મરીઝ ~ આ મોહબ્બત છે કે & એક છે તારી જિંદગી * Mariz
કહેતા નથી
આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ.
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.
એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી.
એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.
~ મરીઝ
એક છે તારી જિંદગી
એક છે તારી જિંદગી, એક ઉપર નિસાર કર,
રૂપ બધામાં એક છે, પ્રેમ પણ એક વાર કર.
હું જો નહીં રહું તને જાણી કોઈ નહીં શકે,
હું જ છું તારી આબરૂ; મારો બધે પ્રચાર કર.
તારી જ દેણ છે પ્રભુ મારી સમગ્ર જિંદગી,
મારુ કશું જશે નહીં જ્યાં ચાહે ત્યાં પ્રહાર કર.
નિષ્ફ્ળ જવાની છેવટે બેચેની તારી આંખની,
દર્શન જો એના જોઈએ દિલનેય બેકરાર કર.
શોચી રહ્યો છું કેટલાં વર્ષોથી તારી યાદમાં,
નવરાશ જો તને મળે પળભર જરા વિચાર કર.
તારા જુલમથી હું થયો બરબાદ તેનો ગમ નથી.
પસ્તાવો જે તને થયો એનો ફક્ત સ્વીકાર કર.
મર્યાદા દુશ્મનીમાં છે, શકિત મુજબની હોય છે,
કિન્તુ ગજાથી પણ વધુ સૌને ‘મરીઝ’ પ્યાર કર.
~ મરીઝ
વાહ ખુબ સરસ રચનાઓ ખુબ ગમી
બંને ગઝલ સરસ .
વાહ, શાયર ને સ્મૃતિ વંદન.
સાદર સ્મરણ વંદના.