સ્વામી વિવેકાનંદ ~ પ્રબુદ્ધ ભારતને

પ્રબુદ્ધ ભારતને ~ સ્વામી વિવેકાનંદ

જાગો પુનરપિ :

નિંદ્રામાં તું હતી, હતી ના મૃત્યુ વિશે તું

થાક્યાં તારાં કમલનયનને વિરામ દેતી

ઉજ્જ્વલ સ્વપ્ન સુનેરી ભરેલી, સત્યમયી હે

વાટ જુએ છે જગત બધું તુજ આતુર આંખે

તને કદીયે મૃત્યુ અડે ના !

આરંભો તવ કૂચ ફરીથી કોમળ પગલે

રસ્તા પરની ધૂળતણીયે

નિરાંતની નીંદરમાં લગીરે ભંગ પડે ના !

અને છતાં યે જોમ ભરેલા દૃઢ કદમે સ્થિર

પ્રસન્ન, નિર્ભય, મુક્ત હંમેશા જગાડનાર હે,

આગે આગે રણઝણાવતી વદ તુજ વાણી.

ગયું ગેહ તુજ, જ્યાં ઊછરી તું હેત ભરેલાં હૈયા સંગે

કુતુહલે જે પ્રતિદિન તારો વિકાસ જોતાં

અમોઘ કિન્તુ વિધિના નિયમો

આવે સઘળું ફરી ફરીને મૂળભણી નિજ

ફરી ફરીને બળ મેળવવા, ફરી આરંભો, મેઘતણા કંદોરા પહેરી

હિમાચલની ભૂમિ થકી તુજ નિજ બલ આપી તને પ્રેરતી

રચવા અભિનવ સૃષ્ટિ અનોખી

સુરસરિતા તુજ સૂર બાંધતી લયમાં શાશ્વત ગીતતણા નિજ

દેવદારની છાયા ઢાળે, શાંતિ ચિરંતન, અધિકું સહુથી

તું હિમાચલની સુતા પાર્વતી, માતા કોમળ શક્તિ રૂપે, જીવન રૂપે

સહુ ભૂતોમાં સંસ્થિત છે જે કર્તા છે જે કર્મતણી સૌ

એક મહીંથી બહુ કરનારી, જેની કરુણા થકી ઊઘડે દ્વાર સત્યનાં

અને બતાવે એક ઇશ બસ વ્યાપ્ત સૃષ્ટિમાં.

તને આપશે બલ અખૂટ એ અનંત કાંઇ પ્રેમસ્વરૂપી

આશિષ આપે તને બધાંયે દૃષ્ટાઓ, પર દિશા કાલથી

પૂર્વજો તણા પિતામહો જે, જાણ્યું જેણે સત્ય એક એ

અને શીખવ્યું સઘળાં જનને મીઠા-કડવા

તું એની કિંકરી ખરી છે, રહસ્ય તુજને પ્રાપ્ત થયું છે એક એ તણું.

અહો, પ્રેમ ! ઉચ્ચારો વાણી – સ્નિગ્ધ ગંભીર તમારી વાણી

જુઓ કેટલી માયાસૃષ્ટિ દિયે આંગળી, મિથ્યા સ્વપ્નતણાં દળનાં દળ દિયે ઉડાડી

ને, કેવળ બસ સત્ય વિરાજે નિજ મહિમામાં.

અને કહી દે સકલ સૃષ્ટિને – જાગ, ઊઠ તું, પડી રહે ના માત્ર સ્વપ્નમાં !

સ્વપ્ન સેવનારી ધરતી આ કર્મભૂમિ છે

કર્મ અહીં ગૂંથે છે માલા સૂત્ર વિનાની

વૃન્ત વિનાનાં, મૂલ વિનાનાં રૂડાં, કૂડાં, વળી ભાવનાતણાં પુષ્પની

શૂન્ય થકી સાકાર થયાં જે, આદિમ શૂન્યે ભળી જાય જે

સત્ય તણી અતિમૃદુ ફૂંકથી.

નિર્ભય થા ને સત્યની આંખે મેળવ આંખો !

એક બની જા સત્યની સંગે, મિથ્યા સ્વપ્નાં છોડ નકામાં

ને, ન બને તો સત્યોન્નત શમણાં જ સેવ તું

પ્રેમ ચિરંતન તણાં પરમ નિષ્કામ કર્મનાં..

~ સ્વામી વિવેકાનંદ 

સ્વામી વિવેકાનંદજીના આત્માને વ્યક્ત કરતું કાવ્ય. એમના કાવ્યો એમની એક પ્રચંડ ઓળખ છે. દેશ અને દેશવાસીઓ માટે અપાર કરુણા જેમના હૃદયમાં હતી એવા સ્વામી વિવેકાનંદ. “હું તમારો ધરમ બરમ કાંઇ સમજી શકતો નથી, પરંતુ મારું હૃદય ખૂબ જ વિશાળ બન્યું છે. મને લોકોની દુખી અવસ્થા જોઇને બહુ જ લાગી આવે છે. એમના દુખો નિવારવા માટે જો સો વાર નરકમાં જવું પડે તો પણ હું તૈયાર છું.” છલકાતી આંખે સ્વામી વિવેકાનંદ આ વાક્ય બોલ્યા હતા.

આ કાવ્યમાં એમણે ભારતમાતાને સંબોધીને, અને એ રીતે પૂરા દેશને, તમામ દેશવાસીઓને જાગવાની હાકલ કરી છે. નિર્ભય બનીને સત્યને રગેરગમાં ઉતારવાનું આહ્વાહન છે. બીજું કશું ન બને તો મક્કમ રીતે સ્વપથ પર ચાલવાનો અને સત્યોન્નત શમણાં જોવાનો લલકાર સ્વામીજીએ અહીં દેશવાસીને આપ્યો છે.

એમના કાવ્યસંદેશમાં ગીતાનો કર્મયોગ છે, નિષ્કામ કર્મ છે અને બુદ્ધની કરુણા પણ છે. સત્યનો જયકાર છે અને સ્વપ્નસેવી આંખોનો મહિમા છે. દેશપ્રેમથી છલકાતું આ કાવ્ય, ભારતમાતાની વંદના સમું આ કાવ્ય સમગ્ર વિશ્વમાં એક ઇશ્વરને નિહાળે છે.

સ્વામી વિવેકાનંદની પૂણ્યતિથીએ એમને સ્મરણવંદના.

OP 4.7.22

***

છબીલભાઈ ત્રિવેદી

05-07-2022

પ્રફુલ્લ ભાઈ ની વાત ખુબજ સાચી છે બધા થી હટકે આપવુ તે હિંમત નુ કામ છે આભાર લતાબેન

પ્રફુલ્લ પંડયા

04-07-2022

સારો સંપાદક હંમેશા સાહસ કરે છે.તમે સાહસ કરી જાણો છો.ગુજરાતી પ્રકાશનોમાં આવા સંપાદકો કયારેક જ જોવા મળે છે.બાકી ચીલાચાલુ તંત્રીઓ આવે છે અને જાય છે.તેઓ પરંપરાના નામે યશના લાડુ ખાય છે પરંતુ નાવિન્ય સિધ્ધ કરી શકતાં નથી.એ રીતે તમે ધણાં જુદાં પડતા તંત્રી છો અને સાચી સફળતા આવી છે! તમે સાચા યશસ્વી છો ! આવો યશ ટકે છે.
પ્રફુલ્લ પંડયા

લતા હિરાણી

04-07-2022

છબીલભાઈ અને પ્રફુલ્લભાઈ આભાર.

પ્રફુલ્લભાઈ, ખાસ આ કાવ્ય માટે વિચાર થતો હતો કે લોકોને આમાં રસ નહીં પડે.. પણ પછી થયું, કે આજે મૂકવું તો છે. બીજાને રસ પડે કે ન પડે. છબીલભાઈ નિયમિત મુલાકાતી છે અને તમે પણ ખાસ આ કાવ્યને વધાવ્યું એનો મને બહુ આનંદ છે. મારું કામ સફળ. રાજીપો..

પ્રફુલ્લ પંડયા

04-07-2022

સ્વામી વિવેકાનંદનો આત્મપ્રકાશ એટલે કાવ્યોમાં અપૂર્વ એવું આ કાવ્ય ” સાવિત્રી” સહિતના અન્ય મહાકાવ્યોનું સ્મરણ કરાવે છે. માતૃભૂમિના વિકાસ માટેનું એક વિરાટ સ્વપ્ન અહીં કાવ્યમાં રૂપાતરિત થાય છે.અહીં વ્યંજનાનો અદ્ભૂત વિનિયોગ થયો છે જે ચિત્તાકર્ષક છે.” કાવ્ય વિશ્વ” માં જ આવા કાવ્યો વાંચવા મળે તે અભિનંદનીય ઘટના છે !

છબીલભાઈ ત્રિવેદી

04-07-2022

મહા માનવ ની પુણ્યતિથિ એ કોટી કોટી વંદન

2 Responses

  1. અરવિંદભાઈ દવે, ગારિયાધાર says:

    લતાબેન,
    “સ્વામી વિવેકાનંદ – પ્રબુદ્ધ ભારતને” આપીને,
    કાવ્ય – વિશ્વએ આ યુગપુરુષનો સંદેશ આપવાનું કાર્ય કર્યું છે….
    કાવ્ય – વિશ્વ સર્વાંગિણ છે…..આવા કાવ્યો શોધીને સૌને પ્રાપ્ત કરાવવાનું કાર્ય માત્ર અભિનંદનીય નહીં પણ વંદનીય છે….
    આભાર કાવ્ય – વિશ્વ…..લતાબેન….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: