રાજેન્દ્ર શુક્લ ~ લો કરું કોશિષ & આવ્યાં હવાની જેમ * Rajendra Shukla * શ્યામલ – સૌમિલ મુન્શી

લો કરું કોશિશ

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું !

આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું !

શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઈ થોડું ખળભળાવે તો કહું !

હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું !

કોઈને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું !

~ રાજેન્દ્ર શુક્લ

આલબમ : ‘કોશિશ’

સંગીત : ગૌરાંગ વ્યાસ

સ્વર : શ્યામલ – સૌમિલ મુન્શી

ઓસરી ગયાં

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં,
શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં !

વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી,
સ્મરણો ય આવી આવીને પાછાં ફરી ગયાં !

હું શું કરું જ્યાં કંઠ જરી ય ખૂલતો નથી,
ગીતો તો કેટલું ય અરે કરગરી ગયાં !

તારા ગયાં પછે ન બન્યું કંઈ નવું અહીં,
અધઊઘડી બે છીપથી મોતી ઝારી ગયાં !

જોઈ અટૂલી મ્હેંક સમય પૂછતો ફરે –
‘ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં!’

વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
એ ઘેન, એ ઘટા, એ ઘૂંટ, સહું સરી ગયાં !

એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
શબ્દો અજાણતા જે તમે કોતરી ગયાં !

~ રાજેન્દ્ર શુક્લ

4 Responses

  1. Varij Luhar says:

    આદરણીય કવિશ્રી રાજેન્દ્ર શુક્લને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 🎂🎈

  2. વાહ, બંને ગઝલો ખૂબ જ સરસ. શુભેચ્છાઓ.

  3. ઋષિ કવિ શ્રી ને પ્રણામ જન્મદિવસ ની ખુબ ખુબ શુભ કામના બન્ને રચનાઓ ખુબ ગમી

  4. Minal oza says:

    કવિશ્રી ને વંદન. કાવ્યોમા અલગારીપણુ ઝલકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: