આદિ સૂફી કવયિત્રી લલ્લેશ્વરી – પ્રફુલ્લ પંડ્યા * Prafull Pandya * Lalleshwari
કાશ્મીરના આદિ સૂફી કવયિત્રી લલ્લેશ્વરી – પ્રફુલ્લ પંડ્યા
લલ્લેશ્વરી, કાશ્મીરનાં આદિ કવયિત્રી અને કાશ્મીરીઓનાં ઘરઘરમાં આજે પણ ગૂંજે છે એવાં ઉત્કૃષ્ટ ‘વાખો’નાં રચિયતા. લલ્લેશ્વરીનો એટલો પ્રભાવ હતો કે મુસ્લિમ સંતો પણ પોતાને ઋષિ કહેવડાવતા.
લલદયદ્ (લલ દાદી)પરમ શિવભક્ત હતા. શિવપ્રાપ્તિનાં માર્ગે ચાલતાં તેમને ખૂબ વેદના અને કષ્ટો સહન કરવા પડ્યાં છે. મારું સદભાગ્ય છે કે ડોગરી ઉર્દૂ અને હિન્દી ભાષાનાં વિખ્યાત લેખક શ્રી વેદ રાહી સાહેબે લખેલી લલની જીવનકથારૂપી લઘુનવલનો આપણી ગરવી ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો સોનેરી અવસર મળ્યો છે. લલની કવિતા એટલે જ ‘વાખ’. વાખનાં બંધારણની ગેરહાજરીમાં આ વાખને આપણે અધ્યાત્મને તાકતાં પદો કહી શકીએ છીએ.
લલની કવિતા સુધી પહોંચવા માટે માત્ર શિલ્પનાં કૌશલ્યની જ નહીં, માત્ર વિચારોનાં ઊંડાણ અને ઊંચાઈની જ નહીં, પરંતુ હ્રદયમાંથી નીકળેલી એક સાચી પીડાની આવશ્યકતા છે. જે મનુષ્ય માત્રનાં હ્રદયને પોતીકી તાસિરમાં ડૂબાડી દે અને તેમને પોતાના બનાવી દે ! આજથી લગભગ સાતસો વર્ષ પૂર્વે લલ અને લલની કવિતાઓનો જન્મ થયો હતો. પરંતુ તે આજે પણ કાશ્મીરી લોકોનાં હ્રદયમાં એ રીતે વસી છે જેમ મધમાં મીઠાશ ! લલ દ્વારા રચિત ‘વાખ’ કાશ્મીરી જીવન અને સંસ્કૃતિની ઓળખ છે. આજે પણ અન્ય કાશ્મીરી કવિઓ લલદયદ્ની લોકપ્રિયતા સુધી નથી પહોંચી શક્યા.
લલદયદ્ નાં વાખ વાંચીને અનુભવાય છે કે તેઓ એક ઝનૂની જોગણ હતાં. આ સંસારમાં રહીને તે ત્યાં પહોંચ્યાં જ્યાં સંસારી નથી પહોંચતાં અને ત્યાં તમામ ધર્મ અને વિશ્વાસ પાછળ છૂટી જાય છે. જે શિવની શોધમાં એ દરબદર ભટક્યાં છે તે શિવ પણ છેવટે અદ્રશ્ય થઈ જાય છે અને લલ પોતે ત્યાં એક શૂન્યમાં વિલીન થઈ ગયાં છે. આપણું સદભાગ્ય છે કે લલની કવિતા આપણાં સુધી પહોંચી અને એ કવિતાઓ વાંચીને આપણે એ જાણી સમજી શક્યા કે મનુષ્યનાં જીવનને કવિતા કેવાં કેવાં અર્થો આપતી હોય છે !
લલેશ્વરીએ કૂમળી વયે જ ઘર અને માતા-પિતા છોડીને જંગલમાં વાસ કર્યો હતો. જરા વિચિત્ર કે આશ્ચર્યની વાત છે કે લલે જે વાખ રચ્યાં છે તેમાં કવિતાના તમામ અલંકારો ઉપસ્થિત છે. કારણ કે એ વિદુષી અને જ્ઞાની હતાં. સંસ્કૃત ભાષામાં જે શબ્દ સંક્ષેપ અને અર્થપ્રધાનતા છે તેનું તેમને ઊંડું જ્ઞાન અને યોગ્ય અભ્યાસ હતો. આ જ કારણે લલની અંતર્વેદના આનંદની લ્હેરખી બનીને વાખ સ્વરૂપમાં ઢળવા લાગતી. શૈલીગત અપેક્ષાઓ એની મેળે જ પરિપૂર્તિ થઈ જતી હતી. લલદયદે અભિનવ ગુપ્ત, ક્ષેમેન્દ્ર, ઉત્પલ દેવ જેવા લેખકો- કવિઓની કૃતિઓનું અધ્યયન કર્યું હતું. પરંતુ તેનું અનુકરણ તેણે પોતાની કવિતામાં થવા નથી દીધું. સંસ્કૃત જેવી સમૃધ્ધ ભાષાને છોડીને કાશ્મીરી જેવી સ્થાનિક ભાષામાં કવિતા કરવાનો તેનો નિર્ણય સ્પષ્ટ દર્શાવી આપે છે કે લલદયદે પોતાની નિજી ભાવનાઓની અભિવ્યક્તિ માટે જ કવિતાનો યોગ સાધ્યો હતો.
લલદયદની કવિતા ઉપર વેદાંતનો ઊંડો પ્રભાવ છે. તેણે પોતે સ્વયં એક વાખમાં કહ્યું છે કે તે વારંવાર ગીતાનું પઠન કરે છે. તેના કેટલાંક વાખો પર બુધ્ધમત અને સૂફીમતનો પ્રભાવ પણ છે. પરંતુ સૌથી અધિક પ્રભાવ કાશ્મીરી શૈવમતનો છે. વેદાંત અને શૈવમતનો આંતરિક સંબંધ અને આ બંને વચ્ચે જે સૂક્ષ્મ અંતર છે તે પણ તેની કવિતામાં દેખાય છે.
પંજાબી ભાષાનાં સૂફી કવિ બુલ્લેશાહે કહ્યું છે કે જેમનાં હાડકામાં પ્રેમરસ પેસી જાય છે તેઓ જીવતેજીવ મરી જાય છે ! લલદયદ્ પણ કહે છે કે શિવ અને શકિતનો સંગમ નિહાળીને હું અમૃત સરોવરમાં ડૂબી ગઈ છું. હું જીવતેજીવ મરી ગઈ છું. શું કોઈ અમૃત સરોવરમાં ડૂબીને મરી શકે ખરું ? લલના વાખ અહીં કવિતાની ચરમ ઉત્કૃષ્ટતાએ પહોંચે છે.
લલની કવિતા વિશે આટલી વાત કર્યા પછી હવે તેના કેટલાંક વાખનું થોડુંક આચમન કરીએ.
આવી છું કઈ દિશાથી અને ક્યા રસ્તાથી ? કઈ તરફ જવાનું, ન એની જાણ મુજને !
કોઈ દેખાડે મુજને સીધો ને સાચો મારગ, આ શ્વાસનો ખરેખર ન કોઈ છે ભરોસો !
શોધી શોધી થાકી હું લલ, યત્ન કર્યો જેટલું મુજમાં બળ,
ચાહ વધી,બંધ દ્વાર જ્યાં જોયું, ફંફોસીને બેસી ગઈ લલ !
પછી તો લલ શિવસાધનાનાં પંથે આગળ વધતાં કયારેક પોતાની કુટિરમાં તો ક્યારેક કોઈ વૃક્ષની નીચે ભાતભાતનાં વાખ રચતાં રહે છે અને ગાતાં રહે છે. ઘણીવાર જંગલનાં વટેમાર્ગુઓ લલનાં વાખ સાંભળવા તેની આસપાસ બેસી જાય છે. લલનો આ નિત્યક્રમ છે :
અંબર તું છે,ધરતી તું છે ! દિવસ તું છે, રાત હવા પણ તું !
અર્ધ્ય,ફુલ,ફલ,જલ,ચંદન તું ! તું સધળામાં વ્યાપ્ત,તને હું શું આપું ? ‘
બે અજાણ્યાં યુવકો સહદેવ અને ગૌનંદ તેનાં ગુરુજી શ્રી સિધ્ધમૌલજીનો એક સંદેશો લલને પહોંચાડે છે. – “તે વાખ રચતી રહે. તેના વાખ કાશ્મીરનાં આત્માને યુગો સુધી જીવંત રાખશે. શિવ તેની ભીતરમાં જ છે. તે તેમની શોધમાં રત રહે. શિવજી તેને અવશ્ય મળશે “
એ સમય ભારે ઊથલપાથલનો હતો.કાશ્મીરની હિન્દુ સંસ્કૃતિ મુસલમાનો દ્વારા પરાજિત થઈ રહી હતી. ગુરુજીનો સંદેશો સાંભળી લલ ચોધાર આંસુએ રડવા લાગ્યાં અને પછી એક પથ્થર પર બેસી ગયાં. ગોનંદે વાત ચાલુ રાખતાં કહ્યું : ” જયારથી હિન્દુ રાજાઓને સ્થાને મુસલમાન સુલતાન ગાદી પર બેઠાં છે ત્યારથી કાશ્મીરી સભ્યતા અને સંસ્કૃતિનો હ્રાસ થવા લાગ્યો છે આ સાંભળીને લલ ધીમેકથી બોલ્યાં :
ધનુષ્ય લાકડાંનું બાણ ઘાસનું, રાજગીર જે મળ્યો અનાડી !
હાટ- દૂકાન તાળાં વગરની, તીરથ દૂર્લભ, દશા અનર્થક !
આ પછી લલ ચૂપ થઈ ગયાં. ઘણાં વખત પછી લલે બીજો વાખ ઉચ્ચાર્યો :
ખડગ હાથમાં જેના,રાજ કરવાનો એ, સ્વર્ગ મળે છે એને તપ દાન કરે જે,
પાર ઉતરે જે,ગુરૂવચન પર ચાલે જે, નિર્ભર છે કર્મો પર,પાપ-પૂણ્યનો નિર્ણય !
આ પછી ગૌનંદ અને સહદેવ લલની વિદાય લેતાં કહે છે કાશ્મીર ઘાટીમાંની વર્તમાન પરિસ્થિતિ બહુ વિષમ છે. ગુરુજીએ કહ્યું છે કે તું લોકોનું માર્ગદર્શન કરતી રહેજે… જવાબમાં લલ બોલ્યાં :
ઢીલી છે દોરી પોટલીની, કેમ સંભાળું હું આ મીઠાઈ ?
કમ્મર ધનુષ્ય જેમ વળી ગઈ, હવે બોજ ઉઠાવીશ હું કઈ રીતે ?
આમ આપણે જોઈ શકીએ છીએ કે લલનાં વાખમાં અંતરમનની ગહનતા,આત્માનુભવની તીવ્રતા અદભૂત છે. પ્રસંગે પ્રસંગે લલ આપણી પાસે જે હૈયાંફાટ રીતે રડ્યાં છે તે બધી જ અંતર્વેદના તેમણે વાખમાં નિચોવી નાખી છે. જેટલી વેદના ઘેરી છે એટલી જ ઘેરી ગહનતા ! લલનાં વાખ એક જુદી જ અલૌકિક સૃષ્ટિનો અનેરો અનુભવ કરાવે છે. લલનાં આંસુઓ એના વાખમાં શબ્દ બનીને ટપકે છે !
પ્રફુલ્લ પંડ્યા
(લેખકની સંમતિથી મૂળ લેખ ટૂંકાવીને)
OP 26.6.21
***
આભાર સૌનો
30-06-2021
આભાર સરલાબેન, શ્રી સિકંદર મુલતાની અને શ્રી હસમુખ અબોટી
મુલાકાત લેનાર સૌનો આભાર
હસમુખ અબોટી ‘ચંદન’
30-06-2021
ખૂબ સરસ. નોખું અને અલગ જાણવા મળ્યું. લતાબહેન તમે ઉત્કૃષ્ટ કામ કરી રહ્યાં છો. આભાર સહ અભિનંદન છે.
સિકંદર મુલતાની
28-06-2021
વાહ.. આદિ કવયિત્રી.. લલ્લેશ્વરીના વાખ કાવ્યો.. સરસ લેખ..
સૌ પ્રથમ વાખ કાવ્ય વિશે કવિ શ્રી એસ.એસ.રાહી સાહેબ પાસે જાણ્યું હતું
એમની એક ગઝલનો શે’ર કંઈક આવો હતો..(શબ્દો આઘાપાછા થઈ ગયાં છે)
‘કે પૂછે છે આ બધા ધનવાન કે, શું મળ્યું લલ્લેશ્વરીની વાખમાં?’ – સિકંદર મુલતાની
Sarla Sutaria
28-06-2021
એક અજાણ્યા કવયત્રીને આજે જાણ્યા. એમના હ્રદયસ્પર્શી વાખ વાંચી હૃદય ભીનું થઈ ગયું…
આભાર આપનો
26-06-2021
સાચું દીપકભાઈ. આભાર સરસ સૂચન કરવા બદલ.
લતા હિરાણી
આ લેખ આપવા માટે આભાર પ્રફુલ્લભાઈ.
Dipak Valera
26-06-2021
ઉપર અલ્લાહ નીચે લ્લાહ
નામની ઉક્તિ પ્રચલિત થઈ
વંદન સૂફિસંત હતા જેમને કવિ નહીં પણ ઋષિ કહેવા જોઈએ
પ્રતિભાવો