મહેન્દ્ર જોશી ~ બે કાવ્યો * Mahendra Joshi

તડકાનું નામ નથી તડકો રે પાડવું

હું તો માછલીની આંખોમાં ખરતાં રે આંસુનું
ખારું તે ઝાડવું,
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી
તડકો રે પાડવું.

મોતીની જેમ જરા સાચવીએ છીપમાં
પરપોટા જેવી આ જાતને,
સૂરજનું કાળઝાળ બળવું તો ઠીક,
હવે જોવી છે ઘેરાતી રાતને.
અમથાં રે મોજાંના ભણકારા સાંભળી,
વાસેલું દ્વાર શે ઉઘાડવું?
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી
તડકો રે પાડવું.

જળમાં ભીંજાઉં તો જળમાંથી કેમ હવે
અળગી થઈ જાઈ છે ભીનાશ રે?
આંખોને શાપ કૈં એવા રે લાગતા કે
ઝાડમાંથી જાય છે લીલાશ રે!
ભૂલા પડેલ કોઈ પંખીને કેમ હવે
આંસુનું વન આ ચીંધાડવું,
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી
તડકો રે પાડવું.

~ મહેન્દ્ર જોશી

બહાર આવ 

જીતના છોડી પ્રપંચો હારમાંથી  બહાર આવ
તું પ્રથમ તલવાર જેવી ધારમાંથી  બહાર આવ

મૂઢ મન, તું ક્યાં લડે છે કોઇની સામે હજુ ?
યુધ્ધ કર કાં યુધ્ધના પડકારમાંથી બહાર આવ

એક પળને છે હજારો જીભ જાણે રાક્ષસી
ભય બધો ખંખેર ને ફુત્કારમાંથી બહાર આવ

કોઈ પડછાયો પડ્યો ને મોરપીંછું થઈ ગયો
વન ભૂલી જા, વાદળી અવતારમાંથી બહાર આવ 

સૌમ્ય શીતળ આ હવામાં ક્યાંક પંખીઓ ઊડે
તું સખત તારા દીધેલાં દ્વારમાંથી બહાર આવ

ઊંચકી લે સ્કંધ પર બાળક સમો તડકો તરલ 
‘ને ઉમરના સૌ જરઠ અધિકારમાંથી બહાર આવ

તું કમળ મધ્યે પુરાઈ ભેદ ક્યાં પામી શકયો ?
આ મુલાયમ રેશમી અંધારમાંથી બહાર આવ

ક્યાં રહ્યો છે લાકડીમાં કોઈ જાદુ પણ હવે ?
દેવદૂતોના એ કારગારમાંથી બહાર આવ

~ મહેન્દ્ર જોશી

તડકાનું નામ નથી તડકો રે પાડવું – ગીત વાંચતાં જ, એની લયકારી અને ભાવપ્રદેશ મનને છલકાવી દે. પ્રતીકોના અર્થ સમજવા ફરી નિરાંતે વાંચવું પડે કેમ કે એકથી વિશેષ અર્થોથી સમૃદ્ધ આ પંક્તિઓ છે. ક્યાંક જાત જોડાય, ક્યાંક જગત. ક્યાંક આંખ સામે તરવરતા આકારો પણ આ પંક્તિમાં આવીને બેસી જાય. જળમાંથી ભીનાશ ન અનુભવાય કે ઝાડની લીલાશ આંખોને ન અડે એવી પીડા જેણે અનુભવી હોય એ તડકાને તડકો કેમ કહી શકે?

‘બહાર આવ’ ગઝલ  પણ સુંદર છે.  

12 Responses

  1. દિલીપ જોશી says:

    જાત સાથેનો સંવાદ..એના પ્રશ્નો અને જીવનની કોઈ હતાશા કે દુઃખનું વ્યંજનાત્મક નિરૂપણ અહીં સુપેરે રજૂ થતું છે.

  2. વાહ ખુબ સરસ બન્ને રચનાઓ ખુબ ખુબ અભિનંદન

  3. Varij Luhar says:

    વાહ. ગીત અને ગઝલ બન્ને ખૂબ સરસ

  4. Kirtichandra Shah says:

    સરસ રચના કરી છે ધન્યવાદ

  5. Minal Oza says:

    ગીત અને ગઝલ બંને આસ્વાદ્ય.. બંનેમાં તડકો જુદા સંદર્ભે પ્રયોજાયો છે.

  6. ઉમેશ જોષી says:

    કવિ મહેન્દ્ર જોશીની ગીત અને ગઝલ ખૂબ સરસ.

    અભિનંદન ્્્

  7. હર્ષદ દવે says:

    ગીત અને ગઝલ બંને રચનાઓ ખૂબ સરસ. કવિને અભિનંદન. આસ્વાદ ગમ્યો.

  8. Mahendra Joshi says:

    आभार। लताबहेन

  9. ‘તડકો’ અને ‘બહાર આવ’ બંને રચનાઓમાં અનુભવાતી તાજગી કાબિલે તારીફ છે. ખૂબ ખૂબ સરસ રચનાઓ.

  10. 'સાજ' મેવાડા says:

    ખૂબ જ સરસ ગીત અનો ગઝલ.

  11. Anonymous says:

    તડકાનુ નામ અને બહાર આપ બંને રચનાઓ માગણી અભિનંદન સાથે લતાબેનને પણ,, હરીશ પંડયા ભાવનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: