ધૂની માંડલિયા ~ છે શબ્દ તો

છે શબ્દ તો ~ ધૂની મંડલિયા

છે શબ્દ તો એ શબ્દનેય હાથપગ હશે;

એનેય રક્ત, રંગ, અસ્થિ, માથું, ધડ હશે.

નહીં તો બધાંય સંપથી ના મૌનમય બનત,

પ્રત્યેક શબ્દની વચાળ મોટી તડ હશે.

આંખોના અર્થમાં સજીવ પ્રાણવાયુ છે,

હોઠો ઉપરના શબ્દ તો આજન્મ જડ હશે.

જીવ્યો છું શબ્દમાં, મર્યો છું માત્ર મૌનમાં,

મારે કબર ઉપર ફરકતું લીલું ખડ હશે.

જીવ્યો છું શબ્દમાં સમયને સાંકડો કરી,

વાવ્યો છે શબ્દ ત્યાં કદી ઘેઘૂર વડ હશે.

~  ધૂની માંડલિયા

કવિ, સાહિત્યકાર સદાયે શબ્દ સાથે કામ લે છે. શબ્દ એ એમના જીવનનો એક જીવંત ભાગ એટલે જ કવિઓને ‘શબ્દ’ પર કાવ્ય રચવા ગમે છે. ‘પ્રત્યેક શબ્દની વચાળ મોટી તડ હશે!’ કલ્પન નવીન અને ચમત્કૃતિપૂર્ણ બન્યું છે.

જે જીવે શબ્દમાં અને વાવ્યા કરે શબ્દ, ત્યાં ઘેઘૂર વડ જ છવાયેલો રહે !

શબ્દની યાત્રા મૌન સુધી હોય છે અને કવિ એ સારી રીતે જાણે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: