મકરંદ દવે ~ કોણે કીધું Makarand Dave

કોણે કીધું ~ મકરંદ દવે

કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા! આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ?

ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ.

ધૂળિયે મારગ કૈંક મળે જો, આપણા જેવો સાથ,
સુખદુઃખોની વારતા કે’તા, બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડખે પડખે, માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં છે આવો લાભ ?

સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત,
દોઢિયાં માટે દોડતાં એમાં, જીવતાં જોને પ્રેત !

માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !

મકરંદ દવે

ઉપરવાળા પર ભરોસો અને પ્રકૃતિની ઓથ – જીવવાની આ બે મોટી મૂડી કવિ ચીંધે છે પણ શબ્દોમાં કેટલી સરળતા ને વ્હાલ વરસે છે ! જાણે આ વાત એમના હૈયામાંથી સીધી વરસે છે. કોઈ આયાસ નહીં, કોઈ ઉપદેશ નહીં અને હૈયાસોંસરવી ઉતરી જતી વાણી !

આજે કવિનો જન્મદિવસ. જન્મશતાબ્દી પૂર્ણતાના આરે ત્યારે વંદન કરીએ અને આવા ભાવ ચારેકોર પ્રગટે એવું માંગીએ !  

OP 13.11.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: