સર્જક પ્રફુલ્લ પંડ્યા * Prafull Pandya 

લક્ષ્ય ધર્યું છે કેસરિયાળું કેસર લખ લખ કરવું
સહજ સ્ફૂરણની દેરીમાં બેસીને મન મંતરવું.

ચાલીસેક વર્ષથી વધુ સમય સુધી કાવ્યસાધના કરનાર આ કવિ પોતાના ઝંઝાવાતી જીવન અનુભવોને ચકિત કરી દે એવી પ્રયોગાત્મક કવિતામાં ઢાળે છે….. કવિ એમના સમગ્ર કવિતા સંચય ‘લયના ઝાંઝર વાગે’માં કહે છે કે ‘ધીમે ધીમે હું મૌન તરફ સરકી રહ્યો હોવાનું અનુભવું છું.’ આ વાત એમની અંગત જિંદગીને લાગુ પડતી હોઇ શકે પરંતુ કવિતાને લાગેવળગે છે ત્યાં સુધી એમની કલમ હજુયે તરોતાજા ગીતો પીરસ્યે જાય છે. કવિ પ્રફુલ્લ પંડ્યા પરંપરાના કવિ નથી તો પરંપરાની બહારના કવિ પણ નથી. એ બંનેને સ્પર્શતા રહીને તેઓ પોતાની કવિતામાં નવું જ ભાવવિશ્વ નિપજાવે છે. કવિતા લખવી એ શ્વાસ લેવા જેવી અનિવાર્યતા બની જાય ત્યારે કવિતામાં પ્રગટ થતું સૌંદર્ય સત્યની કેટલું નજીક પ્રગટે ! અંદર છલકાતો પ્રેમ અને બહાર પથરાયેલી પીડા પથ્થર ન બનાવી દે એ કવિ માટે કવિતાનો જ કમાલ !

કવિનો સંઘર્ષ માત્ર જીવાતી જિંદગી સાથે જ નહોતો. સિત્તેરના દાયકામાં કવિ રમેશ પારેખ અને અનિલ જોશીએ ગીતને એની ચરમસીમા સુધી પહોંચાડી દીધું હતું. ગીત સ્વરૂપમાં આ બંને કવિઓએ કશું જ બાકી રહેવા દીધું નહોતું. નવા કવિઓ પાસે આ સર્જકોની કેડી પર ચાલવાનો જાણે એક માત્ર વિકલ્પ હતો ! એવે સમયે ગીતમાં કશુંક નવું આપવું એ નવ્ય કવિ સામે જબરદસ્ત પડકાર હતો પણ આ કવિએ એ અદભૂત આંતરસૂઝથી ઝીલી બતાવ્યો ! નવા પ્રલંબિત લયો અને નવા જ પ્રતીકો, કલ્પનોથી એમણે પોતાના ગીતને ચેતનવંતુ બનાવ્યું છે.

કવિની જ પસંદગીના ગીતની પંક્તિઓ જોઈએ.

જળજળની સરહદ ઓળંગીને આપણે તો દરિયામાં દરિયો થૈ વહેવું !
ઊજળાં પાણીનો ખૂબ ઉજળો આભાસ લઈ આપણાં વિનાનું થઈ રહેવું !
રહેવાનું હોય, ચાર ભીંતો પણ હોય, હોય ભીંતોને પોતીકી છાંયકા !
પરપોટા હોય, એક દરિયો પણ હોય, હોય પાણી વિશેની એક વાયકા !

કવિએ અછાંદસ કાવ્યો પણ લખ્યાં છે. આ કાવ્યોના વિષયો જુઓ, સ્વર્ણિમ ગુજરાત, શ્રી નરેન્દ્રભાઈ મોદીનો રાજ્યાભિષેક, ટાઈમ્સ નાઉ, ઈન્ડિયા ટી.વી, પેશાવરમાં નિર્દોષ અને માસૂમ બાળકોનો હત્યાકાંડ, વાતાવરણમાંથી કાર્બન ઓછો કરવાની પેરિસ સમજુતી, માર્ક ઝુકરબર્ગને પ્રશ્નો, ત્રાસવાદ સામે લડનારી નોબેલ વિનર મલાલા વગેરે વિશેનાં કાવ્યો લખીને એમણે રાજકીય પરિપ્રેક્ષ્યમાં અને અછાંદસ સ્વરૂપમાં કામ કર્યું છે. સામાજિક વિષમતા અને અન્યાય સામે અવાજ ઉઠાવતાં કાવ્યો માટે એમને અછાંદસનું સ્વરૂપ વધુ ઉપયોગી અને અસરકારક જણાયું છે. કવિના પત્રકાર હોવાનો લાભ એમની અછાંદસ કવિતાને મળ્યો છે.  

કવિ તરીકે ગઝલ એમનો પ્રથમ પ્રેમ રહ્યો છે. પરંપરા અને આધુનિકતા એમ બંને પ્રવાહોમાં કવિ કાર્યરત રહ્યા છે પરંતુ પોતાના ગઝલસર્જન બાબતે એમને જોઈએ એટલો સંતોષ નથી. તેમ છતાંયે એમણે અનેક ચોટદાર ગઝલ આપી છે. જુઓ એક શેર

ઊંચા નીચા શ્વાસ પણ થઈ જાય છે
જીવવાનું એટલે રહી જાય છે.

કાશ્મીરી કવયિત્રી લલ્લેશ્વરીની શ્રી વેદ રાહીએ લખેલ જીવનકથાનો અનુવાદ કવિએ કર્યો છે અને આમ કવિ ‘વાખ’ તરફ આકર્ષાયા અને કેટલાક ‘વાખ’નું પણ સર્જન કર્યું છે.

કવિ પોતાની કેફિયતમાં કહે છે, “પ્રલંબ લયનાં અને તદ્દન નવી જ ભાતનાં પ્રયોગશીલ ગીતો મારી કાવ્ય સાધનાનું લક્ષ્ય રહ્યાં છે. ગીતોની સાથે સાથે ગઝલ અને અછાંદસ સહિતનાં વિવિધ સ્વરૂપોમાં જરા જુદી જ સૂઝ સાથે અને પૂરતી ગંભીરતાથી કામ કર્યું છે. ખાસ કરીને ગીત જેવાં ઊર્મિપ્રધાન સ્વરૂપમાં મેં મારા ઝંઝાવાતી જીવનની અને કાળઝાળ સંઘર્ષની વિવિધ પ્રક્રિયાઓને કાવ્યમાં નિરૂપવાનું સાહસ કર્યું છે. મહદ અંશે ગીતની ઋજુતા, લાલિત્ય અને ગતિને જાળવીને મારા ગીતો નવો લય જન્માવે છે. વધુમાં જે જે વિષયો કે અનુભૂતિઓ ગીતનાં સ્વરૂપને માફક ન હોય તેવાં વિષયો અને અનુભૂતિઓને, ગીતના સ્વરૂપમાં મૂકીને ગીત સન્દર્ભે એક ઊફરો પ્રયાસ પણ કરી જોયો છે અને આમાંથી પણ કેટલાંક રસપ્રદ પરિણામો મળી શક્યાં છે તે ગીતના સ્વરૂપની ક્ષમતા અને vitality દર્શાવી આપે છે.”

કવિની કલમ વિષે ગૌરવ થાય એવા થોડાંક અભિપ્રાયો

“ઇન્દુ જોશી, વિનોદ જોશી અને પ્રફુલ્લ પંડયાની કલમો જોઈને એમ કહેવાનું મન થાય છે કે તેઓના પાતાલમાં તાજું પાણી હોવાની મને વાસ છે.” – રમેશ પારેખ

‘પ્રફુલ્લની રચનારીતિ ગીત અને અછાંદસમાં મોકળી શાહીથી વિહરી શકે છે. આ કવિ પાસે કટાવનાં આવર્તનો તેમ જ ગીતને અનુરૂપ લયની સંપદા છે.” – અનિલ જોશી

“આ વાચનાઓ તર્કાતીત લયહિલ્લોળો છે. શબ્દોને, વાકયોને તાર્કિક અર્થો તો ચોંટેલા છે પણ તાર્કિક અર્થો અને અન્વયોવાળી ચેતના નીચે પ્રવર્તતી અતર્ક્ય ચેતનામાં ડબડબ, ખબખબ ડૂબકાં ખાઈને, ભૂંસાઈને, ઊંચકાઈને અહીં વાકપ્રવર્તન થાય છે એવો મારો અનુભવ છે. અહીં અર્થો તો આવે છે પણ પલળેલા, ભૂંસાયેલા છે..” – લાભશંકર ઠાકર   

તર્કાતીત લયહિલ્લોળના ઉદાહરણ જેવી ગીતપંક્તિઓ  

કોઈ અજાણ્યા ભાવપુરૂષનાં જનમમરણનો સવાલ ઉઠે છે ત્યારે હું દરિયા જનમની કામનાઓને સોંપી દઉં છું હણહણતો આવેશ !

આકાશ નામે રાજા થૈ ગ્યો આકાશ નામે રંક રે એવાં સપનાનાં અવ્વાજને જેવો માફ કરી દીધો તોયે ખચકાટ રહી ગ્યો શેષ !

“પ્રફુલ્લનાં અછાંદસ કાવ્યોની એક વૈયક્તિક વિશિષ્ટતા છે. આ કાવ્યોમાં વેદનાની સચ્ચાઈનો રણકો છે. સારાં માઠાં અનુભવોનું પારદર્શક સપાટી બયાન છે. આ નિવેદન કોરુંકટ્ટ નથી પણ સંવેદનોથી રસાયેલું છે.” – સુરેશ દલાલ

“પ્રફુલ્લ અ-સીધો કવિ છે…. કવિ પત્રકાર છે તે ભલે. રોમાંટિક છે તેથી પ્રેમ ને એવા તેવા વિષયોને ભલે ટચ કરે. એ જ્યાં જ્યાં ‘સીધો’ પુરવાર થાય છે ત્યાં ત્યાં નાપાસ. એ અ-સીધો રહે એમાં જ મજા પડે છે અને ત્યારે જ એ જાતજાતના દરિયાઓમાં ડૂબકી મારે છે.” – મનહર મોદી  

“આ કવિની કવિતા કોઈ આગળ આવવાના ઉહાપોહ કે કિમિયા-કરતબ વગરની; મક્કમપણે અડગ અને અલાયદી ઊભી રહે તેવી છે.” – સંજુ વાળા

“કવિ પ્રફુલ્લ પંડયાની કાવ્યસૃષ્ટિમાં સર્જકતાની રિદ્ધિ-સિદ્ધિ અનુભવી શકાય છે.” – એસ.એસ.રાહી  

“किसी के पास आईना होता है, किसी के  पास उजाला लेकिन जिसके पास ये दोनो चीजे होती है वह कवि ‘बंधातु जंकशन’ पर खडा खडा दुनिया की किसी ओर नियामत की नहीं बल्कि एक ऐसे ईंजिन की तमन्ना कर रहा है जो जीवन की ट्रेन को बिलकुल सही समय पर कविताओ के उस देश में पहूंचा दे जहाँ आदमी की भावनाओ की कीमत सोने से भी बध कर समझी जाती है” – सूर्यभानु गुप्त      

@@@@@

સન્માનો

પ્રયોગશીલ ગીતો અને કાવ્ય સર્જન માટે ‘દલપતરામ એવોર્ડ’ 2018

ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર, કાવ્ય સંપદા અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સન્માનિત.

કાવ્યસંગ્રહો

1. જીભ ઉપરનો ધ્વજ (ગીતસંગ્રહ, 1986)  2. મિજાજ (ગઝલસંગ્રહ, 1988)  3. બંધાતું જંકશન (1996)

4. ઈચ્છાનો અખાત (1996)  5. સ્મરણોત્તર (1996)   6. અંધારે અજવાળું (ગીતસંગ્રહ, 2014)

7. આત્મકથાની પંક્તિઓ  (અછાંદસ કાવ્યોનો સંચય, 2016)  8. ‘લયના ઝાંઝર વાગે’ સં. ડો. એસ.એસ.રાહી (સમગ્ર કવિતા, 2021)

અનુવાદ : કાશ્મીરની સંત કવિયિત્રી લલ્લેશ્વરીનાં જીવન કવનને આવરી લેતી અને ડોગરી, ઉર્દૂ અને હિન્દી ભાષાનાં વિખ્યાત લેખક શ્રી વેદ રાહીની કલમે આલેખાયેલી લધુનવલનો ગુજરાતી અનુવાદ.

આ ઉપરાંત અન્ય પુસ્તકો : લાઈટ કૅમેરા એક્શન, 2016

@@@@@

કવિ પ્રફુલ્લ પંડ્યા

જન્મતારીખ : 15.10.1956

જન્મસ્થળ : પાલીતાણા, જિલ્લો : ભાવનગર , ગુજરાત

માતા-પિતા : દમયંતિબેન અને શાંતિલાલ પંડ્યા

સંતાન : પુત્રી નીતિ

કર્મભૂમિ : મુંબઈ 

OP 9.5.22

***

દીપક વાલેરા

08-06-2022

બહુ સરસ

આભાર

30-05-2022

આભાર સ્મિતાબેન

સ્મિતા શાહ

30-05-2022

કાવ્યો વાંચવાની મજા તો આવે છે પણ તમારો સર્જક વિશેનો પરિચય વાંચવો બહુ ગમે છે. ભાષા ખૂબ સુંદર છે. મને મોકલવા બદલ તમારો આભાર માનું છું.

આભાર

14-05-2022

આભાર છબીલભાઈ, રિયાઝભાઈ અને મેવાડાજી

પ્રફુલ્લભાઈ, આ મારો આનંદ છે.

‘કાવ્યવિશ્વ’ના સૌ મુલાકાતીઓનો આભાર.

રિયાઝ લાંગડા (મહુવા).

09-05-2022

વાહ …ખૂબ સરસ આર્ટિકલ
આદરણીય શ્રી પ્રફુલ્લભાઈ ને પ્રણામ

પ્રફુલ્લ પંડ્યા

09-05-2022

પ્રિય લતાબેન, આપની સુપ્રસિદ્ધ અને અત્યંત લોકપ્રિય બનેલી વૅબસાઈટ” કાવ્ય વિશ્વ” માં સર્જક પરિચય શ્રેણીમાં મારો સવિગત અને સ-રસ પરિચય મૂકવા બદલ અને મારી સમગ્ર કાવ્ય સૃષ્ટિનું અસરકારક અવલોકન કરવા બદલ આપનો હાર્દિક આભાર માનું છું.આપે મને ન્યાય આપ્યો છે અને હું ખૂબ જ પ્રસન્નતા અનુભવું છું.આ પ્રેમ સરિતા સદા વહેતી રહો એ જ શુભ અભિલાષા….
પ્રફુલ્લ પંડ્યા

સાજ મેવાડા

09-05-2022

કવિ, સર્જક પ્રફુલ્લ પંડ્યા સાહેબ વિષે માહિતી સભર લેખ, ઘણું જાણવા મળ્યું.

છબીલભાઈ ત્રિવેદી

09-05-2022

કવિ પ્રફુલ્લ પંડયા પરિચય આપે ખુબજ વિસ્તાર પુર્વક કરાવ્યો કવિ ની તમામ બાબતોને આવરી લઈને સરસ રીતે કવિ શ્રી ને ઉજાગર કરવા મા આવ્યા આભાર લતાબેન

4 Responses

  1. અરવિંદભાઈ દવે, ગારિયાધાર says:

    સર્જક પ્રફુલ્લભાઈ પંડ્યાનાં ગુજરાતી સાહિત્ય-સર્જન માટે જેટલું કહેવાય એટલું ઓછું જ…..
    પણ, “કોઈપણ દ્રષ્ટિએ, કોઈપણને ગમી જાય એવા વ્યક્તિત્વ માટે જે કહેવાય તેવા માણસ એટલે પ્રફુલ્લભાઈ….”
    આભાર પ્રફુલ્લભાઈ….કલમ હાથમાં લેવા બદલ….અમને મળવા બદલ….
    ધન્યવાદ કાવ્ય-વિશ્વ….લતાબેન….ગુજરાતી ભાષાની ગરિમાની ઉન્નતિ માટે સદાય સભાનતા સભર પ્રયત્નો બદલ….

    • Kavyavishva says:

      આભાર અરવિંદભાઇ. પ્રફુલ્લભાઈ માટે તમે સાચું જ કહ્યું.

  2. "पागल फ़क़ीरा" says:

    Shandar pan ek baat kahu khutu Naa lagadta kavi Naa naam sathe photo upload Karo to vadhare Sundar thay

    • Kavyavishva says:

      ધ્યાન દોરવા બદલ આભાર.

      સરતચૂકથી રહી ગયો હશે બાકી સર્જક પરિચયમાં અચૂક (સિવાય કે ન મળે) ફોટો મૂકું છું.

      ~ લતા હિરાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: