એષા દાદાવાળા ~ ઘર ઘરની રમતમાં

ઘર ઘરની રમત

આજે
ઘર ઘરની રમતમાં
એ પપ્પા બન્યો
અને સાચુકલા પપ્પાની જેમ જ
મમ્મીની સામે આંખોને લાલ કરીને જોયું

મમ્મી સહેજ ધીમા અવાજે બોલી
“એટલીસ્ટ છોકરાઓની હાજરીમાં તો…”
અને પપ્પાનો અવાજ
રોજ કરતા સહેજ મોટો થઇ ગયો,

પછી થોડીઘણી બોલાચાલી
મમ્મીના ડુસકાં-
અને પછી
બરાબર એ દિવસની જેમ જ
પપ્પાની લાલ આંખોનાં ઉઝરડા
મમ્મીના ગાલ પર પડી ગયા..!

પછી
પાપા બનેલો દીકરો
ખૂણામાં ગોઠવેલા ખોટુકલા વાસણોને લાત મારી
ઘરની બહાર નીકળી ગયો
બરાબર સાચુકલા પપ્પાની જેમ જ..!
અને
દુપટ્ટાની જરા અમથી સાડીમાં લપેટાઈ
મમ્મી બનેલી દીકરી પણ
સાચુકલી મમ્મીની જેમ જ
એના વિખેરાઈ ગયેલા ઘરને ફરી પાછું
ભેગું કરવામાં લાગી ગઈ…!

~ એષા દાદાવાળા

પૂરી કાવ્યાત્મકતા સાથે એષાએ રોજબરોજનું તાદૃશ્ય ચિત્રણ કર્યું છે અને ચેતવણી પણ…. કાશ, એટલિસ્ટ પોતાના સંતાનની ખાતર મા-બાપો આ સમજી શકે !

5 thoughts on “એષા દાદાવાળા ~ ઘર ઘરની રમતમાં”

  1. ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર મેવાડાજી, કીર્તિભાઈ, છબીલભાઈ, વહીદાજી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *