પન્ના નાયક – તરફડાટની કવિતા * Panna Nayak * Lata Hirani

એલિયટ કહે છે, ‘the pains of turning blood into ink.’ પન્ના નાયકના કાવ્યો માટે આ તદ્દન સાચું ઠરે છે. સામાજિક હકાર-નકારને એકકોર હડસેલી દઈ મનને જ મુખર થવા દેનાર, ઊંડે ઊંડે સુધી અનુભવેલી અનુભૂતિને અભિવ્યક્તિમાં ઉલેચી નાખનાર કવયિત્રી એટલે પન્ના નાયક. પન્ના નાયકના કાવ્યોમાં જે નિખાલસતા, પારદર્શિતા જોવા મળે છે એ ગુજરાતી કવિતામાં મળવી દુર્લભ છે.

પન્નાબહેન કોલેજમાં ભણતા ત્યારે સાહિત્યનુ પૂરું વાતાવરણ, ધરખમ કવિઓના સંપર્ક અને એમના મનમાં કવિતા સતત ઘુંટાતી હોવા છતાં ત્યારે ‘કવિતાનો ક ન ઘૂંટાયો તે ન જ ઘૂંટાયો.’

પરણીને અમેરિકા ગયા પછી ફિલાડેલ્ફિયાના વસવાટ દરમિયાન, સતત અનુભવાતી એકલતા અને શૂન્યતામાંથી ઉગરવા તેઓને એકવાર અમેરિકન કવયિત્રી એન. સેક્સટનને સાંભળવા, વાંચવા, મળવાનો મોકો મળ્યો. આ કવયિત્રીની કવિતામાં પ્રગટ થતી પારદર્શિતા એમને અત્યંત સ્પર્શી ગઈ. જાણે એમને એમાં પોતાનું પ્રતિબિંબ દેખાયું. અંદરથી કશુંક ખોવાઈ ચૂક્યું હતું એ ફરી પમાયું અને તેઓ કવિતા લખતાં થયાં.

એમનું પ્રથમ કાવ્ય છે,

‘આજે હું ખુશ છું / કેમ, એ તો નથી સમજાતું. / આ ખુશીનો સ્નેપશૉટ લઈ / મઢાવી / સુવાના ઓરડામાં ટાંગી શકાય ?’

ક્ષણના આનંદને શાશ્વત બનાવવાનો અહીં મજાનો પ્રયાસ છે. અને પછી તો કવિતા જ એમના જીવનનો ટેકો બની ગઈ.

‘કવિતા લખતા હાથનો ટેકો ન મળ્યો હોત તો હું સાચે જ ઢળી પડત !’

એમની સમગ્ર કવિતામાંથી પસાર થતાં લાગે કે અંગત અનુભૂતિની તીવ્રતા, ઘેરો વિષાદ અને ન જિરવાતી એકલતા એમના શબ્દોમાંથી સતત ટપકયે રાખે છે. એમ લાગે કે પીડા જાણે એમનો પર્યાય  છે ! એમની રચનાઓમાં સંબંધો પ્રત્યે, સાથ-સહચાર વિશે, જીવનની વિષમતાઓ અંગે, લગ્નજીવનની નિષ્ફળતાઓ માટે, નિરર્થક બની રહેતા યાંત્રિક જીવન સંબંધી, પ્રશ્નો જ પ્રશ્નો છે જેના કોઈ ઉત્તર નથી, અથવા એમ પણ કહી શકાય કે એ સવાલોમાં જ ઉત્તર સમાયેલા છે !

‘પ્રત્યેક ઘર પાસે એક રસ્તો હોય જ છે / તોય કેમ કોઈ આવતું નથી?’

પન્ના નાયકની કવિતા નર્યા વાસ્તવની કવિતા છે જેમાં આકરો તાપ છે,

‘વીતતાં વર્ષો / મારાં આવરણ / ઉતરડી મને / ધીરે ધીરે / કરે છે નગ્ન.’

ને ક્યાંક કાલ્પનિક હળવાશ પણ ખરી ! 

‘મારી આંખમાં ઊગે છે / લીલાંછમ ઘાસના આકાશ.’

સંબંધોની પોકળતા દર્શાવતા તેમના સાદાસીધા શબ્દોમાં કેવી વ્યંજના રહેલી છે !

‘ચાલો ઊઠીએ / કપડાં પર ચોંટેલું ઘાસ ખંખેરીને.’

વાતચીત કે સંવાદની શૈલીમાં સહજ રીતે માર્મિક વાતો કહી દેવાની કલા કવયિત્રી પાસે છે.

એ જ પાછો સિગ્નલ લાઇટ પાસેનો ટ્રાફિક જામ

બરાબર ડ્રોઈંગરૂમમાં !

….

રહેવાની ચાર દિવાલ વચ્ચેય અથડાય છે

પેલા અર્થ-આભાસી શબ્દો

‘sorry’ – ‘Thank you’… 

ડ્રોઇંગરૂમમાં ટ્રાફિકજામ અને અર્થાભાસી શબ્દો ! ભરપૂર વ્યંજના.

તેઓ માતૃભાષાને અનન્ય પ્રેમ કરે છે, એમની આ પંક્તિઓ તો ખૂબ જાણીતી થઈ છે.

‘આપણને / જે ભાષામાં સપનાં આવે/ એ/ આપણી માતૃભાષા./ મને/ હજીય / ફિલાડેલ્ફીઆમાં/ સપનાં/ ગુજરાતીમાં આવે છે.’

કવયિત્રી પન્ના નાયકના જ શબ્દો છે, ‘હું પરદેશમાં ટકી રહી છું તે કવિતાને કારણે…  મારે જો ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી કવિતા વિશે કંઇ પણ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ કે કવિતા એ મારી એંશી વર્ષની મા છે, મારી મિત્ર છે, મારા થાકેલા હૃદયનું પરમ ધામ છે.  આશ્વાસનનો શબ્દ જેટલો મને કવિતા પાસેથી મળ્યો છે એટલો મનુષ્ય પાસેથી નથી મળ્યો.  છતાં આશ્વાસન મેળવવા માટે જ કવિતા લખું છું એવું પણ સાવ નથી.  આશ્વાસન માટે હું કવિતાનો ઉપયોગ નથી કરતી કે મારી કવિતાનો પણ એ નિમિત્તે દુરુપયોગ નથી કરતી.  મારો અને કવિતાનો સંબંધ દુનિયાદારીના ગણિતથી જુદો છે.”

એમણે માત્ર આત્મલક્ષી કાવ્યો લખ્યા છે એવું નથી. પ્રકૃતિપ્રેમ પણ ક્યાંક ક્યાંક વહે જ છે. નોસ્ટાલ્જિયા ‘વતનઝુરાપો’ એમના કાવ્યોમાં ડોકાયા કરે છે. પણ એકલું એય નથી. કવયિત્રી પોતે જ કહે છે કે અમેરિકા રહેવા છતાં ભારતે એમને છોડયા નથી અને અવારનવાર ભારત આવવા છતાં અમેરિકા પણ એમનાથી છૂટતું નથી. તેઓ દેશ અને પરદેશ, ભારત અને અમેરિકા બંને વચ્ચે વહેરાયા કર્યા છે, હિજરાયા કર્યા છે. દેશ પૂરેપૂરો છોડી શક્યા નથી અને પરદેશ પૂરેપૂરો અપનાવી શક્યા નથી ! પણ કવિતા એ એમનું સદાયનું આલંબન રહ્યું છે એ વાત સો ટચની !

તેમની કવિતાઓને નારીવાદી કહી શકાય કેમ કે નારી સ્વાતંત્ર્યની અને નારી સંવેદનાની રચનાઓ પુષ્કળ છે અલબત્ત એ અંગત અભિવ્યક્તિના સ્વરૂપે છે. એમાં ‘હોવા’ની શોધ અને ‘થવા’ની ઝંખના સતત વ્યક્ત થયા કરે છે, અલબત્ત અંતે પ્રાપ્ત થયા કરતી નિષ્ફળતા પણ એમના કાવ્યોમાં હૃદય વલોવતી ટપકે છે.  

કવિ સુરેશ દલાલે કવયિત્રી પન્ના નાયક માટે જે વિધાનો કર્યા છે એ જોઈએ,

“મને પન્નાનાં કાવ્યોમાં સૌથી વિશેષ સ્પર્શે છે એની સરળ પ્રમાણિકતા.”

“પન્નાની કવિતા સોયની અણી જેટલા વ્યથાના બિંદુ પર ઊભી છે.  આ વ્યથાનું મૂળ શોધવું મુશ્કેલ નથી. જે જીવન જીવવું પડે છે એનો થાક છે, બેચેની છે, અજંપો છે, વ્યગ્રતા છે, ક્યારેક તો થાકની વાત કરવાનો પણ થાક છે, તો ક્યારેક વાત ન કરી શકાઈ હોય એનો ‘કોરો તરફડાટ’ છે.  આ બધાંની સામે જે જીવન જીવવું છે એને માટેની તાલાવેલી છે, ઝંખના છે.”

“પન્નાની કવિતા, જેમાં આખો સમાજ ઉઘાડો પડી જાય છે એવા ડ્રોઇંગરૂમની કવિતા છે, બેડરૂમની કવિતા છે.  પન્ના પાસે છે કરાર ન વળે એવો એકરાર…”

***** 

કવયિત્રી પન્ના નાયકનું સર્જન

સર્જનના ક્ષેત્રો : કવિતા, વાર્તા.

કાવ્યસંગ્રહો 

1. પ્રવેશ (૧૯૭૫) ગુજરાત સરકાર તરફથી પુરસ્કૃત અને ચુનિલાલ વેલજી મહેતા પુરસ્કાર

2. ફિલાડેલ્ફીઆ (૧૯૮૦)   3. નિસ્બત (૧૯૮૫)     4. અરસપરસ (૧૯૮૯)   5. કેટલાક કાવ્યો (૧૯૯૦)   6. આવનજાવન (૧૯૯૧)   

7. ચેરી બ્લોસમ (૨૦૦૪)    8. રંગઝરુખે (૨૦૦૫)   9. અત્તર અક્ષર

10. વિદેશીની સમગ્ર કવિતા  ભાગ 1       11. દ્વિદેશીની સમગ્ર કવિતા ભાગ  2

અને એક વાર્તાસંગ્રહ ‘ફ્લેમિંગો’ 2003

કુલ પુસ્તકો – 12

જીવન  

પન્ના નાયક

જન્મ  :  28 ડિસેમ્બર 1933

વતન : સુરત

માતા-પિતાનું નામ : રતનબહેન અને ધીરજલાલ મોદી

જીવનસાથી : નટવર ગાંધી

વ્યવસાય : ગ્રંથપાલ તરીકે નિવૃત્ત

OP 29.9.21

~ લતા હિરાણી

***

સાજ મેવાડા

26-12-2021

કવિની કવિતા આત્મલક્ષી હોય પણ પ્રકશ પામી સમાજલક્ષી બને છે. ખૂબ સરસ લેખ. પન્નાજીનાં કાવ્યો એમના જિવનનું ધ્યેય બને જ, એમ ઘણા પરદેશી વસતા ડાયસ્પોરા કવિઓમાં થયું છે.

Arjunsinh Raoulji

24-12-2021

વાહ પન્ના મેડમ વિષે રસપ્રદ માહિતી .તેમની કવિતાઓની પંક્તિઓ માણવાની ખૂબ ખૂબ મજા પડી . આભાર લતાબહેન .કાવ્યવિશ્વ દિનપ્રતિદિન લોકપ્રિય થતું જાય છે .લતાબહેનની મહેનત ઊગી નીકળી લાગે છે અભિનંદન મેડમ

છબીલભાઈ ત્રિવેદી

29-09-2021

સર્જક વિભાગ મા પન્ના નાયક ની તરફડાટ ની કવિતા નો આપે ખુબજ સરસ આસ્વાદ કરાવ્યો ખુબ જાણવા મળ્યું કાવ્યવિશ્ર્વ વૈવિધ્ય સભર સામગ્રી નો રસથાળ લઇ ને આવે છે ખુબ ખુબ અભિનંદન લતાબેન આભાર

1 Response

  1. પ્રજ્ઞા વશી says:

    પન્નાબેનની દરેક કવિતા ખૂબ સરસ હોય છે . એમની કવિતામાં વ્યથા, ઝૂરાપો ,અભાવ અને હૃદય સ્પર્શી સંવેદની
    ભીનાશ જોવાં મળે છે . જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: