હરીન્દ્ર દવે ~ અમે સાંભળ્યું & અધરાતે મધરાતે * Harindra Dave

એ વાંસળીને વાતા નથી

અમે સાંભળ્યું એ વાંસળીને વાતા નથી
કે આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

હવે મધુવન તો જાણે કોઈ શમણાની વાત,
હવે યમુનાને તીર ઝૂરે એકલી ન જાત,
વહે વાસંતી વાયરો ને શાતા નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

ક્યાંક આછો મલકાટ જાણે ખખડે છે પાન,
હોઠ ફફડે ને તોય નથી સંભળાતું ગાન,
ફૂલ ઉપવનની ભીડમાં સમાતાં નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

~ હરીન્દ્ર દવે

રાધાનું નામ  

અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં,
રાધાનું નામ યાદ આવ્યું,
રુક્મિણીની સોડ તજી ચાલ્યા માધવ
બંધ દરવાજે ભાન ફરી આવ્યું.

દ્વારકાના દરિયાનો ખારો ઘૂઘવાટ
દૂર યમુનાના નીરને વલોવે
સ્મરણોનું ગોરસ છલકાય અને માધવની
આજને અતીતમાં પરોવે.

કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતી
કુંજગલી કેમ કરી જાવું ?

રાધાના નેણની ઉદાસીના કેફ તણી
ભરતી આ ગોકુળથી આવે
મહેલની સૌ ભોગળને પાર કરી માધવના
સૂનમૂન હૈયાને અકળાવે

ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન
એને કેમ કરી ગીતા સંભળાવું ?

~ હરીન્દ્ર દવે

6 Responses

  1. Urvi panchal says:

    સુંદર કાવ્યો .મજા આવી ગઈ

  2. ઉમેશ જોષી says:

    બન્ને રચના ખૂબ ખૂબ સરસ…

  3. Minal Oza says:

    આજે કાવ્ય જોઈ શકાયો આનંદ થયો. બંને કાવ્યો મજાનાં.

    • Kavyavishva says:

      હાશ. કામ ચાલુ જ છે. હું પણ ટેકનીકલ આસી. પર આધારિત છું. એટલે…..

  4. બંને ગીતોમાં કનૈયાની રાધા માટેની વિરહ વેદના અનુભવાય છે.

  5. ઉમેશ ઉપાધ્યાય says:

    ખુબ સરસ 👌🏽👌🏽

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: