ગાયત્રી ભટ્ટ ~ પીડ પ્રસવની આસ્વાદ ~ યોસેફ મેકવાન * Gayatree Bhatt * Yosef Mecwan

પીડ પ્રસવની

રૂડું લાગે છે આખું આકાશ, પીડા ઊપડી છે પહેલા પ્રસવની !
રૂંવે રૂંવામાં રેલે અજવાસ, પીડા ઊપડી છે પહેલા પ્રસવની !

જંપ સહેજે ના કળતર ચોપાસ, કોઈ પાડે છે લોહીમાં ચાસ
ઊડે અંકુરે આકારો ખાસ, પીડા ઊપડી છે પહેલા પ્રસવની !

કોઈ ભીતરથી ભેદ ભર્યું બોલે, બધા વિસ્મયના દરવાજા ખોલે
લખે ટીપું દરિયાનો ઈતિહાસ, પી.ડા ઊપડી છે પહેલા પ્રસવની !

થાય બિન્દુનો જાણે વિસ્તાર, મળે શ્વાસોને જાણે આકાર
આ તે કેવો અણજાણ્યો અહેસાસ !પીડા ઊપડી છે પહેલા પ્રસવની !

જેમ પાણીમાં ઊગે કમળ, ઊગે મુજમાં કવિતાની પળ
મળ્યો સુંદર આ જીવતરનો પ્રાસ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની !

ફરી ફળિયું, પાદર, ને તળાવ, મને બોલાવે આવ અહીં આવ
મારા પાલવડે શૈશવના શ્વાસ !પીડા ઊપડી છે પહેલા પ્રસવની !

એના ખંજનમાં ખીલખીલતી વાત, એના અંજનમાં ટમટમતી રાત
મુને દળદળતી ફૂટે ભીનાશ ! પીડા ઊપડી છે પહેલા પ્રસવની !

હું તો ચાલું ચાલું ને ત્યાંની ત્યાં, નહી’જાણું કે પહોંચવાનું ક્યાં ?
તારી પગલીએ પૂરો પ્રવાસ !પીડા ઊપડી છે પહેલા પ્રસવની !

~ ગાયત્રી ભટ્ટ

પીડાના આનંદની અનુભૂતિનું ગાન ~ યોસેફ મેકવાન

કવિ-ગુરુ ઉમાશંકરભાઈએ ક્યાંક નોંધ્યું છે કે કાવ્યસર્જનની પ્રથમ ક્ષણ આગળ કવિતા અને રહસ્યદર્શિતા (Mysticism)નાં બહેનપણાં છે ! આ વિચાર કવયિત્રી ગાયત્રી ભટ્ટની ઉપર આપેલી રચના ‘પીડા પ્રસવની’ વાંચતો સહ્રદયી ભાવક ખસૂસ અનુભવી શકે.

‘પીડા પ્રસવની’ વાંચતાં તેની લયકારીથી લાગે કે આ મધુર ગીત છે પણ પછી ખ્યાલ આવે કે અહીં, ગઝલ કેવો ગીતનો બુરખો ઓઢીને આવી છે ! ગીતના આભાસમાં ઠોસ અનુભૂતિને આકારતી સહજ રીતે ઊતરી આવેલી આ તો કલ્પનાશીલ આનંદની ગઝલ !

‘પીડા ઉપડી છે પહેલા પ્રસવની’ – એ લાંબી રદ્દીફ વચ્ચે (આસ આશ શબ્દાન્તવાળા કાફિયાથી) કલ્પના અને લાગણીઓના ઉન્મેષો ધબકતાં ભાષાચિત્રો રચે છે. એમાંથી પ્રગટે છે આખી રચનાનું ભાવસૌંદર્ય ! તેની સાથેસાથ નારીહૃદયનું માધુર્યસભર ચિત્ર પણ ધબકે છે, જેમાં પીડાનો ઊછળતો ઉલ્લાસ આપણને ભીંજવી દે છે !

છંદ-લય સાથે લાગણીઓ અને કલ્પનો ઘૂંટાઈ ઘૂંટાઈને ગૂંથાઈ ગૂંથાઈને એવાં સંગોપાઈ ગયાં છે કે શબ્દાર્થનાં સ્થૂળ જાળાં વીંધી તેમાંથી સાધારણીભૂત સંવેદના મૂર્ત થાય છે. આ અનુભૂતિ એ જ કાવ્યત્વ, એ જ રસત્વ અને એ જ કવિકર્મ !

અહીં પંક્તિએ પંક્તિએ નાયિકાનો ઊર્મિ ઉછાળો, તેના ચિત્તમાં રહેલી ભાવશક્તિને ભીંજવી રહે છે. નાયિકાનો આ સ્વાનુભવ સહ્રદયી ભાવકના ચિત્તમાં પણ પડઘાય છે. આમ, નાયિકાની પહેલી પ્રસૂતિની વેદનાની અનુભૂતિ અહીં એ અર્થમાં કલાત્મક રીતે આવિષ્કાર પામી છે.

પહેલી પ્રસૂતિ એટલે નારીજીવનના માંગલ્યની ઘડી ! એક વિશ્વમાંથી બીજા વિશ્વનાં દર્શનની ઉન્માદભરી પળ ! રૂઢ પ્રતીકોની મદદ લઈ કહું તો – જીવનસરિતાના બે કિનારા એટલે જીવન અને મૃત્યુ. તે બન્ને કિનારા આ સ્થિતિમાં એક થઈ જવાની શક્યતાની ઘડી… ! ‘શું થશે ?’ની શંકા-કુશંકાના લોલક વચ્ચે હાંફ્યા કરતું મન… એટલે પહેલા પ્રસવની પીડા !

આ લખું છું ત્યારે બળન્તરાય ક. ઠાકોરનું – મન્દાક્રાન્તામાં રચાયેલું ‘વધામણી’ સૉનેટ સ્મરણે ચઢ્યું. ઊઠીને મ્હારાં સોનેટ’ (એમ.એ.માં અમને ઉમાશંકરભાઈ ભણાવતા)માંથી તે વાંચું છું અને ટપકાવું છું તેમાંની આ પંક્તિઓ…

દૈવે જાણે જલગહનમાં ખેંચી લીધી હતી તે

આણી રહેજે તટ પર ફરીને મને છોળ ઠેલ;

ને આવી તો પણ નવ લહુ ક્યાં ગઈ કેમ આવી

જીવાદારી ત્રુટિ ન ગઈ તેથી રહું શીષ નામી.

પ્રથમ પ્રસૂતિની અત્યંત નાજુક અર્થગર્ભ ભાવસ્થિતિનું આ ચિત્ર કેટલું તો સઘન છે ! દૈવ નાયિકાને છેક ઊંડા જળમાં (મૃત્યુની છેક લગોલગ) ખેંચી લઈ જાય અને એવી જ સહજતાથી પાછી તટ પર (યથા સ્થિતિમાં) એ જ એને આણી શકે. કંઈ સમજાય ન સમજાય એવું ક્ષણાર્ધમાં આ શું બની ગયું ! આ વિસ્મય વચ્ચે નાયિકા તો એટલું જ જાણે છે કે પોતે જીવતી રહી એ જ ચમત્કાર ! તેથી આ ભારતીય નારી ઈષ્ટદેવને સ્મરે એય એટલું સાહજિક ! આમ, ‘વધામણી’ સોનેટમાં નાયિકાના મુખે મૂકાયેલા શબ્દોની, એ જ અર્થગર્ભ ભાવસ્થિતિ અહીં આ ગઝલમાં ખુદ નાયિકાના ઉલ્લાસમાં ગવાઈ છે.

ગત સદીનું એ નારીમનોવલણ આ એક્વીસમી સદીમાં કેવું પરિવર્તનશીલ થઈ નવતર અને તાજગીભર્યું અનુભવાય છે. નારીસંવેદનાના ચૈતસિક વિકાસનો આ ગ્રાફ છે !

પહેલા પ્રસવની પીડાનાં રચાતાં વર્તુળાતાં આંદોલનોનું લાક્ષણિક નિરૂપણ પ્રથમ પાંચ શેરોમાં, અંતિમ ત્રણ શેરોમાં નાયિકાના ચિત્ત અંતરિયાળ આકારાતું રમતિયાળ શૈશવનું કાલ્પનિક ગમતીલું ચિત્ર – આસ્વાદ્ય છે. એમાં ભાષાના લયમાધુર્યની સાથે વાચ્યાર્થની પેલે પાર રહેલો ધ્વન્યાર્થ ઓતપ્રોત બની ગૂંથાઈ ગયો છે, જે નાયિકાના મનોભાવની રમણીયતા તો ઉજાગર કરે જ છે પણ સાથોસાથ લાગણી અને વિચાર – બન્નેને માટે સંતર્પક નીવડે છે.

‘કોઈ પાડે છે લોહીમાં ચાસ’થી લઈ ‘મળ્યો સુંદર આ જીવતરનો પ્રાસ’ (બીજા શે’રથી પાંચમા શે’ર સુધી) પીડાની પછીતે રહેલા પ્રસૂતિની પ્રક્રિયાના સમગ્ર મનોભાવ તાદશ થાય છે. એ અનુભૂતિના આનંદે નાયિકા ગાઈ ઊઠે છે આરંભે…

‘રૂડું લાગે છે આખું આકાશ… રૂંવેરૂંવામાં રેલે અજવાસ….’

મને લાગે છે નાયિકાની આ પ્રારંભિક ઉક્તિમાં જ જીવનસૌંદર્ય સાથે જીવનસામર્થ્યના બેનમૂન સંયોજનનું ચિત્રણ એ કવયિત્રીની પ્રતિભામાં રહેલી ઉત્કૃષ્ટ મૌલિકતાનું દ્યોતક છે.

નાયિકાના દેહમાં વેદનાના વર્તુળાતા આકારોનાં કલ્પનો એટલે લોહીમાં ચાસ પડવા – ઊંડે અંકુરો ફૂટવા – ટીંપાએ દરિયાનો ઈતિહાસ લખવો – બિન્દુનો વિસ્તાર થવો – શ્વાસોને આકાર મળવો – વગેરેનો અહેસાસ નાયિકાને કવિતાના પ્રાગટ્યની ક્ષણ સાથે સાંકળી લે છે.

જેમ પાણીમાં ઊગે કમળ, ઊગે મુજમાં કવિતાની પળ
મળ્યો સુંદર આ જીવતરનો પ્રાસ, પીડા ઊપડી છે પહેલા પ્રસવની.  

પ્રસવની પીડાની લાગણીના તીવ્ર સંવેદન સાથે કવિતાના અવતરણની પ્રક્રિયાને પણ અનુભવાય છે. બન્ને સમાનધર્મી છે. જાણે કે જીવતરનો આ સુંદર પ્રાસ મળ્યો છે ! આ એક ભાવના છે, એ જ તો જીવનનું પ્રેરકબળ છે.

પછીના અંતિમ ત્રણ શે’રમાં પ્રસૂતિ-બાદની આહ્લાદક કલ્પનાનાં ભાવચિત્રો આલેખાયાં છે. એ ચિત્રો કોનાં ? એવા પ્રશ્નનો આ રહ્યો નાયિકાનો ઉત્તર….

ફરી ફળિયું, પાદર ને તળાવ, મને બોલાવે આવ અહીં આવ,

મારા પાલવડે શૈશવના શ્વાસ ! પીડા ઉપડી છે પહેલા પ્રસવની…

આ ‘ફરી’ એટલે ? એટલે કે પોતાનો વીતી ગયેલો શૈશવકાળ પોતાના આવનાર શિશુ દ્વારા પુનઃ ફળિયામાં- પાદરમાં તળાવ કાંઠે… વગેરે સ્થળે આવશે. જીવન સાતત્યના ઈંગિતનો અહીં રોમાંચ છે ! ‘અંજન’ અને ખંજન’ના આંતરપ્રાસે બાળકના મુખને તાદશ તો કર્યું જ છે !

‘મુને દળદળતી ફૂટે ભીનાશ’ – કહી નાયિકાએ પોતાની પ્રસવ પીડાની સઘન અનુભૂતિની સમગ્રતાથી આવી સમૃદ્ધ કલ્પના કરી છે જે જીવમાત્રનું સત્ય છે તે અહીં કાવ્યાત્મક ભાવ (Poetic emotion)રૂપે તાદૃશ થયું છે, જે નારીજીવનની આ શાશ્વત-સૂક્ષ્મ-પ્રક્રિયા છે એમ સૂચવી રહે છે. જ્યાં દળદળતી (ફળદ્રુપતા) ભીનાશ હોય ત્યાં જ છોડ… અંકુરે… પાંગરે… વિકસે… આ સૂચક ધ્વન્યાર્થમાં સઘળું સમાયું…

આ કાલ્પનિક વિશ્વમાંથી નાયિકાનું મન વાસ્તવમાં ઊતરી આવે છે. આદિથી ચાલી આવતી આ પ્રક્રિયાથી… ખબર નથી કે પોતાને ક્યાં પહોંચવાનું છે ? પણ અંતે એના પ્રત્યુત્તર રૂપે નાયિકા માર્મિક ઉદ્ગારથી કેવું ભવ્ય સમાધાન સાધે છે…

‘તારી પગલીએ પૂરો પ્રવાસ….’

આ ધરતીને પ્રાંગણ; પોતાનું બાળક પગલી પાડતું દોડી રે’ એ જોઈ કઈ માતા ધન્યતા ન અનુભવે ? અહીં કવયિત્રીની કારયિત્રી પ્રતિભા સહ્રદયી ભાવકની ભાવિયત્રી પ્રતિભા સાથે એકરૂપ થતાં મન આનંદથી પ્લાવિત બની રહે છે. વારંવાર મમળાવવી ગમે એવી આ રચના છે.

સૌજન્ય : ઉદ્દેશ જુન 2009

5 Responses

 1. kishor Barot says:

  મને બહુ ગમતી રચનાઓ પૈકીની આ એક રચના છે.
  નાજુક સંવેદનાની નમણી અભિવ્યક્તિ. 👌

 2. શ્વેતા તલાટી says:

  👍👍

 3. ખુબ અદભુત રચના આસ્વાદ પણ એટલોજ ઉત્તમ પ

 4. હરીશ દાસાણી.મુંબઈ says:

  કૃતાર્થ ભાવથી છલકતી અને પ્રસવ-પીડાની અકથ્ય અનુભૂતિને સશક્ત સંકેતોથી શણગારતી ગીતમય ગઝલ

 5. Anonymous says:

  સચોટ વાત
  અદભૂત રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: