આઝમ કરીમી ~ સંભવ નથી * હરીન્દ્ર દવે

સંભવ નથી કે…~ આઝમ કરીમી

મન ગૂંગળાઈ જાય છતાં શું કરે હવે :

પથ્થર બની ગયા છે પગો શ્વાસશ્વાસના,

ધરતીના ચારે હાથ નહીં વિસ્તરે હવે…

પૃથ્વી વિશાળ વ્યોમને કહેતી ફરે હવે :

ખાબોચિયામાં તૃપ્તિનું હોવું ભરમ હતું,

જીવી શકે ન જે અહીં લાજી મરે હવે….

સંબંધનાં ગુલાબ નહીં પાંગરે હવે :

મીઠાશની ક્ષણોને ફરી ઝેર પાઈ દો,

ખુશ્બૂને કોઈ હાથ નહીં આંતરે હવે….

સંભવ નથી કે આજનો સૂરજ ઠરે હવે;

હું આગિયાની આંખમાં સંતાઈ જાઉં છું,

તારા વિરહની સાંજ ભલે છેતરે હવે….

વંચનાને અતિક્રમવાની વાત – હરીન્દ્ર દવે

એક કરુણ સંયોગે જેને આપણી વચ્ચેથી ઉપાડી લીધા, એ કવિ આઝમ કરીમીની આ રચનાને આપણે શ્રદ્ધાની ભૂમિકા પરથી આવેલી કૃતિ પણ કહી શકીએ, પણ આ શ્રદ્ધાની નકારાત્મક ભૂમિકા છે. જેમ અસ્તિની શ્રદ્ધા છે, એમ ‘નાસ્તિ’ની પણ શ્રદ્ધા છે. જેમ આશાની શ્રદ્ધા હોય એમ નિરાશાની પણ શ્રદ્ધા હોય છે. એટલે જ આશાનો સંદેશ આપતો માણસ ઋષિ કે દાર્શનિક કક્ષાએ પહોંચી શકે એટલી જ હદે બર્ટ્રાંડ રસેલ જેવો અનિશ્વરવાદમાં માનતો માણસ પણ ઋષિ કે દાર્શનિકની ભૂમિકા પરથી વાત કરતો હોય છે.

અહીં દર્શનનો એવો વિરાટ પ્રશ્ન નથી, પણ વ્યથાનું નાનકડું આશ્ચર્યચિહ્ન છે ! મન ગૂંગળાઈ ગયું છે. મનને જે કહેવું છે એ પ્રગટપણે કહી શકાતું નથી. અને સરળતાથી નિસાસો મૂકી શકાય એટલું નિર્બંધ મન પણ નથી ! કવિ આ વાતને હૃદયસ્પર્શી રીતે રજૂ કરે છે. શ્વાસોશ્વાસના પગો પથ્થર જેવા ભારે થઈ ગયા છે. શ્વાસ એ અમૂર્ત તત્ત્વ છે. એને મૂર્ત ચરણ આપી ફરી પાછા કવિ એ ચરણ પર અમૂર્ત વેદનાનો ભાર મૂકે છે ! ક્યારેક ધરતીની ચારે દિશાઓમાંથી આપણને સ્નેહલિંગન કે સાંત્વન મળ્યું હોય છે, પણ આજે આ શ્વાસની ગતિનો ભાર જ એટલો છે કે એને હળવો કરવા માટે આ ધરતીના ચાર હાથોનું આલંબન પણ નહીં મળે, દિશાઓનું આલંબન આમ પણ મન મનાવવા પૂરતું જ હોય છે અને એ પણ વિલય પામે ત્યારે?

માણસને જ્યારે વિરાટ પ્રકૃતિ, બ્રહ્માંડોની અસીમ પરંપરાનો સંદર્ભ સમજાય છે ત્યારે એની તરસ અને તૃપ્તિ બંનેના અર્થો બદલાઈ જાય છે. ‘સિતારોસે આગે જહાં ઔર ભી હૈ’ એમ ઇકબાલ કહે છે, ત્યારે એ આ સૃષ્ટિ સાથેના આપણાં નાનાં નાનાં અનુબંધો, નાનાં સુખો કે નાના વિષાદોની હાંસી નથી કરતાં, એની નિરર્થકતા સમજાવે છે.

આ કવિએ પણ પૃથ્વી અને વિરાટ વ્યોમના સંબંધને સમજતી વેળા એ નિરર્થકતા અનુભવી છે, આપણે ખાબોચિયામાં જીવતા હોઈએ છીએ – અને તરસ તથા તૃપ્તિના ભ્રમને પોસતા હોઈએ છીએ. પણ એક વાર આ ખાબોચિયાનું માપ સમજાઈ જાય ત્યારે અહીંના સઘળા સંબંધો, સઘળી સુવાસો, વિષ કે અમૃત – એ બધાનું અસ્થાયીપણું સમજાઈ જાય છે.

આપણે રોજ એવું ઝેર પીએ છીએ જે સ્વાદમાં કટુતા આપે છે, પણ જીવનની દોરી કાપી શકતું નથી, અને એવું અમૃત મેળવીએ છીએ જે મીઠાશનો ભ્રમ ઊભો કરે છે. પણ અમરત્વ આપી શકતું નથી. વિષ અને અમૃતનાં આ બે અંતિમો…એ પણ ક્યાં સાચાં છે ?

આ પ્રતીતિ સૂર્ય જેવી છે. એક વાર એ પ્રતીતિનો સૂર્ય ઊગે પછી એ ક્યારેય ઠરે એ શક્ય લાગતું નથી. વિરહની સાંજ એ પણ એક પ્રકારની વેંચના બની જાય છે. અને એટલે જ કવિ આ બધી જ વંચનાને અતિક્રમી જવાનો આખરી પ્રયત્ન કરે છે – આગિયાની આંખમાં સંતાઈ જઈને !

સૌજન્ય : કવિ લલિત ત્રિવેદી

www.kavyavishva.com 

મૂળ પોસ્ટિંગ 2.3.2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: