ભગવતીકુમાર શર્મા ~ પામવું જો હોય * Bhagavatikumar Sharma

પામવું જો હોય ચોમાસું ~ ભગવતીકુમાર શર્મા

પામવું જો હોય ચોમાસું, પલળવું જોઈએ
છાપરું, છત કે નયન થઈનેય ગળવું જોઈએ.

એ શરત છે કે પહેલાં તો પ્રજળવું જોઈએ
તે પછી લેખણથી શબ્દોએ ‘પીગળવું’ જોઈએ.

સૂર્યની માફક ઊગ્યા છો તે ઘણું સારું થયું
સૂર્યની માફક સમયસર કિન્તુ ઢળવું જોઈએ

માત્ર શોભા પૂરતા અસ્તિત્વનો શો અર્થ છે?
પુષ્પ છો તો શ્વાસ છોડીને પીગળવું જોઈએ.

છે ઘણી રેખા વિરહની હાથમાં એ છે કબૂલ
પણ નવી રેખાઓ ચીરીનેય મળવું જોઈએ.

માત્ર શબવત જિંદગી જીવી ગયાનો અર્થ શો ?
છે રગોમાં લોહી તો લોહી ઊકળવું જોઈએ.

આવી પહોંચ્યું છે જળાશય આંખનું; હું જાઉં છું;
ને તમારે પણ અહીંથી પાછા વળવું જોઈએ.

ભગવતીકુમાર શર્મા

કયા શેરની તારીફ કરવી ને કયો મૂકવો ? આખીયે ગઝલને સલામ સલામ સલામ….  

OP 16.7.22

***

સુરેન્દ્ર કડિયા

17-07-2022

ખૂબ સરસ રહ્યો આ અંક લતાબેન..ખાસ ગમ્યાં.. મનોજિયતથી ભરપૂર મનોજની ગઝલો વત્તા ભગવતિકુમારનું બેમિસાલ વૈવિધ્ય..

સાજ મેવાડા

16-07-2022

પહેલી પંક્તિમાં જે ઉચ્ચતમ અભિવ્યક્તી થઈ છે એનો સરસ ઉઘાડ આપે કરાવ્યો છે.

છબીલભાઈ ત્રિવેદી

16-07-2022

આખી ગઝલ ના બધાજ શેર ખુબ માણવા લાયક સરસ મજાની રચના આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: