રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ~ ગમ્યું એ બધું * Rajesh Vyas

ગમ્યું એ બધું 

ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,
શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે.

આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે,
સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે.

સાવ અચાનક કયા વળાંકે ? ખબર પડી આ,
આયુષ આખું પળપળ થઈને ચાલ્યું આઘે.

અઢળક તારાઓ મ્હારામાં ઝબકી ઊઠ્યા,
કોણ દિવસભર ઝળહળ થઈને ચાલ્યું આઘે ?

કેટકેટલું મથે ? દેહ પાછળ ને પાછળ,
મન હંમેશાં આગળ થઈને ચાલ્યું આઘે.

પથ્થરનો અવતાર મળ્યો આ જન્મે મિસ્કીન,
શું ય હશે જે ખળખળ થઈને ચાલ્યું આઘે…

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

વાત એ જ સત્યની છે પણ કેટલી કાવ્યાત્મક રીતે ! વાહ કવિ ! પ્રથમ શેર મૃગજળને લઈને આવ્યો છે જે દરેક મનુષ્યના જીવનનું સત્ય છે. સાથે સાથે ધ્રુવતારકની વાત…. ‘કોણ દિવસભર ઝળહળ થઈ ચાલ્યું આઘે? ભલે એ આઘે રહ્યું પણ દિશા દર્શાવનાર એ જ છે…

‘કેટકેટલું મથે ? દેહ પાછળ ને પાછળ / મન હંમેશાં આગળ થઈને ચાલ્યું આઘે.’ – આ શેરને સલામ કરવી પડે ! એ જ મન કે ચેતના શરીરને ભૂલીને બસ વહ્યા જ કરે છે ! છેલ્લો શેર…

તમામ શેર અફલાતૂન

OP 16.10.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: