મકરંદ દવે ~ શું રે થયું છે ? Makarand Dave

શું રે થયું છે ~ મકરંદ દવે

શું રે થયું છે મને, હું રે શું જાણું?
મને વ્હાલું લાગે છે તારું મુખ;
જોઉં, જોઉં, જોઉં, તોય જોતાં ધરાઉં ના,
ભવભવની હાય, બળી ભૂખ.

ક્યાં રે ઊગ્યો ને ક્યાં આથમ્યો રે દંન મારો,
ક્યાં રે ઢળી મધરાત ?
તારી તે મૂરતિને કે’તાં ને કે’તાં મારી
પૂરી ન થાય હજી વાત.

કોક કોક વાર તારી કાયા અલોપ બને,
કોક વાર બાહુમાં કેદ;
જોગ ને વિજોગ હવે ક્યાં રે જોખાવું મારાં
નેણાં ભૂલી ગયાં ભેદ.

આ રે અવતાર ભલે વાદળિયો વહી જતો,
કેવાં તે સુખ ને દુઃખ ?
આખો જનમારો તને આંખોમાં રાખું,
મને વ્હાલું લાગે છે તારું મુખ.

~ મકરંદ દવે

સંતપરંપરાના વાહક કવિનું કાવ્યત્વથી ભર્યું ભર્યું ભજનગીત. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: