કુણાલ શાહ ~ છે સલામત & આગિયાએ * Kunal Shah

વાળી હતી

આગિયાએ જાત અજવાળી હતી,
તે છતાં પણ રાત બહુ કાળી હતી.

તું નિખાલસ થઈ ગયેલો એ ક્ષણે,
મેં અહમની પીઠ પંપાળી હતી.

રોજ ધક્કા ખેતરોના ખાઈને,
આત્મહત્યા પોતે કંટાળી હતી.

તૂટવું એ માત્ર ક્રિયાપદ નથી,
એક ઘટના છે, જે મેં ટાળી હતી.

વાત કરતાં હીંચકો થાકી ગયો,
મેં પલાંઠી એટલે વાળી હતી.

~ કુણાલ શાહ

‘તૂટવું એ માત્ર ક્રિયાપદ નથી’ વાહ કવિ ! જાતને સાંભળી લેવાની વાત કેટલી નાજુકાઈથી અને કેવી કાવ્યાત્મકતાથી રજૂ કરી છે !

કાઢી ગયા

છે સલામત જે બધા ભાગી ગયા,
આગ ઓલવવા ગયા દાઝી ગયા.

આંખ રાબેતા મુજબ મીંચાઈ પણ,
સ્વપ્ન બળવાખોર થઈ આવી ગયા.

એક પલ્લામાં જરા ઇચ્છા મૂકી,
સામા પક્ષે કાટલા થાકી ગયા.

ખાલી ખિસ્સા હોત તો વાંધો ન’તો,
આ તો પગનાં તળિયા પણ ફાટી ગયા.

માંડ ચાદર પગ સુધી પહોંચી હતી,
ત્યાં બધા ભેગા થયા, કાઢી ગયા.

~ કુણાલ શાહ

છેલ્લો શેર ….. સચ્ચાઈની રજૂઆત… સોંસરવી ઊતરી જાય…

7 Responses

  1. વાહ વાહ ખુબ સરસ રચનાઓ ખુબ ગમી

  2. બંને ગઝલો ‘કાબિલે દાદ’ છે. બીજી ઉત્તમ.

  3. દીપક આર. વાલેરા says:

    બંને મસ્ત ગઝલ

  4. Anonymous says:

    વાહ, કુણાલ શાહની ખૂબ સરસ ગઝલો.

  5. Minal Oza says:

    બંને ગઝલો વાંચતા લાગે છે વધુ બળવત્તર રચનાઓ સાહિત્યને મળતી રહેશે. અભિનંદન.

  6. Kunal Shah says:

    આનંદ આનંદ

  7. Kavyavishva says:

    ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર મેવાડાજી, ઉમેશભાઈ, છબીલભાઈ, મીનલબેન, દીપકભાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: