જવાહર બક્ષી ~ ટોળાની શૂન્યતા * વિવેક ટેલર * Jawahar Baxi * Vivek Tailor

ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી.
~ જવાહર બક્ષી

આસ્વાદ ~ વિવેક ટેલર

વિરક્તિના રંગે રંગાયેલી કલમના સ્વામી જવાહર બક્ષીની લબ્ધપ્રતિષ્ઠ ગઝલનો આ અજરામર મત્લા છે, જેમાંથી स्वની ઓળખની મથામણ સ્ફુટ થાય છે. ‘હું કોણ છું’નો પ્રશ્ન તો અનાદિકાળથી માનવમાત્રને સતાવતો આવ્યો છે. રાજેન્દ્ર શુક્લ કહે છે: ‘કૈં નથી તો હું ક્યહીંથી? હું નથી તો છું ક્યહીંથી?’ આ જ ભાંજગડ ગાલિબના કવનમાં પણ જોવા મળે છે: ‘डूबोया मुझको होने ने, न होता मैं तो क्या होता ?’

પ્રસ્તુત શેર લબ્ધપ્રતિષ્ઠ ગઝલનો મત્લા છે અને આખી ગઝલનો મિજાજ સુપેરે વ્યક્ત પણ કરે છે. ઓછું પણ ઘાટું લખતા કવિના આ શેરમાં ‘શૂન્યતા’ અને ‘મર્મ’ – બે મિસરાઓના દરવાજાના મિજાગરા છે, જેના ઉપર શેરના યોગ્ય ખૂલવા-ન ખૂલવાનો આધાર છે.

પોતાની ઓળખ આપવાના હેતુથી કવિ શેર પ્રારંભે છે. કહે છે, હું ટોળાંની શૂન્યતા છું. પણ રહો, બીજી જ પળે એમને પોતે જ પોતાની આપેલી ઓળખ સામે વાંધો પડ્યો છે. કહે છે, જવા દો ને આ પંચાત જ. હું કશું નથી. શૂન્યતા પણ નહીં. ટોળાંને નથી હાથ હોતા, નથી પગ. ન દિલ, ન દિમાગ. ટોળું એટલે એક અર્થહીન, શૂન્યતા. ટોળું માણસને ભ્રામક સલામતીનો અહેસાસ આપે છે. ટોળાંમાં રહીને કરાતી પ્રવૃત્તિની જવાબદારી કોઈના માથે હોતી નથી. માણસ એકલો હોય ત્યારે એની સામે એનો આત્માનો અરીસો સતત ઊભો હોય છે, જેમાં સારું-નરસું જોવાથી બચી શકાતું નથી. પણ ટોળાંનો કર્તૃત્વભાવ શૂન્ય છે. ‘લૂંટાય કોઈ સરેઆમ ને સભા ચુપચાપ’ એ ટોળાંની લાક્ષણિકતા છે. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય જેવા મહારથીઓ પણ ટોળાંનો ભાગ બને છે, ત્યારે દ્રૌપદીના ભાગે લૂંટાવાથી વિશેષ કશું બચતું નથી. ટોળાંમાં બધાના ‘સ્વ’ ખાલીખમ હોય છે. ટોળું એટલે એક ખાલીખમ સ્વકીયતા. વિરાટ શૂન્ય.

આપણે જ્યારે ટોળાંના ગાડરિયા પ્રવાહમાં તણાતાં હોઈએ છીએ ત્યારે આપણે પણ નકરી શૂન્યતા, એક અવ્યવસ્થાથી વિશેષ કશું જ હોતાં નથી. વ્યક્તિગત ઓળખ ગુમાવીને ટોળાંના શૂન્યનો ભાગ બનીએ ત્યારે આપણા સ્વતંત્ર ‘હું’ હોવા-ન હોવા બરાબર હોય છે. ટોળાંથી અલગ ઓળખ બનાવી ન શકાયા હોવાની આત્મસ્વીકૃતિની ક્ષણે, આત્મજાગૃતિની ક્ષણે કવિને ખ્યાલ આવે છે કે પોતે પોતાના જીવનનો મર્મ છે, અર્થાત્ શૂન્ય છે. પોતાના હોવાની સાથે જ ન હોવું પણ જોડાયેલું છે. એટલે જ કવિ ‘હું છું’ કે ‘હું નથી’નો શાશ્વત પ્રશ્ન ઊભો કરી બેમાંથી એક શક્યતાનો હાથ ઝાલવાની વિમાસણ સર્જવાના સ્થાને ‘છું’ તથા ‘નથી’ની વચ્ચે (અ)ને મૂકીને ઊભયના સ્વીકારનું સમાધાન સ્વીકારે છે. Descartesના પ્રખ્યાત વિધાન ‘I THINK , THEREFORE I AM’થી પણ કવિ અહીં આગળ વધ્યા જણાય છે. અસ્તિત્વના હકાર અને નકાર –બંનેનો સુવાંગ સ્વીકાર આ શેરને મૌલિક અભિવ્યક્તિની નવી જ ઊંચાઈ બક્ષે છે.

www.kavyavishva.com 

મૂળ પોસ્ટિંગ 19.2.2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: