ચાંદ જેવો લાગશે
તું જો આજે મારી સાથે જાગશે;
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે!
કોણ તારી વાત સાંભળશે, હ્રદય!
એક પથ્થર કોને કોને વાગશે!
તું અમારો છે તો, ધરતીના ખુદા!
તું અમારા જેવો ક્યારે લાગશે?
જિંદગી શું એટલી નિર્દય હશે?
એ મને શું એક પળમાં ત્યાગશે?
હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે!
એણે માગી છે દુવા તારી, ‘અદી’
તું ખુદા પાસે હવે શું માગશે ?
~ અદી મિરઝાં 26.10.1928
ગઝલ સંગ્રહ ‘સાદગી’
કવિના જન્મદિને સ્મૃતિવંદના

વાહ, બંને શાયરો ની ગઝલો ‘કાબિલે દાદ’. સ્મૃતિ વંદન.