કાવ્યવિશ્વની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

પ્રફુલ્લ પંડ્યા

31-05-2022

કવિશ્રી ભગવતિકુમાર શર્માના હરિગીતો રમેશ પારેખના મીરાં કાવ્યો અને હરિ ગીતો સાથે આબાદ તાલ મિલાવે છે.એમ લાગે કે આ બંને કવિઓની ભક્તિ અને spiritual rangeએક લેવલે કામ કરી રહી છે.હમણાં હમણાં આપણે ત્યાં પ્રાર્થના,ભજન,સ્તવન સહિતની વિવિધ પ્રકારની અધ્યાત્મિક રચનાઓ લખાતી નથી .આ ખોટ રમેશ પારેખ અને ભગવતિભાઈએ હરિ- મીરાં કાવ્યોથી પૂરી કરી છે.કૃષ્ણ કાવ્યો પણ લગભગ અદ્રશ્ય થૈ ગયા હોય એમ શું નથી લાગતું ? ” કાવ્ય વિશ્વ” આવી વિચારણાઓ માટે પ્રેરે છે.

કિશોર બારોટ

31-05-2022

હરિના સ્નેહાળ સ્પર્શની મુલાયમ અનુભૂતિ કરાવતું મજાનું ગીત.

બકુલેશ દેસાઈ

31-05-2022

વાહ વંદન.

છબીલભાઈ ત્રિવેદી

31-05-2022

ભગવતીકુમાર શર્માજી નુ સુંદર હરિગીત આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: