રાવજી પટેલ ~ સીમ-ખેત૨માં * હરીન્દ્ર દવે * Ravji Patel * Harindra Dave

સીમ-ખેત૨માં દેવસ્થાન ફરફરે
મનના ખૂણાઓ ત્યારે ભેળા થઈ
કચસૂરી આંખોમાં સમાય !

અચાનક
સમયની ગાંસડીઓ તડાતડ તૂટી;
તારીખો વેરઈ ગઈ.
એ જ પંથ પર ચાલવાનું
સતત; તોય

ઘાસ પાણી જેવું બેઉ કાંઠે વહ્યું જાય.
મને આગળ ધકેલી પૂંઠે રહી જાય !
પાછલા પડાવ પર કેવું હતું ?
માણસના મન જેવું પહોળું પહોળું ઘાસ
ઘાસ હાથી હતું
ઘાસ ઘેટું હતું

વિસ્તરેલું વન હતું ઝીણી ઝીણી ધજાઓનું ! મને કશું નથી ભાન
આજ
સીમ-ખેતરમાં દેવસ્થાન ફરકે છે કીકીઓમાં એટલું જ યાદ.

રાવજી પટેલ

સ્મૃતિનું કાવ્ય – હરીન્દ્ર દવે

આ સ્મૃતિનું કાવ્ય છે. કશુંક પસાર થઈ ગયું છે; કંઈક વીતી ચૂક્યું છે એની વાત કવિને કહેવી છે. એટલે શીર્ષક દ્વારા જ કવિએ આ સંદર્ભ આપણને આપ્યો છે. આને આષાઢકાવ્ય કહી કવિએ કાલિદાસના વિખૂટા યક્ષની સ્મૃતિ સાથે પણ અનુસંધાન રચી દીધું છે.

સ્મૃતિ એ પવિત્ર વસ્તુ છે : એનું મંદિર જ્યાં ઝાઝી અવરજવર ન હોય ત્યાં, મનના શાંત ખૂણાઓમાં હોય છે. મધ્યાહને સીમમાં આવેલું મંદિર વાતાવરણમાં એકરૂપ બની જાય છે. વૃક્ષ પર પાંદડાં ફરફરે, એ રીતે આ મંદિર પણ આખાયે વાતાવરણમાં ફરફરી રહ્યું હોય એવું લાગે. આવા મંદિર જેવી સ્મૃતિ મનના ખૂણામાંથી ઉજાગરેલી આંખમાં આવીને ડોકાઈ જાય છે.

વીતેલા સમયનો ભારો આપણે ઊંચકીને જ ચાલતા હોઈએ છીએ; પણ કોઈક અભાન ક્ષણે એ ભારાની ગાંઠ છૂટી પડે છે અને બધું વેરાઈ જાય છે. વીતેલા સમયની એ વેરવિખેર તારીખો આપણને ભૂતકાળમાં મૂકી દે છે. ભૂતકાળ એટલે પાછલો પડાવ. સતત ગતિમાં તો ભૂતકાળ એટલે આ સાંપ્રતની સરી જતી ક્ષણ પણ.

આપણા આ કવિ ભૂતકાળ માટે, સ્મૃતિઓ માટે એક સરસ ઇમેજ શોધી લાવ્યા છે. ભૂતકાળ એટલે પાણીની માફક બેઉ કાંઠે વહ્યું જતું ઘાસ, જે આપણને આગળ ધકેલે છે અને તે પોતે પાછળ રહી જાય છે.

વૉલ્ટ વ્હીટમેનની કવિતામાં આ ઘાસનો મહિમા છે. એણે તો એના આખા સંગ્રહને ‘લિવ્ઝ ઑફ ગ્રાસ’ એવું નામ આપ્યું છે. એમાં એક સ્થળે બાળક પૂછે છે : ઘાસ એ શું છે ? અને કવિ જવાબ આપે છે : ઘાસ એ સુવાસિત સોગાત જેવો ઈશ્વરનો રૂમાલ છે, જેને કોઈક ખૂણે સિફતથી સર્જનહારનું નામ છુપાયેલું છે…’ આગળ જતાં કવિ કહે છે કે ઘાસ એ આ બાળક જ છે અને એથી પણ આગળ કવિ કહે છે : આશાની લીલોતરીમાંથી મેં રચેલી રચના – ઇમારત પરના ધ્વજો એ જ આ ઘાસ.

ઘાસને સ્મૃતિના સંદર્ભમાં મૂકીને આપણા આ કવિ કેવો ચમત્કા૨ ૨ચી દે છે ? એ એક જ પંક્તિમાં કેટલી બધી વાત કહી દે છે ? માણસના મન જેવું પહોળું પહોળું ઘાસ’ એમ કહી એ આગળ વધે છે. બગીચામાં આપણે ઘાસના હાથી કે ઘાસના અન્ય આકારો જોઈએ છીએ. પણ આપણું મન તો કેટકેટલા આકારો રચી શકે છે ? મન જેવું આ ઘાસ – એ કેવું હતું ? ઘાસ માટે હાથી અને ઘેટું એ બે રૂપકો વાપર્યાં છે : આપણો ભૂતકાળ એટલે આપણું ગૌરવ પણ ખરું અને આપણી અવમાનનાઓ પણ ખરી. હાથીની જેમ જ આપણે જીવી શકતા નથી.

મારું સ્વમાન રક્ષવા જતા કદી કદી,

હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

આવી પરિસ્થિતિ પણ ક્વચિત રચાતી હોય છે અને છતાં સમગ્ર રીતે તો ઝીણીઝીણી ધ્વજાઓનું વિસ્તરેલું વન જ જોવા સાંપડે છે. સ્મૃતિના વનનું આ દર્શન આપણી ભાષામાં ખરેખર વિરલ છે.

આ સ્મૃતિનું કાવ્ય છે અને એના કવિ ભરયુવાન વયે મૃત્યુ પામ્યા પછી એમનું સ્મરણ પણ આપણે એ વડે જ કરી રહ્યા છીએ : સ્મૃતિનું મંદિર અને સ્મૃતિનું ઘાસ. કવિએ આ બંને વાતો કહી છે અને સીમ-ખેત૨માં દેવસ્થાન વૃક્ષ પર પર્ણો એકરસ બની જાય એ રીતે વાતાવરણમાં ભળી જાય છે. મેદાનમાંના ઘાસની માફક જ એ ફરફરે છે અને આપણી કીકીમાં પણ એ સમાઈ જાય છે. કવિની સ્મૃતિ ક્યાં નથી હોતી ? મનના ખૂણાથી માંડીને આંખની કીકી સુધી જ ક્યાં, એ તો સર્વત્ર પથરાઈ જતી હોય છે.

સૌજન્ય : ‘કાવ્ય-સંગ’ નવગુજરાત પબ્લિકેશન્સ

www.kavyavishva.com 

મૂળ પોસ્ટિંગ 5.2.2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: