શયદા ~ જનારી રાત્રિ * Shayda

જનારી રાત્રિ 

જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.

હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.

વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે.

કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.

ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.

વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.

તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.

હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.

શયદા  

(24.10.1892-30.6.1962)

હરજી લવજી દામાણી ‘શયદા’ ગુજરાતી ગઝલના પિતામહ – એમની આ લોકપ્રિય ગઝલ. 

OP 2.6.22

***

સાજ મેવાડા

02-06-2022

ખૂબ જ સુંદર ગઝલ, સકારાત્મક અને ખુદ્દારી વાહ.

Jayshree Patel

02-06-2022

ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.

સરળ પણ સુંદર શબ્દો કેટલી સરસ વાત કરી છે ધરામાં એવી ધખે છે જ્વાળા ..પ્રકૃતિ જો બહાર આવે તો બળી મરે.. સુંદર👌

Varij Luhar

02-06-2022

શયદા સાહેબની શબ્દ ચેતનાને વંદન 🙏💐🙏

છબીલભાઈ ત્રિવેદી

02-06-2022

શયદા આપણા ખુબ લોકપ્રિય ગઝલકાર તેમની સરસ મજાની રચના ખુબ ગમી આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: