મારામાં રાસ ચાલે છે ~ જવાહર બક્ષી

એક શબ્દ દડી જાય, દડી જાય અરે !

પડઘાઓ પડી જાય, પડી જાય અરે !

બ્રહ્માંડથી ગોતીને ફરી લાવું ત્યાં

એક કાવ્ય જડી જાય, જડી જાય અરે ! ~ જવાહર બક્ષી

તારીખ પ્રમાણે 19મી ફેબ્રુઆરી અને તિથી પ્રમાણે મહાશિવરાત્રિએ જન્મેલા કવિ જવાહર બક્ષી નરસિંહ મહેતાના 18મી પેઢીના વારસ છે. પોતાની બાર વર્ષની વયે એમણે છંદોબદ્ધ કાવ્યરચના કરેલી. આટલી નાની ઉંમરે બાળક છંદ ક્યાંથી શીખ્યો હોય ! જન્મોજન્મના સંસ્કાર કહો કે જન્મજાત પ્રતિભા વગર એ શક્ય નથી. એ ખરું કે બાળપણથી એમને કવિતાનું વાતાવરણ મળ્યું. માતા નરસિંહ મહેતાના ભજનો ગાતા અને ઘરમાં ગઝલકારો, સંગીતકારો ગાયકોની આવનજાવન રહેતી. એટલે કવિતા અને સંગીત સતત એની આસપાસ ઘૂમ્યા કરતાં. લય લોહીમાં વણાયેલો હતો અને વાતાવરણે એને કાનની કેળવણી આપી દીધી. ગઝલ સાંભળી સાંભળીને ગઝલના તત્વોની આડકતરી તાલીમ મળી.

જૂનાગઢમાં નાગર મંડળનો દિવાળીનો ઉત્સવ ચાર-પાંચ દિવસ ચાલતો. આવા ઉત્સવમાં એક વખત કવિ સમ્મેલન હતું. બાળ જવાહરે ભાઈના મિત્રને પૂછ્યું, પોતાની કવિતા વાંચવા માટે. એમણે સાંભળી ને અનુમતિ આપી. બાળ જવાહરે પૂરી સ્વસ્થતાથી અને આત્મવિશ્વાસથી વાંચી. કવિ સમ્મેલનમાં એક બાળક છવાઈ ગયો અને સૌથી વધારે તાળીઓ મેળવી ગયો. કવિ જવાહર બક્ષીનો એ સૌથી પહેલો જાહેર કાર્યક્રમ. વર્ષ 1059 અને એમની ત્યારે વય માત્ર બાર વર્ષ ! 

એ પછી બાળ જવાહરના કાવ્યો શાળાના હસ્તલિખિત અંક અને ભીંતપત્રની શાન વધારવા લાગ્યા. શાળા દરમિયાન જ વાંચનનો શોખ વળગેલો. એમ આઠમા ધોરણમાં હતા ત્યાં સુધીમાં છંદો પર એટલી મહારત પ્રાપ્ત કરી લીધેલી કે મેટ્રિકના વિદ્યાર્થીઓ જવાહર પાસે અક્ષરમેળ, માત્રામેળ છંદો શીખતા. પંદર વર્ષની ઉંમરે એમણે શંકરાચાર્યના ગ્રંથો વાંચેલા. 

એમનામાં પ્રતિભા હતી જ અને પછી સ્વાધ્યાય અને અભ્યાસથી એમાં નિખાર આવ્યો. જવાહર બક્ષીની ગઝલોમાં આધ્યાત્મિકતાનો, ચિંતનનો પુટ જે સતત અનુભવાય છે એના મૂળ પણ એમના બાળપણમાં છે. અનેક નજીકના સગાંઓના ઉપરાઉપરી મૃત્યુને કારણે એમના બાળમાનસમાં જીવનની ક્ષણભંગુરતા અંકાઇ ગયેલી. એક બાજુ મૃત્યુના પડછાયા અને બીજી બાજુ કવિતાનો રંગ. આમ એમની ચેતનામાં ભગવો રંગ સ્થાપિત થઈ ગયો જે એમની રચનાઓમાં સતત ડોકાયા કરે છે.

જૂનાગઢમાં એમને મળેલું વાતાવરણ  લોકસંસ્કૃતિ અને ભદ્રસંસ્કૃતિનું સંમિશ્રણ હતું. એક બાજુ ચારણો અને ગઢવીઓનો સંસર્ગ તો બીજી બાજુ  રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, શ્યામ સાધુ, વીરૂ પુરોહિત જેવા એમના સહાધ્યાયીઓનો સંગ અને ઘરે કવિતા, સંગીતની બેઠકો વગેરે તો ખરું જ. 

કવિતા પ્રત્યે આટલો પ્રેમ પરંતુ એ વાત મનમાં પાકી હતી કે કવિતા પર જીવવું શક્ય નથી એટલે પથ નક્કી થઈ ગયો. આત્માના આનંદ માટે કવિતા અને જીવવા માટે વ્યવસાય. ગણિતમાં એમની માસ્ટરી હતી એટલે મેટ્રિકમાં ગણિતમાં 100માંથી 98 માર્ક્સ આવ્યા અને એમને મુંબઈની સિડનહેમ જેવી વિખ્યાત કોલેજમાં પ્રવેશ મળી ગયો. પછી એમણે C.A કર્યું અને પોતાના વ્યવસાયમાં પણ એટલા જ સફળ થયા.  

કવિ મુંબઈ આવ્યા પછી મરીઝ, શૂન્ય પાલનપુરી, બેફામ, સૈફ પાલનપુરી જેવા બીજા અનેક નામી શાયરોના ગાઢ પરિચયમાં આવ્યા. એમની પાસેથી છંદોની ચુસ્તી શીખ્યા પરંતુ એમને લાગ્યું કે ગઝલના બંધારણના બંધનો અભિવ્યક્તિના અવકાશને બાંધી દે છે, સંવેદનને સંકોચે છે. ગઝલના વિષયોમાં પણ એમને એકવિધતા લાગતી. કવિને પોતાને દુહા, છપ્પા પ્રિય હતા. આખ્યાનોના કથાનકનું પણ એમને આકર્ષણ હતું. આથી એમણે દોહા ગઝલના પ્રયોગ શરૂ કર્યા. એમની કુંડળી ગઝલો જાણીતી બની. શેરમાં માત્ર ચોટથી નહીં, ભાવોના લાલિત્યથી કાવ્યસૌંદર્ય નીપજે અને રચના સુંદર બને એ વાતમાં એમનો વિશ્વાસ હતો અને પોતાની રચનાઓમાં એ સિદ્ધ પણ કર્યું.  કવિ કહે છે કે કવિતા અનુભૂતિથી, સંવેદનાથી લખાય પણ એનું બાહ્ય સ્વરૂપ તો બુદ્ધિથી જ રચાય.

કવિને કંઠોપકંઠ પરંપરા માટે ઘણું માન છે. ચરણો, ગઢવીઓએ આ પરંપરા સંભાળી છે. મૌખિક પરંપરા એ આપણી સંસ્કૃતિનું ગૌરવ છે. આપણા ઋષિમુનિઓએ વેદ, પુરાણ રચ્યા ત્યારે લેખનના સાધનો નહોતા. શિષ્યોએ એને  કંઠોપકંઠ ગ્રહણ કર્યા અને એ પેઢી દર પેઢી ચાલ્યું. ભારતીય સંસ્કૃતિ આટલા આક્રમણો વચ્ચેય બચી હોય તો એ આ  પરંપરાને કારણે.

પોતાની ગઝલને પોતાની નહીં ગણાતા કવિની યાત્રા સતત સ્વચેતના તરફની રહી, સ્થૂળથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર સુધી જવાની એમની ગતિ રહી. એમણે માત્ર પોતાના ભાવને પુષ્ટ થવા દેવાનું યોગ્ય ગણ્યું. પછી એમાંથી જે પ્રગટ્યું એ કવિતા બની. કાવ્યલેખનને કવિ આધ્યાત્મિક યાત્રા ગણે છે. એટલે જ કવિની રચનાઓ તત્વજ્ઞાનથી રસાયેલી છે. ‘હું સ્થિર છું, મારામાં રાસ ચાલે છે’ એ ગઝલ કવિને જાણે અવતરી હતી. કવિ કહે છે એમાં કોઈ જ ફેરફાર કર્યા વિના જેમ આવી એમ જ મેં ઉતારી લીધી છે !

વિશ્વભ્રમણ અને અધ્યાત્મ તરફ ઝૂકાવ આ તત્વોએ કવિ જવાહર બક્ષીના કાવ્યને અનોખાપણું અને નુતનતા બક્ષ્યાં છે. વાસ્તવ અને પરંપરાના તત્વોથી સીંચાયેલા તથા અનુભૂતિની ખરલમાં ઘૂંટાયેલા એમના શબ્દો ચેતનાના સાક્ષાત્કાર સુધી પહોંચે છે. કવિએ પોતાની ગઝલના વિષયવસ્તુ અને શિલ્પમાં જે પ્રયોગો કર્યા છે એ અભૂતપૂર્વ છે. ગઝલ સ્વરૂપમાં આટલા ફેરફાર કરવાની એ સમયે કદાચ કોઈએ હિંમત નથી કરી અને છતાંયે એ પ્રયોગો અત્યંત સફળ અને ધ્યાનાર્હ બન્યા છે એ પણ નોંધવું પડે.

‘રે લોલ’વાળી ગઝલથી ગીતનુમા ગઝલનો એક નવો જ પ્રકાર તેમણે નિપજાવ્યો.

તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ

આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ.

ત્રિપાદકુંડળનો પ્રકાર એ કવિ જવાહર બક્ષીની દેન છે. ગઝલના સ્વરૂપમાં બને એટલા પ્રકારની કવિતા આપવી એ કવિનું ધ્યેય હતું. આમ કુંડળી-ગઝલ, દોહા-ગઝલ, ભજન-ગઝલ, આખ્યાન-ગઝલ, ગીત-ગઝલ જેવા તેમના પ્રયોગો એક સીમાચિન્હ બની ગયા. જુઓ ત્રિપાદકુંડળનું ઉદાહરણ

બારી ખૂલી ગઈ છે / કિંતુ સુગંધ અહીંનો / રસ્તો ભૂલી ગઈ છે….

રસ્તો ભૂલી જવામાં / કેવી અજબ મજા છે / અમથી જ આવજામાં.

અમથી જ આવજા છે / મંજિલ નથી કે રસ્તો / ચારે તરફ હવા છે…..

અને જુઓ એક ઉદાહરણ ભજન ગઝલનું

એવો તે ઘાટ કંઇ જીવનને દીધો જી

પરપોટામાં કેદ પવનને કીધો જી.

કવિએ અષ્ટનાયિકા ગઝલ લખી છે. એમાં અભિસારિકાની રચના જુઓ

સાજણ તારી વાટમાં બંધનનો વિસ્તાર / આકાશ ઊગ્યું આંખમાં, પગમાં ઊગ્યા પ્હાડ

પગમાં ઊગ્યા પ્હાડ નીકળું નદી થઈને / અધવચ્ચે રોકે મને પડછાયાનાં ઝાડ.

તો કવિની આખ્યાન ગઝલનો આ મુખબંધ જુઓ. આ ગઝલની રચનામાં કવિએ 500 કલાકો ખર્ચ્યા છે.

ભગ્ન સમયની સોય ઉપર એને મળવાના પાયા બાંધ્યા જાત ફનાની સાવ અણી પર પરપોટાના કિલ્લા બાંધ્યા.

કવિએ સદાય નિજાનંદ માટે, સ્વાન્ત: સુખાય લખ્યું. પોતાના કાવ્યને ક્યારેય વ્યાવસાયિક કે સભારંજની નથી બનવા દીધું. નિરંતર અંદરની તરફ એમની ગતિ રહી અને એટલે એમાંથી જે રચનાઓ મળી એ ખૂબ પ્રભાવી રહી. “ચિત્તવૃત્તિ શાંત થાય ત્યારે તમે તમારા સ્વસ્વરૂપમાં સ્થિત થાઓ છો” એમ કહેનારા કવિની રચનાઓમાં આ સત્ય સમુદ્રરૂપે સ્થિર થયેલું અનુભવાય છે. કદાચ એટલે જ હરીન્દ્ર દવેએ કવિને ‘ગઝલઋષિ’ કહ્યા છે. કવિનો આ શેર એની સાહેદી પૂરે છે,

દશે દિશાઓ સ્વયમ્ આસપાસ ચાલે છે / શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.

અટકવું એ ય ગતિનું જ કોઈ રૂપ હશે! / હું સા…વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.

પુરુષોત્તમ ઉપાધ્યાય, આસિત દેસાઇ, આલાપ દેસાઇ, ઉદય મજમુદાર જેવા અનેક સંગીતકારોએ એમની રચનાઓને સ્વરબદ્ધ કરી છે. નીનુ મઝુમદારે એમનું પ્રથમ આલ્બમ બનાવેલું જે બનારસી ઠૂમરી અંગની ગઝલોનું હતું. એમની પાત્રગઝલ રૂપજીવિનીની ગઝલનું સ્વરાંકન પુરુષોત્તમ ઉપાધ્યાયે કરેલું.

એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે / રોજ બત્તીનો સમય છે ને અંધારું છે.

કવિએ નરસિંહ મહેતા પર Ph.D કરેલું છે. એમાં નરસૈયા પર કરેલા સંશોધનો અને તારણો અદભૂત છે. કવિ કહે છે કે ‘નીરખને ગગનમાં, કોણ ઘૂમી રહ્યું ; ‘તે જ હું’,  ‘તે જ હું’ શબ્દ બોલે’ એ આખું માન્ડુક્ય ઉપનિષદ છે અને ‘જળકમળ છાંડી જા ને બાળા’ એ કુંડલિની છે. આ અંગે કવિને નિરાંતે સાંભળવાનો મને લ્હાવો પ્રાપ્ત થયો છે. કવિ જવાહર બક્ષી મહર્ષિ મહેશ યોગીના શિષ્ય રહી ચૂક્યા છે.

આજકાલ સાવ કાચેકાચું પણ જલ્દી છપાવી દેવાની માનસિકતાનું બજાર લાગ્યું છે ત્યારે આ કવિએ ત્રીસ ત્રીસ વર્ષોની સાધના પછી એક ગઝલસંગ્રહ ‘તારાપણાના શહેરમાં’ આપ્યો ! કવિની ઊંડી સાધના અને ધીરજ સામે નતમસ્તક થઈ જવાય છે. એટલું જ નહીં, આ એ કવિ છે કે જેમણે પોતાની 700 ગઝલ રદ કરી છે ! એમના સ્વવિવેક, સાક્ષીભાવ અને નિસ્પૃહતાને સલામ.

પોતાના ગઝલસંગ્રહ ‘તારાપણાના શહેરમાં’ના નિવેદનમાં કવિ લખે છે, “ગઝલ મારે માટે મર્યાદામાં રહીને અનંતને પામવાની યાત્રા છે….. અહીં જે ગઝલો પ્રસ્તુત છે તે મારી અભિવ્યક્તિની આંતરિક અનિવાર્યતાને નિમિત્તે મેં જે જોયું, સાંભળ્યું છે તેનું રૂપાંતર છે. હું પણ આપની જેમ આ ગઝલોનો દૃષ્ટા, શ્રોતા કે વાચક છું….. મેં શબ્દને અનેક ઇન્દ્રિયરૂપે માણ્યો છે. મેં અર્થ, ધ્વનિ. લય અને સંગીત ઉપરાંત તેના સ્પર્શ, રંગ, રૂપ, રસ અને ગંધ આદિ અનેક તત્વોનું પાન કર્યું છે. પરંપરા અને આધુનિકતા વચ્ચેથી પસાર થતાં ગઝલોના અનેક રંગો અને ચહેરા ઉપાસ્યા છે..”

**  **  **  **

કવિના કાવ્યસંગ્રહો : ‘તારાપણાના શહેરમાં’, ‘પરપોટાના કિલ્લા’

એવોર્ડ અને સન્માનો

નર્મદ સુવર્ણચંદ્ર 1998

કલાપી એવોર્ડ 2006

કવીશ્વર દલપતરામ એવોર્ડ 2019

ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ

મુંબઈ યુનિવર્સિટીમાં વિશેષ અભ્યાસ માટે એમની અગ્રંથસ્થ ગઝલોનો સમાવેશ થયો હતો. 

**  **  **  **

કવિ જવાહર બક્ષી

જન્મ  : 19 ફેબ્રુઆરી 1947, જૂનાગઢ

માતા-પિતાનું નામ : નીલાવતી રવિરાય બક્ષી

જીવનસાથી : દક્ષા

સંતાન : પૂજા

વ્યવસાય : ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ – હાલ નિવૃત્ત

કર્મભૂમિ : મુંબઈ અને વિદેશ

**  **  **  **

જળનો જ જીવ છું, ફરી જળમાં વહી જઈશ

પળભર બરફમાં બંધ છું, પળમાં વહી જઈશ. ~ જવાહર બક્ષી

સાંભળો કવિના અવાજમાં કવિની ગઝલની વાત અને પઠન

ગઝલ : હોવાપણાના શહેરમાં ~ પઠન : જવાહર બક્ષી

OP 19.2.22

***

આભાર

25-02-2022

આભાર છબીલભાઈ.

કાવ્યવિશ્વની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

19-02-2022

આપના દ્નારા સર્જક પરિચય ખુબજ વિસ્તાર પુર્વક કરવામાં આવ્યો આભાર

છબીલભાઈ ત્રિવેદી

19-02-2022

આજે જવાહર બક્ષી ના જન્મદિન નિમિત્તે તેમના કાવ્યો ખુબજ ઉમદા કવિ શ્રી ની રચના ઓ માણવી ગમે તેવી હોય છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: