અનિલ ચાવડા ~ ભરેલાં છો જ નહિ & તમને ખાલી મળવું’તું * Anil Chavda

ખરું!

ભરેલાં છો જ નહિ એ જાણું છું પણ લાગવું’તું તો ખરું!
અમારા ભાગ્યનાં સૌ વાદળાંઓ, ગાજવું’તું તો ખરું!

બધા માફક તમે પણ માની લીધુંઃ સત્ય તો કડવું જ હોય,
ભલા માણસ જરા એકાદવેળા ચાખવું’તું તો ખરું!

વધારે સાચવી રાખો પછી દુર્ગંધ તો ફેલાય ને?
સમયસર સ્વપ્નનું શબ બાળવું કે દાટવું’તું તો ખરું!

અપેક્ષા જિંદગીભર સાથની ક્યારેય રાખી‘તી જ ક્યાં
ફક્ત બેચાર ડગલાં પૂરતું સાથે ચાલવું‘તું તો ખરું!

ઉતાવળ બહુ કરી તો આમ ફરફોલા પડ્યા ને છેવટે?
જરા ગરમાગરમ સુખને તમારે ઠારવું‘તું તો ખરું!

ઘણીયે હોંશથી અસ્તિત્વ મારું તમને મેં આપ્યું હતું,
તમારે ફેંકતા પ્હેલાં ઘડીભર વાંચવું’તું તો ખરું.

~ અનિલ ચાવડા

જરા ગરમાગરમ સુખને તમારે ઠારવું‘તું તો ખરું! આવું કવિ જ કહી શકે !

ગઝલમાં દરેક શેર એક જુદું ભાવવિશ્વ લઈને આવે છે. અહીં પણ એવું ખરું પરંતુ આખીય ગઝલમાં પરોવાયેલું સૂત્ર – એક હળવી ઉદાસીનું……   

તમને ખાલી મળવું’તું

તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું;
નસમાં વહેતા શાંત લોહીને ઝરણા જેમ ઉછળવું’તું.

ના ના એવું ખાસ નથી,
પણ છાતી અંદર શ્વાસ નથી;
હમણાં હમણાંથી આંખોમાં
ટકતું બહુ આકાશ નથી.
આંખો અંદર આભ ભરીને મારે તો વાદળવું’તું.
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

રુવાંટીઓ ક્યે, ‘એ ફૂંકે ને
તો જ અમે ફરફરીએ;
એમનેમ મળવાની વાતો
અમે ય થોડા કરીએ?
પાણી અંદર ઢેફું પીગળે એ રીતે પીગળવું’તું.
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

ઘણી વાર આવ્યો છું મળવા
છેક તમારા ઘર લગ,
મને પૂછ્યા વિણ મને લઈને
ચાલી નીકળે છે પગ,
તમારી જ શેરીમાં પગને પણ જાણે કે વળવું ‘તું,
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

~ અનિલ ચાવડા

વાત તો એ જ પ્રણયના રોમાંચની, અનેકવાર કહેવાયેલી પણ આ કવિની એને આલેખવાની શૈલી જુઓ ! ગીત સીધું હૈયે વસી જાય…
વિશિષ્ટ શબ્દપ્રયોગોની પણ નોંધ લેવી જ પડે ! જુઓ ‘વાદળવું ‘તું’ 

4 Responses

  1. ઉમેશ ઉપાધ્યાય says:

    વાહ વાહ, બન્ને રચનાઓ ખુબ સરસ. 👌🏽👌🏽👌🏽

  2. ઉમેશ જોષી says:

    ગઝલ અને ગીત બન્ને સરસ છે.

  3. વાહ, ગઝલ ખૂબ જ સરસ, આવી રદિફ સાચવી, મજા પડી. બીજી પણ ખૂબ સરસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: