મનસુખલાલ ઝવેરી ~ ઓ લ્હેરખી

લ્હેરખી !

ઓ લ્હેરખી !
ન્હોતું કશું ને અલી! ઊઠી તું ક્યાંથી,
પોઢી ગયેલ મારા સોણલાં જગાડતી !
મેં તો અભાગણીએ જાણ્યું: કે માણ્યું-ના માણ્યું,
એ સર્વ ગયું ચાલ્યું
રે દૂર દૂર દૂર પેલાં ઝાંઝવાંની સંગ ત્યાં,
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી ?…. ઓ લ્હેરખી!

તારે ઘડીક આમ અમથું આ લ્હેકવું;
માનવના હૈયાને અણદીઠું દેખવું!
દેખવું ને ઝંખવું ને ઝૂરવું સદાય, ત્યાં
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી?…… ઓ લ્હેરખી!

હૈયાનાં આભ ભરી જાગ્યો વિજોગ આ!
આવડીક જિંદગીમાં આવી શી વેદના!
મનમાં ન માય કે ન હોઠે કહેવાય,ત્યાં
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી?…. ઓ લ્હેરખી!

~ મનસુખલાલ ઝવેરી

કવિની પૂણ્યતિથિએ વંદન

2 thoughts on “મનસુખલાલ ઝવેરી ~ ઓ લ્હેરખી”

  1. લ્હેરખીને સંબોધીને રચાયેલું કાવ્ય,અને કુસુમના મનની વાત સરસ રીતે કહેવાઈ છે. વંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *