કવિ હરીશ મીનાશ્રુ

કવિ હરીશ મીનાશ્રુ

જે પળમાં સરી ગઈ તે પરછાંઈ સાધો

હવે ઝળહળે સર્વથા સાંઈ, સાધો. 

કવિ હરીશ મીનાશ્રુ અનુઆધુનિક યુગના કવિઓમાં પ્રથમ હરોળમાં બિરાજે છે. ગયા વર્ષે કવિને એમના ‘બનારસ ડાયરી’ કાવ્યસંગ્રહ માટે સાહિત્ય અકાદમીનો પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો ત્યારે સમય જ એવો વિષાદગ્રસ્ત હતો કે એક સંવેદનશીલ માનવી કોઈ સારી ઘટના પણ માણી ન શકે. ચારેબાજુ મોતનું તાંડવ હતું. કેટકેટલા સ્વજનો, સર્જકોએ આ સમયમાં વિદાય લીધી ? ખુશી અનુભવવાનું બહુ અઘરું હતું. એવે સમયે વાંચો કવિના જ શબ્દો. કવિની પીડા એમાં વરતાય છે. (અંશો, સાહિત્ય અકાદમીમાં કવિએ આપેલા પ્રતિભાવમાંથી)

“સૌ પ્રથમ તો આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી પહેલીવાર આ છેલ્લાં દોઢેક વર્ષમાં વિભૂષિત સૌ મિત્રોને પોતપોતાની સુંદર ભાષાઓને વિશેષ લાવણ્યમય બનાવવા બદલ મારા અભિનંદન. આજે જ્યારે હું આપ સૌની સન્મુખ ઊભો છું ત્યારે અતિ સંકુલ લાગણી અનુભવી રહ્યો છું, જેને યથાતથ વ્યક્ત કરવી કઠિન છે. અલબત્ત, આ પ્રસન્નતાની ક્ષણ છે, પણ મારું હૃદય વિષાદગ્રસ્ત છે. કદાચ આપ સૌની પણ એ જ દશા હશે જીવનમાં આપણને એટલું તો સમજાઈ ગયું છે કે આપણો આ ગ્રહ કેવળ ‘મૃત્યુલોક’ છે. એક ‘મૃત્યુ’ જ છે જે ચક્રવર્તી છે, નહીં કે પેલા કહેવાતા ચક્રવર્તીઓ, જે વિશ્વના નકશાના નાનાંમોટાં ચિંદ૨ડાં ૫૨ ‘ખાધું પીધું ને રાજ’ કરે છે. દાયકાઓથી આપણે જે અપકૃત્યો કરતાં રહ્યાં એનો આ કુદરતી પ્રત્યાઘાત છે……

મારા પુસ્તક ‘બનારસ ડાયરી’ વિષે કૈંક કહું. જો તમે કથાલેખક હો તો કથાની રૂપરેખા, પાત્રો, એમાં નિરૂપિત સ્થળકાળાદિની વાત માંડી શકો. પણ કવિતામાં વાત ક્યાંથી શરૂ કરવી? કવિઓને તો મોટેભાગે પોતાની કવિતાની વાત કરતાં નવનેજા થાય છે. હું એવું માનું છું કે એ વિશેષાધિકાર ભાવયિત્રી પ્રતિભા ધરાવતા વાચકનો ભાવકનો છે. કવિ પોતાની કવિતા વિષે વાત કરવાનું ટાળે એ આદર્શ સ્થિતિ॰ મારું માનો તો કવિતા કઈ રીતે રચાઈ છે એની એને જરા જેટલી જ ખબર હોય છે. કદાચ પહેલા પાંચ પંદર શબ્દો એની કલમમાંથી ટપકી પડે છે, પણ બીજી જ ક્ષણથી કવિતા એનો કબજો લઈ લે છે ને ‘બૅકસીટ ડ્રાઈવિંગ’ કરીને એને દોરી જાય છે અજાણી ને આડીઅવળી ગલીઓમાં ને ભેદભરમાળી શેરીઓમાં છેવટે એને પહોંચાડી દે છે કોઈ પરાભૌગોલિક અચરજી મંઝિલે. કાવ્યની યદચ્છાગતિ આગળ કવિની પૂર્વનિર્ધારિત યોજના અવળી પડી જાય છે. આ યાત્રાની ઇટિનરરી પ્રવાસરેખા બિલકુલ કોન્ફિડેન્સિયલ હોય છે જેની જાણકારી હોય તો હોય છે કેવળ કવિતાને, કવિને તો નહીં જ, એટલું નક્કી. એ માન્યતા ભૂલભરી છે કે કવિ કવિતા compose કરે છે ખરેખર તો કવિતા જ કવિને કરે છે compose કરે છે, એના તમામ સંભવિત અર્થોમાં (to compose-કાવ્યરચના કરવી/ સ્વરરચના કરવી/ અંશોની કલામક ગોઠવણી કરી પૂર્ણની રચના કરવી/ શાતા પમાડવી આદિ) પથ્થરમાંથી મૂર્તિ ઘડવાની પ્રક્રિયામાં સલાટ ખુદ ઘડાતો જાય છે. સૃજનની લીલા, લેખનની લીલા કવિને કેન્દ્રગામી ધક્કો મારે છે, અસ્તિના મર્મસ્થળ તરફ, પ્રજ્ઞા અને પ્રસન્નતાના નાભિકમળ તરફ……”  

આ શબ્દોમાં કવિની એ સમયે વેઠેલી વેદના તો છે જ, સાથે સાથે એમની કાવ્યસર્જનપ્રક્રિયા અંગે થોડીક વાતો છે… 

વ્યક્તિની પ્રતિભા એને જે તે કલા તરફ ખેંચે છે એના મૂળમાં એ સત્વ રહેલું હોય છે, જેના અણસારા બાળપણમાં જોવા મળતા હોય છે; પછી એનું સંમાર્જન સમય પ્રમાણે કે વાતાવરણ મળે એ અનુસાર થતું રહે એ વાત જુદી.    

કવિ હરીશ મીનાશ્રુના કિસ્સામાં પણ આવું જ. બાળપણમાં, કવિ પાંચમાં કે છઠ્ઠામાં હશે ત્યારે પોતાના નામના અક્ષરો આવે એવી કવિતા રચી. એ જોઈને શિક્ષક ખુશ થયા. પછી આ જ એમના ગુજરાતીના શિક્ષકે નોટિસબોર્ડ પર મૂકવા માટે કવિતા માંગી અને તેમણે કોઈ તત્કાલીન ઘટના પર કવિતા લખીને આપી. શિક્ષક રાજી થયા, શાબાશી આપી. કવિતા નોટિસબોર્ડ પર મુકાઇ અને આમ શાળાના સમયમાં જ કવિતાના બીજ દેખાયા. પછી વિદ્યાર્થીકાળમાં એમણે લખ્યું નહીં પણ કવિતા માટેનો પ્રેમ બરાબર વિકસતો જતો હતો. ગ્રંથાલયમાં ગ્રંથપાલની નજર ચૂકવીને ‘કુમાર’નું કવિતાવાળું પાનું ચૂપચાપ તેઓ ફાડી લેતા. ઘરે જઈને આવાં પાનાઓનું પુસ્તક જેવું પણ બનાવેલું !   

કવિ ઉમાશંકર જોશીને ‘નિશીથ’ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો ત્યારે કવિ એ પુસ્તક ખરીદી લાવ્યા, વાંચ્યું, એમાંથી અઘરા શબ્દો અલગ તારવ્યા, શબ્દકોશમાંથી એના અર્થ શોધ્યા અને પોતાનો શબ્દકોશ તૈયાર કર્યો ! તેઓ B.Sc ના છેલ્લા વર્ષમાં હતા ત્યારે તેમણે ‘કવિતા’ અને ‘કવિલોક’ જોયા. એ વાંચ્યા પછી એમણે એક ગીત લખ્યું. જેનું શીર્ષક હતું ‘ચાડિયાનું દુકાળગીત’.  એ ગીત ‘નૂતન શિક્ષણ’ સામયિકમાં છપાયું અને કવિને પોતે કવિ હોવાનો ફરી અહેસાસ થયો. આમ એમની કાવ્યયાત્રા શરૂ થઈ.

લય, તાલ એ એવી બાબતો છે કે જે શીખી ન શકાય. એ કુદરતી મળ્યા હોય. લોહીમાં હોય તો એને વધુ કેળવી શકાય. કવિને એની ઈશ્વરદત્ત ભેટ મળેલી હતી. કવિના મોટાભાઇ વાંસળી વગાડતા. પછી મોટાભાઈ હારમોનિયમ લાવ્યા પણ તેઓ એ ન વગાડી શક્યા. ફાજલ પડેલું હારમોનિયમ કવિએ હાથમાં લીધું. કાન કેળવાયેલા હતા, જન્મજાત પ્રતિભાનું બળ હતું. કોઈ શિક્ષક, ગુરુ વગર તેઓ જાતે જ શીખી ગયા અને સારી રીતે વગાડતા થઈ ગયા. એટલે સુધી કે ફળિયામાં કે આસપાસમાં ક્યાંય ભજન હોય તો કવિને હારમોનિયમ વગાડવા બોલાવવામાં આવતા. આમ સંગીત તરફનો ઝોક અને અંદરની ઝળકતી કાવ્યચેતના, આ બધાને બળે તેઓ કવિતાસર્જનમાં સરસ અને સફળતાથી પરોવાતા ગયા.

મૂળે એમને કળાઓમાં ખૂબ રસ. ખાસ કરીને ચિત્રકળા. જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં જવાની એમની ઇચ્છા હતી પણ એ સાકાર ન થઈ. બેંકિંગના વ્યવસાયમાં પણ એમને નિયતિએ જોડ્યા. કવિ માને છે કે ‘જે કરવાનું આવે એ સરસ રીતે કરવું’. આ મંત્ર લઈને એમનો કર્મયોગ ચાલ્યો. કામ બેંકરનું પણ કવિતા છૂટી નહીં. બેંકિંગના કામો દરમિયાન પણ કવિતા અંદરથી ફૂટતી રહી, કાગળ પર પ્રગટતી રહી.

સત્સંગી સમૂહજીવન કવિનો પારિવારિક  વારસો હતો. કવિના સર્જનમાં કબીર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે છવાયેલા રહ્યા છે. કબીર સાથે એમનું જોડાણ 1979થી થયું. આ સમયમાં તેઓ ‘રાધાસ્વામી’ મત સાથે જોડાયા અને રોજ ગુરુ સામે કબીરવાણીનો પાઠ કરવાનું બન્યું. આમ કબીર એમના વિચારવિશ્વમાં છવાતા ગયા, એમના ચિત્તતંત્રનો કબજો લેતા ગયા. યુવાનવયના પ્રતાપે જે કવિતાઓ જન્મી એ સહજ હતું તો પછીથી એક બાજુ સંતમત અને બીજી બાજુ મધ્યપૂર્વના ફકીરોનો મત. કવિની એક તરફ હતા મૌલાના, રૂમી જેવા ફકીરો તો બીજી બાજુ હતા કબીર અને આ સંતસહવાસે જન્મી તે કવિની પરમાર્થ કવિતા.

કવિના શબ્દો છે કે કાવ્યસંગ્રહ ‘ધ્રીબાંગ સુંદર એણી પેરે ડોલ્યા’ એ આત્મકથાનાત્મક અને આત્મવિડંબનાત્મક જેવું આખ્યાન છે, વિ-આખ્યાન છે. આ કાવ્યો જાત પર હસવાની ચેષ્ટા છે. કવિના કાવ્યસંગ્રહ ‘સુનો ભાઈ સાધો’ અને ‘પદપ્રાંજલિ’માં કબીર છવાયેલા છે. કબીરે ચિંતવેલું દર્શન એમના ચિત્તમાં, આત્મામાં ઊંડે ઉતરી ગયું છે અને એ જુદી જુદી રીતે, જુદા જુદા કલ્પનોથી પ્રગટવાની કોશિશ કર્યા કરે છે. ‘બનારસ ડાયરી’ની ગદ્ય કવિતાઓમાં એ જરા જુદી રીતે પ્રગટ થાય છે. એમાં સ્થળ બનારસ અને કબીરની એક ગૂંથણી છે જે કાવ્યભાવકોને સ્પર્શી જાય એવી છે. એમાંના મોટાભાગના કાવ્યો અછાંદસ છે. એમનું એક કાવ્ય ‘શ્રાદ્ધ’ કે જેના સર્જનમાં કવિએ બારેક વર્ષ ગાળ્યા છે એ વાત નોંધપાત્ર.

કેટલાક સંગ્રહોમાં કવિએ સ્થળકાવ્યો કે ચોક્કસ વિષય પર કાવ્યગુચ્છો આપ્યા છે. કવિની કવિતા વ્યક્તિ, સ્થળ કે કોઈ વિષય વિશેષને એક જુદી રીતે ઉઘાડે છે, વિષયનું સૌંદર્ય પ્રગટાવવાની સાથે એમાં જીવનનું સત્ય કે વાસ્તવ એટલી સરસ અને સહજ રીતે પરોવાય છે કે એ રચનાઓ કલાની સુગંધથી ભરી ભરી બની જાય છે. ‘ગૃહિણી’ કાવ્યગુચ્છમાંથી એક ઉદાહરણ જુઓ,

અમથું અમથું

હોઠે આવી ચડતા

અમથું અમથું ગમતા

જૂના ફિલ્મી ગીતોના પંચમહાભૂતમાંથી ઘડાયેલી છે

એના ચહેરાની તરજ.

તો આ નાનકડું અછાંદસ પ્રેમના કેટલા પહલુઓ ખોલે છે !

તમે પુષ્પ ચૂંટ્યું

તો મેં ગંધ

તમે પાદુકા ઉતારી

તો મેં પંથ

તમે ત્યજયાં પટકૂળ

અને મેં ત્વચા

હવે ઝળહળે તે કેવળ પ્રેમ…    

આવાં તો અઢળક ઉદાહરણો ટાંકવાનો લોભ જાગે પણ સુજ્ઞ ભાવકો પોતે એમાં જોડાય એ વધુ ઉચિત.  

કવિ કહે છે, “જ્યારે તમે કોઈ પ્રતીતિ સુધી પહોંચો છો અને એ પ્રતીતિને તમારી ભાષાની ક્ષમતાને સામે પલ્લે મૂકીને પ્રગટ કરવાની કોશિશ કરો છો ત્યારે એ કવિતામાં એક પ્રકારનું ઋત પ્રગટ થાય છે… કવિએ આટલું જ કરવાનું છે કે એની સૂક્ષ્મતમ અને ગહનતમ પ્રતીતિને એની પોતાની ભાષાનું જે કંઇ સામર્થ્ય હોય એના દ્વારા અભિવ્યક્ત કરવાની હોય છે…. ” એ કવિતા હૃદયના ઊંડાણથી પ્રગટે છે અને સામે પક્ષે ભાવકના હૃદય સુધી પહોંચે છે.

કવિને ફરી ફરી અભિનંદન. 

** ** ** **

કાવ્યસંગ્રહો (10)

1.ધ્રીબાંગ સુંદર એણી પેરે ડોલયા    2. તાંદુલ    3. તાંબૂલ    4. પર્જન્યસૂક્ત  5. સુનો ભાઈ સાધો    6. પદપ્રાંજલિ    7. પંખીપદારથ    8. શબદમાં જિનકું ખાસ ખબરાં પડી    9. નચિકેત સૂત્ર (દીર્ઘકાવ્ય)    10. બનારસ ડાયરી  

કવિના કાવ્યોના અનુવાદસંચયો (3)   

A Tree with Thousands Wings – અનુવાદક : ડો. પિયુષ જોશી   2. પદપ્રાંજલિ – હિન્દી અનુવાદક : યોગેન્દ્રનાથ મિશ્રા 3. આ ઉપરાંત કવિની કવિતાઓના અનુવાદ અંગ્રેજી, જર્મન, હિન્દી, મરાઠી, બંગાળી, મલયાલમ અને કન્નડમાં વિભિન્ન અનુવાદકો દ્વારા અનુવાદ.

ભારતીય અને વિશ્વકવિતાના ગુજરાતી અનુવાદ (2)

1.દેશાટન – 2011    2. હમ્પીના ખડકો 2013 (સાહિત્ય અકાદમીનો એવોર્ડ)

આ ઉપરાંત ~ ‘અથાતો કાવ્યજિજ્ઞાસા’ (આસ્વાદલેખો વ્યાખ્યાનોનો સંચય)

સંપાદનો – ‘નખશીખ’, ‘શેષ-વિશેષ’, ‘રૂપલબ્ધિ’ અને ‘ચૂંટેલી કવિતા’

પારિતોષિકો : સાહિત્ય અકાદમી દિલ્હી (3)  

1. ‘શ્રાદ્ધ’ (દીર્ઘકવિતા)ના સર્જન માટે રાઇટર ઇન રેસિડેન્સી એવોર્ડ

2. ‘હમ્પીના ખડકો (કન્નડ કવિ ચંદ્રશેખર કમ્બારની કવિતાનો અનુવાદગ્રંથ) માટે અનુવાદ પારિતોષિક 2017  

3. ‘બનારસ ડાયરી’ (કાવ્યસંગ્રહ)ને સાહિત્ય અકાદમી પુરસ્કાર 2020  

પારિતોષિકો : સમગ્ર સર્જન માટે (6)  

  1. હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક 2008  
  2. કલાપી 2010
  3. વલી ગુજરાતી ગઝલ એવોર્ડ 2013
  4. નરસિંહ મહેતા એવોર્ડ 2014
  5. કાવ્યમુદ્રા એવોર્ડ 2018  
  6. નિરંજન ભગત મેમોરિયલ એવોર્ડ 2020 

પારિતોષિકો : ગ્રંથલક્ષી (5)   

  1. ‘ધ્રીબંગસુંદર એણીપર ડોલ્યા’ ~ 1.1. ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક 1.2 જયંત પાઠક કવિતા પુરસ્કાર
  2. ‘શબદમાં જિનકું ખાસ ખબરાં પડી’ ~ 1.1 વર્ષ 2011નો ગુજરાતી સાહિત્ય પરિષદનો સર્વશ્રેષ્ઠ ગઝલસંગ્રહ પુરસ્કાર 1.2 ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર વર્ષ 2011-12
  3. ‘દેશાટન’ (વિશ્વકવિતાનો અનુવાદગ્રંથ) ~ ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ અનુવાદ પુરસ્કાર
  4. ‘બનારસ ડાયરી’ ~ નર્મદ ચંદ્રક, 2019
  5. ‘નચિકેત સૂત્ર’ ~ કુસુમાંજલી સાહિત્ય સન્માન 2019 (સંયુક્ત)   

પારિતોષિકો : કૃતિલક્ષી (6)

  1. બ.ક.ઠાકોર કવિતા પુરસ્કાર (કવિલોકમાં પ્રગટ સોનેટ માટે 1974)
  2. કવિલોકનું બાબુલ હિમાંશુ પારિતોષિક (કવિલોકમાં પ્રગટ ‘પદપ્રાંજલિ’ ગીતો માટે)
  3. અરવિંદભાઇ ચીમનભાઈ આધ્યાત્મિક પારિતોષિક (કુમારમાં પ્રગટ ગીત માટે 2015)
  4. શ્રેષ્ઠ કાવ્ય પુરસ્કાર (પરબમાં પ્રગટ ગઝલગુચ્છ ‘ઘરવખરી’ માટે)
  5. સમર્પણ સન્માન (નવનીત સમર્પણમાં પ્રગટ શ્રેષ્ઠ કૃતિ માટે 2018-2019)
  6. સોહમ સ્મારક પુરસ્કાર (નવનીત સમર્પણમાં પ્રગટ શ્રેષ્ઠ કૃતિ માટે 2007-2008)  

અન્ય સન્માનો

‘ધ્રિબાંગસુંદર એણીપેર ડોલ્યા’, ‘સુણો ભાઈ સાધો’, ‘તાંબુલ’, ‘પદપ્રાંજલિ’ કાવ્યસંગ્રહો વિવિધ યુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તક સ્વરૂપે.

કવિના સાહિત્ય સર્જન અંગે ગુજરાત સાહિત્ય અકાદમીએ યુ ટ્યુબ પર પ્રકાશિત કરેલી ફિલ્મ નીચે જોઈ શકશો.

** ** ** **

કવિ હરીશ કૃષ્ણરામ દવે – હરીશ મીનાશ્રુ 

જન્મ  : 3 જાન્યુઆરી 1953, આણંદ

માતા-પિતા : લલિતાબહેન કૃષ્ણરામ દવે

જીવનસાથી : ગીતાબહેન 

સંતાન : તીરથ

વ્યવસાય : નિવૃત્ત બેન્કર

કર્મભૂમિ : આણંદ – વિદ્યાનગર

*****

~ લતા હિરાણી 

OP 10.3.22

સર્જક : હરીશ મીનાશ્રુ  વિડીયો સર્જન : ગુજરાત સાહિત્ય અકાદમી

***

આભાર

12-03-2022

આભાર છબીલભાઈ…

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

10-03-2022

કવિ શ્રી હરીશ મિનાશ્રુ નો ખુબ સરસ પરિચય સર્જક વિભાગ મા કરાવ્યો ખુબ જાણવા મળ્યું ખુબ આનંદ થયો ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: