કવિતા-સંગીત વસો ચિરકાળ ~ અમર ભટ્ટ * Amar Bhatt

કાવ્યગાનની પ્રવૃત્તિને ‘સુગમ સંગીત’ કહેવામાં આવે છે.  મોટે ભાગે એ નામનો સ્થૂળ અર્થ કરવામાં આવે છે ને એટલે જ ‘સુગમ સંગીત’ એટલે હલકું ફૂલકું સંગીત એ રીતે એને જોવામાં આવે છે. કવિતા અને સંગીત બંને કલાઓ છે અને કોઈ પણ કલા સુગમ નથી જ. નરસિંહરાવ દિવેટીયાએ પોતાનાં ‘કુસુમમાળા’નાં કાવ્યોને ‘સંગીતકાવ્ય’ એવું નામ આપેલું. ૧૮૯૮માં નરસિંહરાવ દિવેટિયાએ ‘કવિતા અને સંગીત’ વિષય પર એક નિદર્શન-વ્યાખ્યાન આપેલું. એ પ્રવચન આપે ને એમના ભાઈ ભીમરાવ કવિતા ગાઈને નરસિંહરાવે કહેલી વાત નિદર્શિત કરે. નરસિંહરાવે શબ્દપ્રધાન સંગીત માટે પ્રયોજિત સંગીત-Applied music – એવો શબ્દપ્રયોગ કરેલો અને શુદ્ધ શાસ્ત્રીય સંગીતને એમણે અલિપ્ત સંગીત-Pure music- કહેલું- જેમ Pure Physics અને Applied Physics હોય છે તેમ. ગાયક રાસબિહારી દેસાઈ અને કવિ રાજેન્દ્ર શુક્લ ‘કાવ્યસંગીત’ નામના હિમાયતી છે, કારણકે એમાં કાવ્યની પૂર્વ ઉપસ્થિતિનો સ્વીકાર છે. રાજેન્દ્ર શુક્લ એટલે સુધી કહે છે કે ‘કાવ્યસંગીત’ એટલે ‘કાવ્ય અને સંગીત’ એવો દ્વન્દ્વ સમાસ નથી; ‘કાવ્યનું સંગીત’ એવો ષષ્ઠિ તત્પુરૂષ સમાસ પણ નથી; પણ ‘કાવ્ય એ જ સંગીત’ એવો કર્મધારય સમાસ છે. હમણાં જ, યુરોપમાં પ્રચલિત ‘આર્ટ સોન્ગ’ વિષે  અમેરિકાનાં સંગીતશાસ્ત્રી મેરી એન મેલોયનો એક લેખ વાંચ્યો, જેમાં આમ કહ્યું છે-  

‘An Art Song might be defined as a poem set to music, usually for trained voice and piano accompaniment with a duration of about three minutes. The German word for such classical song is Lied (singular) and Lieder (plural), so that you will hear the terms Art Song, lied and lieder used interchangeably. In France the term is Melodie, and in Italy, Romanza.

In well-realized Art Song, the composer creates a duet between the accompanist and the vocalist. That is, the Art Song paints for us a picture of what the poet might have envisioned. The performance of an Art Song literally breathes life into this picture through a complementary, coordinated partnership among the four significant elements.’

આપણી ભાષાની કવિતા ગાવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું હોવાથી  હું કવિ દલપતરામની આ પંક્તિ યાદ કરું છું- ‘રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.’  રમૂજમાં કહું તો જો કાળો કોટ પહેર્યો હોય તો જ હું સારું સ્વરાંકન કરી શકું છું. એકવાર બેઠો બેઠો વિચારતો હતો કે કોઈ વકીલ સંગીતકાર હોય એવા દાખલા ઇતિહાસમાં છે ઈન્ટરનેટ પરથી જાણવા મળ્યું કે પ્રખ્યાત રશિયન કમ્પોઝર ચેકોસ્કી વકીલ હતા. આપણું શાસ્ત્રીય સંગીત જેમણે લિપિબદ્ધ કરવામાં મોટો ફાળો આપ્યો તે પંડિત ભાતખંડે પણ વકીલ હતા. સ્વરકાર દક્ષેશ ધ્રુવ સોલીસીટર હતા એ તો સૌ જાણે છે જ. ફરીથી રમૂજ કરું  મને લાગે છે કે કદાચ મારું પણ નામ એ લીસ્ટમાં ઉમેરાશે! પણ ગંભીરતાથી કહું તો વકીલાત અને કાવ્યગાન બંનેમાં અર્થઘટનની પ્રક્રિયા છે- એકમાં વાણીથી તો બીજામાં સૂરથી શબ્દનો  અર્થ શોધવાનો પ્રયાસ છે. અલબત્ત, કાવ્ય અર્થને ઓળંગીને હૃદય સોંસરું ઉતરે એ અપેક્ષિત છે. વળી, બંનેનો અંતિમ હેતુ વિસંવાદ દૂર કરી સમાજને સુરીલો બનાવવાનો છે.

અંતે, ગુજરાતીના સાહિત્ય દિવાકર નરસિંહરાવ દિવેટિયાએ કવિતા અને સંગીતના સાયુજ્ય માટે કહેલા શબ્દો કહીને અટકું.

વાસ કરીને અનંતતાને દ્વાર
કવિતા સંગીત વસો ચિરકાળ

અમર ભટ્ટ

2 Responses

  1. જાણવા લાયક અભિનંદન

  2. Minal Oza says:

    અભ્યાસપૂર્ણ લેખ ઉપયોગી થશે. આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: