લાભશંકર ઠાકર ~ પરોઢનાં ઝાકળમાં * લતા હિરાણી * Labhshankar Thakar * Lata Hirani

પરોઢનાં ઝાકળમાં તડકો

પીગળે.

પીગળે પીગળે પડછાયાના પ્હાડ.

ને આંસુમાં

ડૂબતી તરતી

તરતી ડૂબતી

અથડાતી ઘુમરાતી આવે

થોર તણી કાંટાળી લીલી વાડ.

વાડ પરે એક બટેર બેઠું, બટેર બેઠું, બટેર બેઠું

ફફડે ફફડે ફફડે એની પાંખ.

દાદાની આંખોમાં વળતી ઝાંખ.

ઝાંખા ઝાંખા પરોઢમાંથી

પરોઢમાંથી આછા આછા

અહો મને સંભળાતા પાછા

અહો મને સંભળાતા આછા

ઠક્‌ ઠક્‌ ઠક્‌ અવાજમાં

હું ફૂલ બનીને ખૂલું

ખૂલું

ઝાડ બનીને ઝૂલું

ઝૂલું

દરિયો થૈને ડૂબું

ડૂબું

પ્હાડ બનીને કૂદું

કૂદું

આભ બનીને તૂટું

તૂટું

તડકો થઈને વેરણછેરણ તડકો થઈને

તડકો થઈને

સવારના શબનમસાગરને તળિયે જઈ ને અડકું.

મારી કર કર કોરી ધાર પીગળતી જાય.

પીગળે પીગળે પડછાયાના પ્હાડ!

~ લાભશંકર ઠાકર

પીગળ્યો એક પહાડ ~ લતા હિરાણી

લાઠા એટલે કે લાભશંકર ઠાકર જેવા ધુરંધર કવિની આટલી કોમળ કવિતા લઈને એમને યાદ કરીએ. એક સમર્થ કવિની કલામય કવિતાઓ સાહિત્ય જગતમાં અડીખમ જીવ્યા કરશે એ નક્કી. કવિતા, નિબંધસંગ્રહો, ચરિત્રગ્રંથો, નાટક, નવલકથા, કે બાળસાહિત્ય – સાહિત્યનો કોઈપણ પ્રકાર હોય, એમની રચનાઓમાં સર્જકતા શિખરે રહેતી. તો સામે પક્ષે વૈદક વિષયક લેખો લખવામાં તેઓ એટલા જ સરળ ! સમયના સપાટે અને વયના ઢળતા ઢાળે એમને સાક્ષીભાવનો ભલે સ્વીકાર કરાવ્યો પણ અઘરા રાગે પ્રેમથી ‘લઘરા’ કાવ્યો રચનાર અને આધુનિક ગુજરાતી સાહિત્યમાં ‘રે મઠ’ સ્થાપનાર લાભશંકર ઠાકરનો વિપ્લવી બુલંદ અવાજ ગુજરાતી સાહિત્યમાં ગુંજતો રહેશે.

ચાલો આજે જેનો આસ્વાદ કરાવવા ધાર્યું છે એ કવિતા તરફ વળીએ. ચિંતન, હળવાશ, મધુરતા અને વાસ્તવને વણતું આ કાવ્ય એમના ‘તડકો’ કાવ્યોમાનું એક છે. કાવ્યનું માત્ર પઠન કોઈના મનમાં ગીતનો આભાસ જગાડી શકે. આ કાવ્યના દમદાર, રણકાભર્યા પઠનથી લયના પ્રવાહમાં ઘુમરાતા જતાં શબ્દો ભાવકને આસાનીથી પોતાની સાથે તાણી જાય. ‘પીગળે, ફફડે, તરતી, ડૂબતી, બટેર બેઠું’ જેવા અનેક શબ્દોના અદભૂત આવર્તનોનું અજવાળું શ્રોતાની અનુભૂતિ સાથે સીધું સંબંધાઈ જાય. શબ્દો આપણને  ઉપાડે, રમાડે, વહાવે, ઝૂલાવે. દેખીતા સરળ આ કાવ્યમાં એબ્સર્ડ કવિતાના અંશ પમાય છે.

આ કાવ્ય તડકા અને એમાંય પરોઢના કૂમળા તડકાની આસપાસ ગૂંથાયેલું છે. સૃષ્ટિનું આ દર્શન માનવીને કાં તો ચિંતનમાં ડૂબાડી દે કાં વિસ્મયના પ્રદેશમાં સેર કરાવે. કવિએ આ બંને ધબકાર ઝીલ્યા છે. તડકા માટે કવિએ સહેતુક ‘રેલાતો’ કે ‘પથરાતો’ શબ્દ નથી વાપર્યા. એમ હોત તો જુદું બનત. એ કેટલાય રૂક્ષ પડો ઢાંકી દેત, આવરણ બની જાત. અહીં તડકો પીગળે છે, જે એક જુદી જ અનુભૂતિ છે. ‘પીગળવું’ શબ્દ એક અલગ ભાવસૌંદર્ય સર્જે છે. પરોઢનો કુમળો તડકો પીગળે અને ઓઢી રાખેલા વ્યર્થ આવરણો ઓગાળતો જાય, વયના એક પછી એક જરઠ પડો ઉખેડી માસુમિયત તરફ લઈ જાય, સંવેદનાને હળવેથી સ્પર્શી અંદરના કોમળ ભાવોને જગાડતો જાય. પરોઢનો તડકો અંધારાને ઓગાળે છે, સમગ્ર કુદરતને નવું રૂપ આપે છે અને ચારેકોર પીગળતા તડકામાં ઊઘડે છે સોના જેવો માનવભાવ ! જે અંદરના ખડકોને ચૂર ચૂર કરી દે. પહેરેલા પડછાયા, સર્જેલી સંબંધોના થોરની વાડો કે કોરાધાકોર મનની કિનારો પરોઢના તડકાના આકંઠ પાનથી પીગળતી જાય, પીગળતી જાય..   

તડકામાં વાડ પર બેઠેલું બટેર પક્ષી ને એની હળું હળું ફફડતી પાંખો એવી નમણાશની સૃષ્ટિ રચે છે કે આંસુમાં ડૂબીને તરીને આવેલી થોરના કાંટાની વાડ પણ કઠે નહીં. અલબત્ત દેહભાન ભૂલાયું નથી. આ સૌદર્યને માણતા અને એમાં ડૂબતાં-તરતા, આંખની ઝાંખ નિરૂપાઇ છે. માનવદૃષ્ટિની મર્યાદા બતાવવા પ્રતિકાત્મક ઉપયોગ હોઈ શકે. પૂરા કાવ્યમાં આંસુ અને અવસાદ, અવાજ અને મૌન, કોમળતા અને કઠોરતા લયના દોરમાં અને શબ્દોના ગૂંથણમાં પરોવાઈને એવા પથરાયા છે કે રચનામાંથી માધુર્યનો હિલ્લોળ પ્રગટે છે. રમ્ય કુદરતનું દર્શન માનવીની સ્વભાવગત કઠોરતા કે કઠણાઈને પક્ષીની પાંખ જેવા હળવા ફૂલ બનાવી દે છે ને મન ખૂલવા, કૂદવા, ઝીલવા અધીરું થઈ જાય છે.

હું ફૂલ બનીને ખૂલું, ખૂલું ઝાડ બનીને ઝૂલું, ઝૂલું દરિયો થૈને ડૂબું, ડૂબું પ્હાડ બનીને કૂદું, કૂદું

ટહૂકતી અભિવ્યક્તિ ! મન સાથેનો નાવીન્યસભર અને તાજગીભર્યો આ સંવાદ, ભાવકને મોજના દરિયાની સહેલ સ્હેજે કરાવે છે. અહીં જ આગળ જતાં કવિએ તડકા માટે ‘વેરણછેરણ’ શબ્દ વાપર્યો છે. ‘વેરણછેરણ’નો રૂઢ અર્થ ભૂલીને વેરાયેલા રમકડાં જોઈને એક બાળકની ખુશી અનુભવી જુઓ. કવિને શું અભિપ્રેત હશે ? કવિતાની આ જ ખૂબી છે અને એમાંય કલાતત્વથી રેલમછેલ કવિતામાં આ ખાસ બનવાનું. એ એક મેઘધનુષ્ય છે, ભાવકના મનના રંગો સાથે એના રંગો જોડાય. એમ ઊઘડે ને એમ વિસ્તરે…  ક્યાંક એવુંય ઉપસી શકે જે કવિની કલ્પનામાં ન હોય !

www.kavyavishva.com 

મૂળ પોસ્ટિંગ 6.1.2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: