ગઝલની ભાષા ભાગ 1 ~ રવીન્દ્ર પારેખ * Ravindra Parekh

સાર્થ જોડણીકોશની પાંચમી આવૃત્તિ સુધી તો ગઝલ ફારસી રાગ તરીકે ઓળખાવાઈ છે. મતલબ કે તે કાવ્ય પ્રકાર છે તે વાત બહુ મોડી પ્રચારમાં આવી. આ જ જોડણીકોશમાં ગઝલગોષ્ઠિનો અર્થ, ‘ટાઢા પહોરના ગપ્પાં’ એમ અપાયો છે. આ સૂચવે છે કે ગઝલ લાંબો સમય સુધી પંડિતોની ઉપેક્ષાનું કારણ રહી છે. બહુ મોડું એ સ્વીકારાયું છે કે ગઝલ સ્વયંસંપૂર્ણ કાવ્યપ્રકાર છે. ગઝલની સાદી વ્યાખ્યા ‘પ્રિયતમા સાથેની એકાંતે વાતચીત,’ એવી છે ને હજી આજે પણ તે વ્યાખ્યા તરીકે  પ્રચારમાં છે. એક તબક્કો એવો આવ્યો કે ગઝલમાં પ્રણયની અભિવ્યક્તિ જ કેન્દ્રમાં રહી. પછી વિષયો ને પ્રતીકો ઘણા બદલાયા, આજે પણ જે તે વિષયો કે પ્રતીકો પ્રણયની ભૂમિકા લઈને આવે છે તેની ચોટ કંઈ જુદી જ હોય છે. તેનો પ્રભાવ પણ નોખો જ હોય છે. હું ગંભીરપણે માનું છું કે વિષયો અનેક પ્રકારના ભલે આવે, પણ તેની પાછળ  આછોપાતળો સ્પર્શ જૂની વ્યાખ્યાનો  હોવો જ જોઈએ. પ્રણયસંવેદન ગઝલમાં આજ સુધી કેન્દ્રમાં રહ્યું છે. એને કારણે તેમાં પડેલો વાતચીતનો સંદર્ભ ખાસ બદલાયો નથી. આ વાતચીત જ ગઝલને અન્ય કાવ્ય પ્રકારથી નોખી પાડે છે. વાતચીતની ભાષા ગઝલનો પ્રાણ છે. ગઝલ તરત જ પ્રત્યાયન પામે છે તેનું કારણ તેની સરળ, સૂત્રાત્મક, સચોટ ભાષાભિવ્યક્તિ  છે. ગઝલ લોકપ્રિય છે તેનું કારણ પણ તેની શીઘ્ર પ્રત્યાયન ક્ષમતા છે. એટલે જ કદાચ ગઝલ લખી નહિ, પણ ગઝલ ‘કહી’ એ પ્રયોગ વધારે રૂઢ થયો છે. ગઝલ વધુ આત્મીય, હૃદયસ્પર્શી લાગે છે તેનું એક કારણ તેની ‘હું’ દ્વારા સધાતી અભિવ્યક્તિ પણ છે. તે ત્રાહિત દ્વારા કહેવાતી હોય તો પણ તે કહેવાય છે ઘણુંખરું ‘હું’ ના માધ્યમ દ્વારા.

લૌકિક અને અલૌકિક – ઈશ્કે મિજાજી /ઈશ્કે હકીકી – ઉભયની અભિવ્યક્તિ માટે ગઝલ ઠીક ઠીક સાનુકૂળ રહી છે. પ્રણયસંવેદનની સમાંતરે ગઝલમાં સૂફીવાદનો મહિમા પણ મોકળાશથી થયો છે. એટલે એમાં વિશ્વબોધ કે જીવનદર્શન પણ વણાતાં આવ્યાં છે. ગઝલમાં ભક્ત તે પ્રિયતમ છે અને ઈશ્વર તે પ્રિયતમા છે. આ વાત આપણી પ્રેમલક્ષણા ભક્તિથી જુદી છે. ગઝલમાં આસક્તિ છે જયારે ભજન કે પદમાં ભક્તિ છે. એ સ્થિતિમાં ગઝલમાં ભક્તિ આવે તો તેટલે અંશે ગઝલનાં સ્વરૂપ જોડે છેડછાડ થાય છે. ગઝલની બીજી લાક્ષણિકતા તે શૃંગારની છે, તગઝ્ઝુલની છે. ગઝલના શેરમાં  પ્રણયનો ભાવ તેના શે’રમાં બે જ પંક્તિમાં પ્રગટ કરવાનો છે જ્યારે ગીત કે સોનેટમાં પ્રણયના ભાવને બેથી વધુ પંક્તિઓમાં વિસ્તરવાની તક રહે છે. વારુ, દરેક શે’રમાં ચોટ કે ચમત્કૃતિ અપેક્ષિત છે જયારે ગીતમાં એ જરા પણ અનિવાર્ય નથી. સોનેટમાં બાર પંક્તિ સુધી ભાવ વિસ્તાર કે ભાવ વળાંક નિર્વાહ્ય છે ને છેલ્લી બે પંક્તિમાં જ ચોટ કે ચમત્કૃતિ જરૂરી બને છે. એના પરથી ખ્યાલ આવશે કે ગઝલ, ભજન, ગીત કે સોનેટનાં સ્વરૂપો ભિન્ન ભિન્ન છે ને એવે વખતે કોઈ ગઝલ-સોનેટ કે ગઝલ-ગીતની ભેળસેળ કરે છે તો બાવાના બેય બગડે છે. કોઈ સ્વરૂપ ચુસ્ત રીતે સચવાતું નથી.

તારા જવાનું જયારે મને સાંભરે રે લોલ,
આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ. -જવાહર બક્ષી.

સંત કહે સહુ આવણજાવણ ભજ ગોપાલમ,
રામ ભજો કે બાળો રાવણ ભજ ગોપાલમ. -મધુમતી મહેતા

ગઝલની પરિભાષામાં બંને મત્લા છે, પણ તેનું સ્વરૂપ ગઝલનું નથી. રે લોલ-ની ગતિ ગરબા તરફની છે જયારે ભજ ગોપાલમની ગતિ પદ-ભજનની છે. મધુમતીની તો આખી ગઝલ ભજન ઓઢીને જ ફરે છે જયારે જવાહર બક્ષીનું ‘રે લોલ’ કાઢીએ તો સરસ મત્લાનો અનુભવ તે કરાવે છે. ગીતમાં પ્રસન્નતા કેન્દ્રમાં છે, જયારે ગઝલમાં વૈફલ્યનું પરિણામ કેન્દ્રમાં છે. જ્યાં ગીત અને ગઝલમાં મૂળમાં જ સ્વરૂપગત ભિન્નતા છે ત્યાં એ બંનેની ભેળસેળનું  પ્રયોગથી વિશેષ કેટલું મૂલ્ય ઉપજે?

એક તબક્કે ગુલ, ગુલશન, સનમ, સાકી, સુરા, જામ, ઈશ્ક, હુસ્ન, ઝિંદગી, મૌત જેવા શબ્દોની ગઝલમાં બોલબાલા હતી. તેનું કારણ પણ હતું. મોટેભાગના ગઝલકારો ઉર્દૂમાં લખનારા હતા ને તેમણે જ ગુજરાતી ગઝલ પણ લખવાનું સ્વીકાર્યું. ગઝલ ગુજરાતી થવા મથતી હતી એવા તબક્કે ઉર્દૂનો પ્રભાવ ઝીલવાનું સ્વાભાવિક હતું. બાલાશંકર કે કલાપીની ગઝલો ઉર્દૂનો પ્રભાવ ઝીલનારી કૃતિઓ હતી. એ પછી પણ ઠીક ઠીક સમય સુધી સાકી, સુરાનો પ્રભાવ રહ્યો. દારૂબંધી ગઝલને નડી નહોતી. પછી તો ગુજરાતી જાણનારા શાયરો  આવ્યા. શયદા, શૂન્ય, અનિલ, ગની, બેફામ, મરીઝ જેવા શાયરો આવે છે ને ગઝલ ગુજરાતી પાનેતર ઓઢીને ગુજરાતમાં ને  દેશબહાર પણ  ફરવા લાગે છે.

પરંપરાની ગઝલોમાં ભાષા પ્રતીકાત્મક રહી છે. પ્રતીકો રૂઢ અર્થ ગુમાવી જુદી અર્થચ્છાયાઓ પ્રગટાવે તે માટે ગઝલકારો ઘણું મથ્યા છે. ગઝલ આજે પૂરી ગુજરાતી થઇ છે, એટલું જ નહિ તેને હિન્દી, ઉર્દૂ કે અંગ્રેજી શબ્દોની મર્યાદા પણ નડી નથી, આમ છતાં કહેવું જોઈએ કે ભાષાના ઉપયોગ પરત્વે, કેટલાક અપવાદો બાદ કરતા, ગઝલકાર બહુ ઓછો સભાન જણાય છે. અહીં  અન્ય ભાષાના ઉપયોગનો વાંધો નથી જ, પણ ભાષાના ઉપયોગ અંગેનો ગઝલકારનો વિવેક અપેક્ષિત રહે છે. કેટલીક વખત ગઝલકાર યોગ્ય શબ્દની શોધ માટે ઊંડે જતો નથી ને જે હાથવગા કાચા શબ્દો છે તે જ ખપમાં લઈને કામ કાઢી લે છે. કેટલીક વખત છંદ નિભાવવા પણ ઓછો સારો શબ્દ ગઝલકાર વાપરે છે. કેટલીક વખત ગઝલકાર પંડિત છે એ બતાવવા પણ અઘરા કે અન્ય ભાષી શબ્દો વાપરે છે ને ત્યારે એ ભૂલી જાય છે કે ગઝલને કેવળ સરળ, સહજ શબ્દોની ગરજ છે. કારણ ગઝલની વ્યાખ્યામાં જ વાતચીતની ભાષા અપેક્ષિત છે. ગઝલ અન્ય કાવ્યપ્રકાર કરતા વધુ લોકપ્રિય થવાનું કારણ પણ એ જ છે કે તે વાતચીતની સરળ ભાષામાં અભિવ્યક્તિ સાધે છે. એવું થાય છે ત્યારે ભાષાપંડિતો ગઝલ પર સભારંજની-નું આળ ચડાવે છે. તેમાં તથ્ય પણ છે જ. ગઝલને સભારંજની બનાવવાનું પાપ ગઝલકારોએ તાળીઓ ઉઘરાવવા કર્યું છે તે ઠીક થયું નથી. આજે પણ ગઝલને સરળ  ચોટદાર અભિવ્યક્તિ અનિવાર્યપણે અપેક્ષિત છે.

1 Response

  1. 'સાજ' મેવાડા says:

    ખરી ગઝલ કોને કહેવાય, એ સમજતાં વર્ષો વીતે છે. સરળ, વાતચીતના શબ્દો જ સભામાં કહેલી ગઝલમાં હોવા જોઈએ. સોનેટ ગંભીર વાત કહેવા યોગ્ય છે. ગીતના શબ્દો પણ સરળ સમજાય એવા સારા લાગે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: