કહેવાય નહીં
આ ગીત તમને ગમી જાય તો કહેવાય નહીં,
કદાચ મનમાં રમી જાય તો કહેવાય નહીં.
ઉદાસ, પાંદવિહોણી, બટકણી ડાળ પરે,
દરદી પંખી ધરે પાય, ને ચકરાતું ફરે
તમારી નજરમાં ત્યારે કોણ કોણ શું શું તરે?
આ ગીત એ જ કહી જાય તો કહેવાય નહીં,
જરા નયનથી વહી જાય તો કહેવાય નહીં.
ઉગમણે પંથ હતો સંગ, સંગમાં ગાણું,
વિખૂટી ખાઈમાં ખુશીનું ગાન ખોવાણું
પછી મળ્યું, ન મળ્યું, થયું જવાટાણું ?
ખુશી જો ત્યાં જ મળી જાય તો કહેવાય નહીં,
આ ગીત તમને ફળી જાય તો કહેવાય નહીં.
કશું કહી ન શકાયું, ન લેખણે દોર્યું,
પરંતુ કાળજે એ ક્યાંક મૌનમાં કોર્યું
શિલાનું ફૂલ ન ખીલ્યું, ખર્યું ન, કે ફોર્યું,
આ ગીત ગુંજ વણી જાય તો કહેવાય નહીં,
તરી નિકુંજ ભણી જાય તો કહેવાય નહીં.
~ મકરંદ દવે

આઠે પહોર આનંદમય ઉજ્જવલ ક્ષણોનો સાક્ષાત્કાર કરતા કવિની કવિતાઓ
બન્ને ગીત અપ્રતિમ.
કહેવાય નહિં ગીત ગમ્યું જ બીજુ ગીત અગમ્ય રહયું
અગમનિગમની વાત કાવ્ય સરસ કહેવાઈ છે. કવિ ચેતનાને પ્રણામ.
સાંઈ કવિની પ્રકૃતિ પ્રિતી ના ગીત.
Very nice