KS 450 ~ ઉજમશી પરમાર ~ કોડિયા એલી નહીં રે * Ujamashi Parmar

જેગવી દીધાં તન

કોડિયાં એલી નહીં રે મીં તો જેગવી દીધાં તન
જંપવા દેતું હોય લગીરે, તોય આ મારું મન.

સાંજ પડે ને વાયરે કોનાં પગલાં ભીનાં વાય
દોડવું મારે નહીં ને અલી દોડું દોડું થાય
હીંચવા માંડે ઘર ભરીને ગાણાનું ગવન ……

ટોડલાં મૂઆં ટહુકે મારે શરમાવાનું રયું
નેવાં ઊઠી ડોકિયું કરે, રોજનું આ તો થ્યું
ભીંતમાં ગરું તોય તે યાંથી આવશે રે સાજન …

કોક જો આવે હાથનું ભરત મેલી ઊભી થઉં
ફળિયું મારી મોર્ય લળીને જોવે પછી હઉં
’ઇ’ હશે તો દોટ મેલીને પરખી લ્યે પવન ……..

~ ઊજમશી પરમાર

હરખનું ગાણું  –  લતા હિરાણી * કાવ્યસેતુ 450 > દિવ્ય ભાસ્કર > 15.8.23

ગીત એ સૌથી જૂનું કાવ્યસ્વરૂપ છે. સાથોસાથ સૌથી લોકપ્રિય પણ હશે જ. જ્યારે લેખિત પરંપરા નહોતી ત્યારે ગીતો સહજરૂપે રચાતા, ગવાતા અને કંઠોપકંઠ  પ્રસરતા. આપણાં મોટાભાગના લોકગીતો સ્ત્રીઓએ જ રચ્યા હશે. ઘરના કામ કરતાં, નદીને કે કૂવે પાણી ભરવા જતાં કે ખેતરમાં કામ કરતાં થાક ઉતારવા ને આનંદ લેવા ગીતો રચાતા હશે. 

કવિની નાયિકા કોડિયાં નહીં, તન ‘જગવી દે’ છે. અહીં ‘જગવી દીધા’ જેવો ગામઠી પ્રયોગ પણ ખૂબ રસપ્રદ બની ગયો છે. પિયુની વાટ તનમનમાં જે આગ લગાડે છે એનું અહીં મસ્ત નિરૂપણ છે. આટઆટલી પ્રતિક્ષા મનને ક્યાંથી જંપવા દે ? દિવસ તો માંડ વીતે છે ને સાંજ પડે કોઇના ભીનાં પગલાં વાયરાની સાથે વાય છે, હૈયાની આરપાર ઊતરી જાય છે અને મનને દોડવું ન હોય તોય દોડું દોડું થાય છે. જોકે આ તો માત્ર કહેવાની વાત છે. નાયિકાને તો દોડવું જ છે પિયુની પાસ, પણ એ અઘરું છે એટલે આવું કહે છે.

પહેલી કડીની છેલ્લી પંક્તિ છે, ‘હીંચવા માંડે ઘર ભરીને ગાણાનું ગવન’…. ગવન એટલે ગ્રામ્ય પ્રદેશોમાં ચણિયા પર પહેરાતો કબજો યાને બ્લાઉઝ. આ ગવન માટે બીજોય સરસ ગામઠી શબ્દ છે, ‘કમખો’.. ગવનમાં ફાટફાટ ગાણાં ભર્યા છે ને એનાથી આખુંયે ઘર હીંચવા લાગે છે. ગવન શબ્દનો પ્રયોગ નિર્દેશ કરે છે કે નાયિકાની છાતીમાં આનંદ દાબ્યો દબાતો નથી. એ એટલો ઉછળે છે, છલકાય કે એનાથી ઘર આખું ઝૂલે છે. પ્રેમમાં ડૂબેલી વ્યક્તિની આ જ દશા હોય છે.

નાયક આવે તો સ્વાભાવિક જ ફળિયામાં પહેલાં પ્રવેશે. નાયિકા કહે છે કોઇ જો આવે તો હાથનું ભરત મેલીને ઊભી થઉં પણ એ જ્યારે આવશે ત્યારે મારી મોર્ય (પહેલાં) ફળિયું લળીને એનો આદર સત્કાર કરશે. અરે, પવન પણ દોડીને એને ઓળખી જશે..  પોતાની પહેલાં આ બધાં એની પાસે પહોંચી જશે !!! પિયુની પ્રતિક્ષાની અત્યંત મધુર ને ઉત્કટ ભાવના અહીં વ્યક્ત થઇ છે….

કવિના આ ગીતમાં કેટકેટલાં પ્રતિકો જીવંત બની ઊઠ્યાં છે. કાવ્યમાં નિરૂપેલાં બધાં જ પ્રતિકોમાં પૂરેપૂરા માનવીય ભાવોનું આરોપણ થયું છે. વાયરાની સાથે પગલાં વાય છે અને ગાણાનું ગવન ઘર ભરીને હીંચ્યા કરે છે. ટોડલાં ટહૂકે છે ને નેવાં ડોકિયાં કરે છે. અરે, ફળિયુંયે લળી લળીને જુએ છે. કવિતાના શબ્દો ગાનને એકદમ અનુરૂપ છે. આખાય કાવ્યનો એક અખંડિત લય છે અને એમાં વહે છે મીઠો પ્રતિક્ષા રસ….. જોબનનો આ કદીય ન ખૂટનારો ભાવ છે. આશ્લેષ ત્રિવેદીની ગઝલ યાદ કરીએ.

ઓઢીને લીલોતરી બેઠા છીએ
એક ટહુકાને સ્મરી બેઠા છીએ.

ખૂટતા રંગો ભરી દે તું હવે
સ્વપ્ન જેવું ચીતરી બેઠા છીએ.

અંત એનો શું હશે કોને ખબર !
વારતા તો આદરી બેઠા છીએ.

મોર ગહેક્યા, વાદળો પણ ઝરમર્યા
આજ કોને સાંભરી બેઠા છીએ

2 Responses

  1. સરસ ગીત નો અદ્દભૂત આસ્વાદ ખુબ અભિનંદન

  2. Saryu Parikh says:

    ઉજમશી પરમારનું ‘હરખનું ગાણું’ મનનાં ઊંડાણમાં આનંદ જગાવી ગયું. વાહ! વાહ!
    આ કાવ્યને પીરસવા માટે લતાબહેનનો આનંદ સાથ આભાર.
    સરયૂ પરીખ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: