જયેન્દ્ર શેખડીવાળા * આસ્વાદ ~ સુરેશ દલાલ Jayendra Shekhadiwala Suresh Dalal
ફૂલ ને ફોરમ અજાણ્યા દેશમાં સામા મળ્યા
કોઈ સાંજે એમ પગલાં આપણા સામા મળ્યા
મોર ચીતરેલી ક્ષણો આપી ગયું કો’ સ્વપ્નમાં
ને ગગનને મહેકના પડઘાના ધણ સામા મળ્યા
આપણો સૂકો સમય થઈ જાય છે જ્યારે નદી –
થાય છે કે, સૂર્યને પણ દર્પણો સામા મળ્યા.
કોઈ ઘૂમરીમાં ડૂબ્યું તો કોઈ આકાશે ડૂબ્યું:
શ્વાસના એકાંતને એના વતન સામા મળ્યા.
આજ બારી બહાર દૃષ્ટિ ગઈ અચાનક જે ક્ષણે
આંખને ગઇકાલના દૃશ્યો બધાં સામા મળ્યાં
– જયેન્દ્ર શેખડીવાલા
જે રોજ રોજ બની એ ઘટના ન કહેવાય. જે ક્યારેક બને એ ઘટના કહેવાય. અહીં કોઈ સાંજે બનેલી ઘટનાની વાત છે. જે વાત ખુલ્લી રીતે નહીં, પણ પ્રતિરૂપો દ્વારા કહેવાઈ છે. કવિતા એટલે જ પ્રતિરૂપ અને પ્રતીકની ભાષા. કોઈક સાંજે આપણા પગલાં સામા મળ્યાં, એ તો બીજી પંક્તિમાં છે; પણ પહેલીનો ઉઘાડ બીજી પંક્તિને બળ આપે એવો કાવ્યમય છે. આપણું મિલન એ જાણે કે કોઈક અજાણ્યા દેશમાં ફૂલ ને ફોરમ વચ્ચે શુભ દૃષ્ટિ થાય એવું. આમ પણ પ્રેમનો દેશ જાણીતો કરતાં વધારે તે અણજાણ્યો છે. જો એ વધુ પડતો જાણીતો થાય તો ‘અતિ પરિચયે અવજ્ઞા’. એથી ગાવું પડે. ‘ચાલો એકબાર ફિરસે અજનબી બન જાયે હમ દોનો.’ કોઈ એમ પણ કહી શકે કે ફૂલ અને ફોરમ કેવી રીતે સામસામા મળી શકે ? પણ અદ્વૈતનો અનુભવ ત્યારે થાય, જ્યારે દ્વૈત હોય અને કાવ્ય માણવામાં દલીલ કામ ન આવે. કાવ્યમાં તર્ક હોય છે પણ એ તર્કની ભાષા જુદી હોય છે.
કોઈ સ્વપ્નમાં મોર ચીતરેલી ક્ષણ આપી ગયું છે. સ્વપ્નમાં તો સ્વપ્નમાં, પણ મોરની કેકા થઈ છે. તોયે કેકાને સાર્થકતા ત્યારે મળે જ્યારે એને ગગનની ગહેકના પડઘા મળે, આમ મોર અને ગહેકનું પણ દ્વૈત-અદ્વૈત રચાય છે.
તું ન હોય ત્યારે સમય સુકકો છે, સુકાયેલી નદી જેવો છે, પણ તું મળે ત્યારે સમય પોતે નદી જેવો આર્દ્ર થઈ જાય છે, અને એનો પ્રવાહ એવો કે એમાં સૂર્યને પણ પોતાનું પ્રતિબિંબ સાંપડે. આમ જળ અને તેજનું અહીં અદ્વૈત રચાય છે.
માણસ જ્યાં સુધી બહાર હોય છે, ત્યાં સુધી પોતામાં નથી હોતો. ક્યાંક કોઈક ને કોઈક રીતે ડૂબવું જોઈએ. પછીયે જળની ઘૂમરીઓ હોય કે આકાશના ગુંબજ હોય. પોતાવટો ભોગવતો માણસ શ્વાસના એકાંતમાં પોતાપણાના વતનનો પ્રાંત પામી શકે છે. આમ, બાહ્ય અને આંતરનું અદ્વૈત રચાય છે.
કેટલીક વાર આપણે જોવાનું પણ જોતાં નથી અને નજીકનું પણ જોતાં નથી. કોઈક ક્ષણ અચાનક એવી ઊગે છે કે આપણી દૃષ્ટિ બહાર જુએ છે અને બહાર જે દેખાય છે તે કદાચ ગઈકાલનું જ દૃશ્ય મળે છે. ગઇકાલ કોઈ દિવસ કોઈને પાછી મળતી નથી. કોઈકે કહ્યું ‘તું કે ગમે એટલો શ્રીમંત માણસ હોય પણ એ ભૂતકાળને ખરીદી શકતો નથી. અહીં આજ અને ગઇકાલનું અદ્વૈત રચાય છે.
આ ગઝલ છે, પણ પ્રત્યેક સ્વતંત્ર શેરની આંતરિક સૂત્રતા એવી છે કે એ ગઝલ પણ છે અને નઝમ પણ છે. આમ, ગઝલ અને નઝમનું અદ્વૈત રચાય છે.
OP 16.9.22
***
Kirtichandra Shah
26-09-2022
બેન લતાબેન તમે કેટલું સુંદર હળવું પણ સાક્ષરી વિવેચન આપી દીધું છે
Mahendra Tulsidas Patel
19-09-2022
કાવ્યને માણવાનો આનંદ….!!!
આભાર…. લતાબેન…!!
કાવ્ય વિશ્વને શુભેચ્છાઓ💐…!!
છબીલભાઈ ત્રિવેદી
16-09-2022
ખુબ સરસ રચના અને અેટલોજ ઉત્તમ આસ્વાદ આભાર લતાબેન
સાજ મેવાડા
16-09-2022
“આ ગઝલ છે, પણ પ્રત્યેક સ્વતંત્ર શેરની આંતરિક સૂત્રતા એવી છે કે એ ગઝલ પણ છે અને નઝમ પણ છે. આમ, ગઝલ અને નઝમનું અદ્વૈત રચાય છે.”
ખૂબ વિચાર માગીલે એવો અર્થ છે. જાણકારો પ્રકાશ પાડે, કારણ કે ગઝલનું બંધારણ સચવાતું નથી.
Varij Luhar
16-09-2022
વાહ. કવિશ્રી જયેન્દ્ર શેખડીવાળાની સુંદર રચના અને કરાયેલ આસ્વાદ
ખૂબ સરસ
પ્રતિભાવો