
રાહત ઘણીય છે
પ્રશ્નો પુછાઈ ગયા પછી રાહત ઘણીય છે
ઉત્તર અપાઈ ગયા પછી રાહત ઘણીય છે
ખુલ્લી હો ત્યાં સુધી જ બધી ભાગદોડ હોય
આંખો મિચાઈ ગયા પછી રાહત ઘણીય છે
ટટ્ટાર બહુ રહ્યા પછી તો થાક લાગ્યો તો
તમને વિંટાઈ ગયા પછી રાહત ઘણીય છે
આ પીઠના ઘાથી ઘણી પીડા થઈ’તી પણ
છાતી ચિરાઈ ગયા પછી રાહત ઘણીય છે
સારું થયું કે તડકો જરા આંખને મળ્યો
આંસુ સુકાઈ ગયા પછી રાહત ઘણીય છે
ચાલો ઉડો, ઉડો હવે એ બંધ થયુ રટણ
પાંખો કપાઈ ગયા પછી રાહત ઘણીય છે
~ પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
‘રાહત’ની વ્યાખ્યા કેવી?? ત્રીજા શેરમાં કટાક્ષ અને રાહત બંને સાથે ગજબ વણાયા છે….
બાકી કટાક્ષના તાતા તીર તકાયેલા છે…. જુઓ છેલ્લો શેર !

પીઠની પીડા ના ઘાવમાથી છાતી ચિરાતા રાહત! વાહ વાહ સરસ પણ તિક્ષણ
ખૂબ ખૂબ આભાર લતાબહેન
કાવ્યવિશ્વમાં ગઝલ મુકાઈ એનો ખૂબ આનંદ…🙏🏻😊
બંન્ને ગઝલ બહુ જ સરસ . પૂર્વીબેન..
પાંખો કપાઈ ગયા પછી રાહત ઘણીય છે..વાહ…
આનંદ પૂર્વી
કટાક્ષમય વેદનાભિવ્યક્તિ સુંદર રીતે કરી છે.