અમર પાલનપુરી ~ આંખોમાં છલકતો & ઈર્ષ્યા જ્યારે * Amar Palanpuri * સ્વર : Prahar Vora

કૈફ હશે

આંખોમાં છલકતો કૈફ હશે
હાથોમાં ભરેલા જામ હશે;

બોલાવ્યા અમે ના બોલીશું,
પણ હોઠે તમારું નામ હશે.

મેં લાખ ગુનાઓ કીધાં છે,
પણ સાવ નિખાલસ હૈયાથી;

હો નર્ક જ મારું ધામ ભલે
પણ સ્વર્ગમાં મારું નામ હશે.

હું તુજને કરી દઉં માફ ભલે
પણ લોક નહીં છોડે તુજને

જે માર્ગમાં માર્યો તેં મુજને
એ માર્ગ પર મારું નામ હશે

હો દિલમાં ભલે સો દર્દ ‘અમર’
હમદર્દી ખપે ના દુનિયાની

મનગમતો દિલાસો મળશે તો
આરામ હશે આરામ હશે.

~ અમર પાલનપુરી


ઈર્ષ્યા જ્યારે આળસ મરડે

ઈર્ષ્યા જ્યારે આળસ મરડે
ખાર તો શું, ખુદ ફૂલો કરડે.

ધોઇ નાખ્યા હાથ સ્વજનથી,
કોણ હવે શત્રુમાં ખરડે ?

ભૂલ્યા કેમ ભુલાશે મિત્રો ?
ઘાવ હજુ તાજા છે બરડે !

ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ –
જાન ગયો છે એક ઉઝરડે.

મેરુનો મહિમા ગાનારા,
અંજાયા છે એક ભમરડે !

કહેશે કોણ ઝવેરી તમને ?
ફેંકી દીધાં રત્ન ઉકરડે !

રાખ્યું નામ अमर એથી શું?
કોને છોડ્યો મોતના ભરડે ?

~ અમર પાલનપુરી

જન્મદિવસની શત શત શુભકામનાઓ કવિ

ગઝલ ‘અમર ‘પાલનપુરી * સ્વર : પ્રહર વોરા * સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ

4 Responses

  1. 'સાજ' મેવાડા says:

    જન્મદિવસની શુભકામનાઓ કવિને, બંને ટૂ્કી બહેરની ગઝલો સરસ.

  2. ઉમેશ જોષી says:

    વાહ. ગઝલ બન્ને, સ્વરાંકન, સ્વરભાવ ્્્
    અભિનંદન ્

  3. વાહ વાહ ખુબ સરસ જન્મદિવસ ની શુભ કામના

  4. Minal Oza says:

    સાવ સરળ શબ્દોમાં વહેતી બંને ગઝલ ..
    અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: