હરિશ્ચંદ્ર ભટ્ટ ~ વિલીન ગત થાવ & નિર્દોષ ને નિર્મળ * Harishchandra Bhatt

વિલીન ગત થાવ

વિલીન ગત થાવ, ભાવિ ! મુજ માર્ગ ખુલ્લો કરો,
હતું યદપિ શાપરૂપ ગત જેહ, ડૂબી ગયું.

અરે ! નિયતિ અંધ, નેત્ર તુજ ખોલ ને સ્હાય દે,
સુસ્પષ્ટ કર માર્ગ ભાવિ પથ જોઉં તે કાપવા.

રહસ્યમય ગૂઢ આછી સહુ રેખ વિતરો, અને
અદૃષ્ટ અવ દૃષ્ટ થાય શિખરોની ઝાંખી થવા.

પ્રભો-નિયતિ ! સાથ દે, કર મહીં તું સંકલ્પ લે,
હવે નિયતિ ! ભાવિ મારું, વિધિ મારું મારા મહીં.

~ હરિશ્ચન્દ્ર ભટ્ટ

કવિના જન્મદિવસે સ્મૃતિવંદન

નિર્દોષ ને નિર્મળ આંખ

નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણ,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેં પૂર્ણ ચિતામહીં કર્યો.!

કૂંળી હજી દેહલતા ન પાંગરી,
કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું,
પ્હેરી રહે જીવનચૂંદડી જરી,
સરી પડી ત્યાં તુજ અંગથી એ !

સંસારના સાગરને કિનારે
ઊભાં રહી અંજલિ એક લીધી,
ખારું મીઠું એ સમજી શકે ત્યાં
સરી પડ્યો પાય સમુદ્રની મહીં !

છો કાળ આવે, શિશિરોય આવે,
ને પુષ્પ કૂંળાં દવમાં પ્રજાળે;
સુકોમળી દેહકળી અરે અરે
વસંતની ફૂંક મહીં ખરી પડી !

~ હરિશ્ચન્દ્ર ભટ્ટ

1 Response

  1. બન્ને રચનાઓ ખુબ સરસ કવિ શ્રી ને સ્મ્રુતિવંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: