ભાનુભાઇ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ ~ ઝંખે છે ભોમ

ઝંખે છે ભોમ ~ ભાનુભાઇ વ્યાસ ‘સ્વપ્નસ્થ’

ઝંખે છે ભોમ પાણી પાણી ઓ, મેહુલા!

ઝંખે છે ભોમ પાણી પાણી

તુંને શું આગ આ અજાણી? ઓ મેહુલા!

મેલાં આકાશ, જાણે મૃત્યુની ખીણ ખડી,

સૂરજની ચેહ ત્યાં ચેતાણી, ઓ, મેહુલા!

હજીયે ખડા ન ખેંચાણી? ઓ, મેહુલા!

રૂંધ્યા છે વાયરા ને રૂંધી રતૂમડી

મેલી દિશાઉં ધૂંધવાણી… ઓ, મેહુલા!

તોયે ના આરજૂ કળાણી? ઓ, મેહુલા!

ઉજ્જડ ટીંબાની વાવ ખાલી ભેંકાર પડી,

સીમે આ શોકસોડ તાણી ઓ, મેહુલા!

તોયે ન પ્યાસ પરખાણી? ઓ, મેહુલા!

ભાંભરતાં ભેંસગાય, પંખી ગુપચુપ જોય

ચાંચો ઉઘાડી… બિડાણી…ઓ, મેહુલા!

જાગી ન જિંદગીની વાણી? ઓ, મેહુલા!

મારી માનવની આંખ જોતી ક્ષિતિજે કરાળ

તારી ના એક રે એંધાણી ઓ, મેહુલા!

તારી કાં એક ના એંધાણી? ઓ, મેહુલા!

ભાનુભાઈ વ્યાસ સ્વપ્નસ્થ’ (13.11.1913-23.10.1970)

પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઇ’નો દુષ્કાળ આંખ સામે ખડો થઈ જાય !

રાજકોટના વતની અને મુંબઈ નિવાસી કવિનો ગઇકાલે જ જન્મદિવસ ગયો. કવિને સ્મૃતિવંદન

કવિના કાવ્યસંગ્રહો : અજંપાની માધુરી, ચિરવિરહ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: