એક અશક્ય વાત
એક દિવસ
આપણે આ શહેરને છોડી ચાલ્યા જશું.
ગામમાં આપણું એક ઘર હશે.
કૂકડાના સ્વરે ચિરાઈ જશે અંધકારનો પટ.
તેજનાં કિરણ-પગલાં મૂકશે આંગણામાં હળવેહળવે.
વાડામાં ભાંભરતી ગાયોનાં નામ હશે:
નીલમણિ અને નંદિની.
તું
તુલસીના ક્યારામાં જળ સીંચી
સૌભાગ્યને ઉજ્જ્વળ કરતી હશે સવારે.
આપણું બાળક ગેલ કરતું હશે
બિલાડીનાં કાળાંધોળાં બચ્ચાં સાથે બહાર
રાત્રે
ચંદ્ર એનું ચંદન રેલી છુપાઈ જશે વાદળપૂંઠે
અને
આંગણામાં ઊભેલો ગુલમો૨
સમીરને
આપણી વાતો કહેતાં-કહેતાં લાલ થતો હશે.
~ વિપિન પરીખ
કવિના જન્મદિને સ્મૃતિવંદના

કાશ! આ અશક્ય શક્ય બને!