લોકગીત ~ વીજળી

હાજી કાસમ, તારી વીજળી રે ~ લોકગીત

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ

ભુજ અંજારની જાનું રે જૂતી, જાય છે મુંબઇ શે’ર

દેશ પરદેશી માનવી આવ્યાં, જાય છે મુંબઇ શે’ર

દશ બજે તો ટિકટું લીધી, જાય છે મુંબઇ શે’ર

તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર

ચૌદ વીશુંમાંય શેઠિયા બેઠા, છોકરાંઓનો નહીં પાર

અગિયાર બજે આગબોટ હાંકી, જાય છે મુંબઇ શે’ર

બાર બજે તો બરોબર ચડિયાં, જાયછે મુંબઇ શે’ર

ઓતર દખણના વાયરા વાયા, વાયરે ડોલ્યાં વા’ણ

મોટા સાહેબની આગબોટું મળિયું, વીજને પાછી વાળ્ય

જહાજ તું તારું પાછું વાળ્ય રે માલમ આભે ધડાકા થાય

પાછી વાળું, મારી ભોમકા લાજે, અલ્લા માથે એમાન

આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા, વીજને પાછી વાળ્ય

મધદરિયામાં મામલા મચે, વીજળી વેરણ થાય

ચહમાં માંડીને માલમી જોવે, પાણીનો ના’વે પાર

કાચને કુંપે કાગદ લખે, મોકલે મુંબઇ શે’ર

હિન્દુ મુસલમીન માનતા માને પાંચમે ભાગે રાજ

પાંચ લેતાં તું પાંચસે લેજે, સારું જમાડું શે’ર

ફટ ભૂંડી તું વીજળી મારાં, તેરસો માણસ જાય

વીજળી કે મારો વાંક નૈ, વીરા,લખિયલ છઠ્ઠીના લેખ

તેરસો માણસ સામટાં બૂડ્યાં, ને બૂડ્યા કેસરિયા વર

ચૂડી એ કોઠે દીવા જલે ને, જુએ જાનું કેરી વાટ

મુંબઇ શે’રમાં માંડવા નાખેલ, ખોબલે વેં’ચાય ખાંડ

ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે, જુએ જાનુંની વાટ

સોળસેં કન્યા ડુંગરે ચડી, જુએ જાનુંની વાટ

દેશ,દેશથી કંઈ તાર વછૂટ્યા, વીજળી બૂડી જાય

વાણિયો વાંચે ને ભાટિયા વાંચે, ઘર ઘર રોણાં થાય

પીઠી ભરી તો લાડડી રુએ, માંડવે ઊઠી આગ

સગું રુએ એનું સાગવી રુએ, બેની રુએ બાર માસ

મોટાસાહેબે આગબોટું હાંકી, પાણીનો ના’વે પાર

મોટા સાહેબે તાગ જ લીધા, પાણીનો ના’વે પાર

સાબ, મઢ્યમ બે દરિયો ડોળે,પાણીનો ના’વે તાગ

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ…

‘વીજળી’ નામની કાસમની આગબોટ, જેણે 1300 માણસો સાથે જલસમાધિ લીધેલી એ સત્ય ઘટના લઈને રચાયેલું લોકગીત.

લોકગીત ~ હાજી કાસમ તારી વીજળી રે : સ્વર : આદિત્ય ગઢવી

***

OP 27.6.22

***

આભાર

02-07-2022

આભાર છબીલભાઈ, દિપકભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર

છબીલભાઈ ત્રિવેદી

27-06-2022

ખુબજ પ્રચલિત કરૂણ ગીત આવા લોકગીતો આપણી મોંઘેરી સોગાત છે જેના સંપાદન માટે આપણા સંપાદન કારો એ ખુબ જહેમત કરી છે ખુબ રજળપાટ ને અંતે લોકગીતો મળેલા છે આભાર લતાબેન

દીપક વાલેરા

27-06-2022

અમર રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: