રાજેન્દ્ર શાહ ~ કેવડિયાનો કાંટો & નિરુદ્દેશે સંસારે * Rajendra Shah * સ્વર Madhavi Maheta * Rajendra Shah
કેવડિયાનો કાંટો
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.
બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.
તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ કુલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ;
રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.’
~ રાજેન્દ્ર શાહ
કાવ્ય : રાજેન્દ્ર શાહ * સ્વરાંકન : અજિત મર્ચન્ટ * સ્વર : માધવી મહેતા
નિરુદ્દેશે
નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુમલિન વેશે.
કયારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ;
કયારેક મને સાદ કરે છે કોકિલ મધુરકંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી નિખિલના સૌ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.
પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે
હું જ રહું અવશેષે.
~ રાજેન્દ્ર શાહ
કવિ રાજેન્દ્ર શાહનું આ અવિસ્મરણિય કાવ્ય, આજે એમના જન્મદિવસે સ્મૃતિવંદના સાથે.
સ્મ્રુતિવંદન
શબ્દ અને સ્વરભાવ ખૂબ જ સરસ.
સ્મરણ વંદના.
કવિ શ્રી રાજેન્દ્ર શાહ ને સ્મૃતિ વંદન. સુંદર ગીત.