જલન માતરી ~ બે ગઝલ * Jalan Matari  

ગુલાબી મિજાજ છે

સુખ જેવું જગમાં કંઈ નથી જો છે તો આજ છે,
સુખ એ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.

હું જો અનુકરણ ન કરું તો કરું યે શું ?
અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે.

અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા,
એ વહેમ છે તો વહેમનો તો ક્યાં ઇલાજ છે ?

દુનિયાના લોક હાથ પણ ના મૂકવા દિયે
ને તું કહે સમસ્ત જગત મારે કાજ છે.

ઊઠ-બેસ વિણ, અજાન વિણ, પળમાં પતી જશે,
મસ્જિદમાં આખરી આ જલનની નમાઝ છે.

~ જલન માતરી

મોતી પમાય છે?

ઘૂંટી લે શ્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે
ઊંડે ગયા વિના કદી મોતી પમાય છે?

અંધારા જેની જિંદગીને વીંટળાય છે
વેધે છે લક્ષ્ય એ જ સફળ એ જ થાય છે

હદથી વધારે શોચતાં થાકી જવાય છે
સમજ્યો છું તુજને જેટલો સમજી શકાય છે

ઝુલ્ફો છે અસ્તવ્યસ્ત, ન મુખ ઓળખાય છે
એવું તે કોણ ઓ ખુદા સાગરમાં ન્હાય છે?

અજ્ઞાનતાને કારણે અશ્રુ ન સાચવ્યાં,
સુણ્યું છે ટીપે ટીપે સરોવર ભરાય છે

ભોળા હ્દયનો માનવી માને છે એને સુખ
દુ:ખ દર્દ થોડા દિવસ જો થાક ખાય છે

એના જ કારણે એ નિરાકાર રહી ગયો
પીંછી ફર્યા વિના કહીં આકાર થાય છે ?

માણી લે ચાંદનીની મજા હમણાં ઓ ગરીબ
કારણ શશી મનુજના કબ્જામાં જાય છે

લાચાર થઇને દ્રશ્ય આ જોઉં છું હું ‘જલન’
કંચન સરીખા તારલા માટીમાં જાય છે

~ જલન માતરી

2 Responses

  1. 'સાજ' મેવાડા says:

    ખૂબ જ સરસ મજાની ગઝલો.

  2. બન્ને ગઝલ ખુબ સરસ અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: