લવ સિંહા ~ એને ઉજવી જાણો તો & Love Sinha

જીવતર બને

એને ઉજવી જાણો તો જીવતર બને
ક્ષણ પડી રહીને તો ખાલી થર બને

મારા સપનામાં તો ઘરનું ઘર બને
તું જુએ તો આખું સચરાચર બને

થોડી હિંમત રાખું તો એ શક્ય છે
કાલ ઉઠી આ જ ડર અવસર બને

એકનો પણ શેર થઈ શકતો નથી
લાખ ઘટના આપણી અંદર બને

એ કબીરે કોઈને કીધું નથી
કેટલા થીંગડાથી આ ચાદર બને

લાગણી હોવાથી આવું થાય છે
એકની શ્રદ્ધા બીજાનો ડર બને

~ લવ સિંહા

આમ જુઓ તો લગભગ દરેક વાત જાણીતી પણ રજૂઆત કેટલી કાવ્યાત્મક ! ખૂબ ગમ્યો આ શેર, ‘એકનો પણ શેર થઈ શકતો નથી, લાખ ઘટના આપણી અંદર બને! અલબત્ત આ કવિની કલમમાં ઘણું તેજ છે, દરેક ઘટનાને શેરમાં પલટવા માટે! કબીરની ચાદર માટે આવું કલ્પન તમે ક્યાંય વાંચ્યું છે ? મેં તો નથી વાંચ્યું ! 

વાપરી

મારાથી વસ્તુ જે જે વપરાઈ, વાપરી
છેલ્લા ઉપાય રૂપે લાચારી વાપરી

પોતાની ખૂબી પર તો વિશ્વાસ ના થયો
આગળ જવા બીજાની નબળાઈ વાપરી

નાનુંય દુઃખ પડે તો દિલ બેસી જાય છે
કેવી અમૂલ્ય વસ્તુ તકલાદી વાપરી

મારી બધી ખુશીમાં પીડાની છાંટ રહી
લૂછ્યાં વિના જ પીંછી તેં પાછી વાપરી

બીજાની સામે સાચા રહેવાની વાત છોડ
મેં શેર પણ કહ્યો તો ચાલાકી વાપરી

~ લવ સિંહા

પ્રથમ બે અને છેલ્લો શેર અસરકારક રીતે માનવ સ્વભાવની મર્યાદા ચીંધે છે.
ત્રીજો અને ચોથો
, બંને અદભુત શેર જુદી દિશામાં લઈ જાય છે! ભગવાનને ય મોજ પડી જાય એવા! આ કલ્પનને સલામ !

6 Responses

  1. બન્ને રચનાઓ ખુબ સરસ

  2. Minal Oza says:

    નવા અંદાજ લઈને આવતી બંને ગઝલ સરસ છે.અભિનંદન.

  3. વાહ, જરા હટકે અભિવ્યક્તિ ગઝલોમાં કરી છે. આસ્વાદીક ઉઘાડ ગમ્યો.

  4. લવ સિંહા says:

    આભાર આપનો 😊🙏

  5. ઉમેશ જોષી says:

    બન્ને ગઝલ સંવેદનશીલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: