વિપિન પરીખ ~ ક્યારેક આપણે * Vipin Parikh

ક્યારેક આપણે  ~ વિપિન પરીખ

ક્યારેક આપણે બે એકમેક સાથે ગેલ કરતાં
બિલાડીના બચ્ચાં બની જઈએ છીએ.
ના, ત્યારે આપણે માત્ર આનંદ થઈ
એકમેકને વીટંળાઈ વળીએ !

ના, ના,
તે ક્ષણે આપણને શરીર જ ક્યાં હોય છે ?
તું હરહંમેશ મને એનો એ જ પ્રશ્ન ફરી ફરી પૂછે છે :
“તમે મને ભૂલી તો નહીં જાઓ ને?”
હું ઢોંગ કરીને કહું છું, “હા, ભૂલી જઈશ.”
અને
આપણે ખડખડાટ હસી પડીએ છીએ.
ત્યારે
તું ડાબા હાથે સૂર્યને પૂર્વ ક્ષિતિજ ઉપર રોકી રાખે છે
અને કહે છે :
(મારા મોં ઉપર હાથ મૂકી કહે છે)
“પાછા બોલો તો?”
તે ક્ષણે
આપણે બે ગુલાબનાં ફૂલ હોઈએ છીએ.
ના, તે ક્ષણે
આપણે માત્ર સુવાસ જ હોઈએ છીએ.

વિપિન પરીખ

આ પ્રેમકાવ્ય છે. પ્રેમ એટલે શું ? આ સવાલ મુગ્ધાવસ્થા તથા યુવાનીનો હણહણાટ પૂરો થઈ જાય પછી જાગે છે અને મોટેભાગે એનો જવાબ જડતો નથી. કોઈને જડે છે તો પલકારામાં દર્શન દઈ વળી અદૃશ્ય થઈ જાય છે. બાકી પ્રેમ એટલે આ કે આ કે તે કે તે ? માણસ નક્કી નથી કરી શકતો. આમ પ્રેમની શોધમાં માનવી જિંદગી પસાર કરી નાખે છે એમ કહેવું જરાય વધારે પડતું નથી…. પણ આગલા વાક્ય તરફ પાછા વળીએ તો હા, એ પળોના ઝબકારા જે ક્યારેક ક્યારેક મળી જાય એમાં પેલી ગુલાબની સુવાસવાળી વાત ખરી…. કવિએ છેલ્લી પંક્તિમાં દર્શાવી છે. આ સુગંધની લહેરખી કોઈ કોઈને ક્યારેક ક્યારેક મળી જાય છે….. 

કવિના જન્મદિને સ્મૃતિવંદના.. 

OP 14.10.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: