પ્રફુલ્લ રાવલ ~ બોલ કંઈક તો બોલ

બોલ

બોલ કંઈક તો બોલ,
અષાઢ જેવું નહીં તો વૈશાખ જેવું બોલ
પણ કંઈક તો બોલ.

આ મૌનનો કોલાહલ તો અજગરની જેમ
ભરડો લઈ રહ્યો છે
ને મારા અસ્તિત્વના ચૂરેચૂરા થઈ રહ્યા છે.
હવે જાણે હુંય મને પરાયો લાગવા માંડ્યો છું,
એટલે આજે નહીં તો કાલે,
સંવાદની શક્યતા તો ખોલ,
કંઈક તો બોલ.

આ એકલ રમતમાં સંતાવાનુંય નથી
ને પકડવાનુંય નથી,
બસ ધકેલાતો જાઉં છું, ધકેલાતો જાઉં છું,
એ જ કૂંડાળામાં
જ્યાં સિવાય ચકરાવા સિવાય વિકલ્પ જ નથી.
એટલે તો થાય છે, બોલ,
કંઈક તો બોલ.

~ પ્રફુલ્લ રાવલ

આ કૃતિનો નાયક-સર્જક કોઈકને વારંવાર કહ્યા જ કરે, ‘બોલ. કંઈક તો બોલ’. આખું કાવ્ય, આદિથી અંત સુધી, નાયક કોને બોલવા કહે છે એ રહસ્ય અકબંધ રાખે છે. સંબંધમાં અબોલાપણું અસહ્ય બની જાય ત્યારે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે સંવાદનો દોર તૂટતો જવાની સંભાવના સાવ અશક્યતા તરફ ન તાણી જાય માટે આજે નહીં તો કાલે પણ અબોલને બોલવાનો આગ્રહ છે. ~ રાધેશ્યામ શર્મા  

4 Responses

  1. કવિતાનું કોઈ પણ સ્વરૂપ હોય પણ કવિશ્રી પ્રફુલ્લ રાવલની કલમ તેમાં સહજતાથી વિહરે છે.અહીં છાતી સોંસરવી ભીંસતી એકલતામાંથી છૂટવા માટે કવિએ મૌન સામે મુકાબલો કરતાં અબોલાના અંત માટે કાવ્યાત્મક મથામણ કરીને સામી વ્યક્તિને બોલવાનો આગ્રહ કર્યો છે.ઘૂટાતી અનુભૂતિનું આ એક સુંદર કાવ્ય છે.કવિશ્રીને અને ” કાવ્ય વિશ્વ” ને હાર્દિક અભિનંદન !
    પ્રફુલ્લ પંડ્યા

  2. Minal Oza says:

    બોલવું તો પડે, બોલવું તો જોઈએ જ.. એકલતાના અંધારામાં ધકેલાઈ ગયેલા માનવની બહાર નીકળવાની મથામણ સુપેરે કહેવાઈ છે. ધન્યવાદ.

  3. વાહ ખુબ સરસ રચનાઓ ખુબ ગમી

  4. એકલતાની વેદના હશે અને કોઈ અબોલા લઈ બેઠું હોય ત્યારે વારંવાર આવો આગ્રહ થતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: