પ્રફુલ્લ પંડ્યા ~ ગીત વિચાર નવેસરથી: ભાગ 1
ગીત વિચાર નવેસરથી: ભાગ 1
અનુઆધુનિક કાળમાં પણ આપણાં કવિઓને ગીતનું અનેરું આકર્ષણ રહેલું છે. ગઝલનું આકર્ષણ પણ એટલું જ છે. ઘણીવાર તો અત્યારની ગુજરાતી કવિતા ગીત અને ગઝલની પાંખે ઉડતી હોવાનું અનુભવાય છે. ગીતની એક વ્યાખ્યા એવી છે કે ગવાય એ જ ગીત! ગીતના મૂળની વાત કરીએ તો ગીત ગૈ ધાતુનું ભૂતકૃદંત છે. ગૈ એટલે ગાવું. મનુષ્યની આદિમ ચેતનામાં એ સૌપ્રથમ વાર પ્રકટયું હશે ત્યારે માણસ મનોમન એ ગણગણવા લાગ્યો હશે. હેમચંદ્રાચાર્યે પણ કહ્યું છે કે ગીતમ્ શબ્દિત ગાનયે! કવિશ્રી ચંદ્રકાંત શેઠ તો કહે છે કે ગીત શબ્દ – સૂરના રસાત્મક સાયુજયનું સંતાન છે. ટૂંકમાં ગીતની આ બધી વ્યાખ્યાઓ અને સમજણ – સામગ્રીનો હવે લગભગ છેદ ઉડી ગયો છે. અનુઆધુનિક કાળમાં ગીત માત્ર સર્જનાત્મક અભિવ્યક્તિ રૂપે જ બહુધા રચાતું રહ્યું છે.
આજના સમયનું નવું ગીત પોતીકી ચાલે ચાલે છે. એ આપણી મધ્યકાલીન અને અર્વાચીન ગીત પરંપરાઓને અતિક્રમીને આગળ વધી ગયું છે. અનુઆધુનિકકાળમાં લય સહજ રીતે જ પ્રલંબાયો છે. નવી રચના રીતિઓ અને જુદાં જ નવા પ્રકારના લય પ્રયોગોએ ગીતને નવો જ આકાર આપ્યો છે. શબ્દનો સ્વર અને રણકાર તો એનો એ જ રહ્યો છે પરંતુ અહીં પરંપરિત સૂર અને સંગીત લગભગ રહ્યાં નથી. નવા ગીતોને ગાવા માટે નવું સંગીત જન્માવવું પડે તેમ છે. આ ગાયકો અને સંગીતકારો માટેના નવા પડકારો છે. અનુઆધુનિક ગીતો ગાઈ શકાય તેવા નથી એમ કહેવું પણ ઉચિત નથી. નવું ગીત જેટલું અને જેવું આગળ વધ્યું છે અને એમાં જે લયવૈવિધ્ય અને વળાંક- મરોડો આવ્યાં છે તેને હજી આપણા સ્વરકારો સમજી શક્યા હોય તેમ લાગતું નથી.
જગવિખ્યાત સિંગર બોબ ડિલોનને તદ્દન નવાં પ્રકારનાં અને અછાંદસ કે અગેય ગીતો ગાવા માટે નોબેલ પારિતોષિક અપાયું ત્યારે સ્વિડીશ અકાદમીએ કહ્યું હતું કે “redefining the boundaries of literature માટે આ ગાયકને નોબેલથી નવાજવામાં આવે છે. બોબ ડિલોને માત્ર પિયાનો અને ગિટાર ઉપર મોટા ભાગે રોક સંગીતના સહારે અનુઆધુનિક અને તદ્દન નવાં પ્રકારનાં ગીતો ગાઈને તેને અનેક ટીકાઓ વચ્ચે એકલે હાથે લોકપ્રિય બનાવ્યાં હતાં. સ્વિડીશ અકાદમીએ સાઈટેશનમાં સ્પષ્ટ કહ્યું કે પરંપરિત ગીતોને કોરાણે મૂકીને બોબ ડિલોને ગીત- સંગીતની એક નવી દુનિયા સર્જી બતાવી. Lyricsના અર્થોને તેણે વિસ્તાર્યા છે. દુનિયાભરમાં આજે ગીતની વ્યાખ્યાઓ અને વિભાવનાઓ બદલાઈ ચૂકી છે. આ પરિવર્તનોની થોડી અસર આપણા ગીત કવિઓ ઉપર પણ પડે તે સંભવિત છે. ગીત હ્રદયને ગાતું- ધબકતું રાખે છે પણ purists મિત્રોના ખ્યાલો અને અપેક્ષાઓ મુજબ નહીં ! ગીતના વિકાસને આગળ ધપાવતાં પૂર્વે શુદ્ધવાદીઓના આ દૂરાગ્રહને ભૂલવો પડે તેમ છે. આ કડવું સત્ય સ્વીકારીને જ અનુઆધુનિક નવા નિતર્યા અને બધી રીતે જુની ઈમ્પ્રેશનોને ત્યજીને રચાયેલાં અને એ રીતે આપણી પાસે આવતાં નવા ગીતને ઓળખી શકાશે. વિવેચનની વાત તો ઘણાં દૂરની છે !
પ્રફુલ્લ પંડ્યા
ખુબ સરસ માહિતી અભિનંદન
भावनात्मक रूप है वह गीत
બોબ ડિલન વિશેની માહિતીમાં દોષ છે. શ્રી પ્રફુલ્લભાઈ લખે છે: ‘જગવિખ્યાત સિંગર બોબ ડિલોનને તદ્દન નવાં પ્રકારનાં અને અછાંદસ કે અગેય ગીતો ગાવા માટે નોબેલ પારિતોષિક અપાયું.’ નોબલ અપાયા પછી બોબ ડિલનની રચનાઓને કવિતા ગણવી કે કેમ એ બાબતે મોટો હોબાળો થયો હતો પણ એમની રચનાઓને અછાંદસ કે અગેય ગીત કહેવું એમાં કેવળ ટિપ્પણીકારની અંગ્રેજી કાવ્યશાસ્ત્ર વિશેની અજ્ઞાનતા જ છતી થાય છે. આ ગીતોમાં કાવ્યત્વ છે કે કેમ એ બે નંબરની વાત છે, પણ લય અને પ્રાસ તો છે જ. એ અછાંદસ પણ નથી અને અગેય પણ નથી.