કવિ અશોક બાજપેઈ – શ્રદ્ધા રાવલ

અશોક બાજપેઈની કવિતાઓ સમગ્ર જીવનની કવિતાઓ છે. તેમની કવિતાઓ જીવનના પ્રશ્નોના જવાબ શોધતી હોય એવું  છે. તે જીવનની અનુભૂતિઓને શબ્દ આપનાર કવિ છે. એ પોતાના સમયથી આગળ જઈ સમાજના એવા પ્રશ્નો સામે લાવે છે જે ભાવકોને વિસ્મિત કરે છે. તેમની કવિતા સાધારણ સામાજિક જીવનની જ કથા છે. તેમાં કોઈ રહસ્યવાદ નથી. તેમણે પ્રકૃતિથી લઈ મનુષ્ય, પૃથ્વીથી બ્રહ્માન્ડ, માતા-પિતાથી લઈ અજ્ઞાત પિતૃઓ, કોઈ બાળકનો ખોવાયેલો દડો કે ઠંડીથી ઠુઠવાતા મજુરની સંવેદનાઓને પોતાની કવિતાઓમાં પરોવી છે. અશોક બાજપેઈની કવિતાનો સંદેશ બહુઆયામી છે.દુનિયાના અભિશપ્ત લોકોની જિંદગી બદલવા માટે ફાનસના અજવાળાને બદલે કવિ સૂર્ય માંગે છે.

અમુક વિષયો સામાન્ય રીતે બીજા કવિઓમાં નજરે નથી પડતા એટલે જ અશોક બાજપેઈની કવિતા ભાવકોને આકર્ષે છે. આ હિસાબે હિન્દી કવિતાનો ઈતિહાસ જયારે લખાશે ત્યારે અશોક બાજપેઈનું નામ એ થોડા કવિઓ સાથે હશે જેમની કવિતાના આત્મામાં ભારતીયતાની ઊંડી છાપ વણાયેલી હશે. કવિતા માટે આ કવિએ હંમેશા નવી ભૂમિ અજમાવી છે.

અશોક બાજપેઈના મૃત્યુ-બોધ કાવ્યોમાં એક દ્વંદ્વ છે .તેમની કવિતાઓમાં જીવનનો આદિ અને અંત એક બીજાની સાથે પરછાઈની જેમ ચાલે છે. મૃત્યુને આ કવિએ પ્રેમિકાની જેમ આલિંગન આપ્યું છે. હિન્દી સાહિત્ય જગતમાં આ કવિએ મૃત્યુ પર જેટલી કવિતાઓ લખી છે એટલી કોઇ બીજા કવિએ નથી લખી.
તેમણે મૃત્યુનો એક નવો જ અર્થ આપ્યો છે. એવું અનુભવાય છે કે મૃત્યુ સાથે જાણે કવિનો સાક્ષાત્કાર થયો હોય. તેમના મૃત્યુ-બોધ કાવ્યો ભારતીય કવિતામાં જ નહીં પરંતુ વિશ્વ કવિતામાં પણ વિરલ છે.

અશોક બાજપેઈની પ્રખ્યાત કવિતા ‘શહેરમાં હજી એક શક્યતા છે'(શહર મૅ અબ ભી સંભાવના હૈ-1966) લખ્યા બાદ અઢાર વર્ષ પછી તેમની કવિતામાં પરિવર્તન આવ્યું, જાણે કવિતાનો બીજો દોર શરૂ થયો હોય જેમાં તેમની સામાજિક ચેતનાનો ઉત્તરોત્તર વિકાસ થયો.

શ્રી બાજપેઈ એક નિર્ભય કવિ હતા જે હંમેશા પોતાની બનાવેલી રાહ પર જ ચાલ્યા. તેમનો જન્મ 16 જાન્યુઆરી 1941 માં દુર્ગ છત્તીસગઢ માં થયેલ. ભારત સરકાર માં ઉચ્ચ પ્રશાસનિક અધિકારી તરીકે તેમણે ફરજ બજાવી પણ તે એક કવિ-લેખક તરીકે હંમેશા ઓળખાયા.

હિન્દી સાહિત્યમાં તેમના અપ્રતિમ યોગદાન બદલ તેમને સાહિત્ય અકાદમીના પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતાં. તદુપરાંત ભારતભારતી સમ્માન, દયાવતી મોદી કવિ શિખર સમ્માન , કબીર સમ્માન, ઓફિસર ઓફ દ ઓર્ડર ઓફ આર્ટસ એન્ડ લેટર્સ(ફ્રાંસ સરકાર) ,ઓફિસર ઓફ ઓર્ડર ઓફ ક્રોસ (પોલિશ સરકાર)

કવિ, લેખક, અનુવાદક, આલોચક અને પત્રકાર શ્રી બાજપેઈ ના લગભગ પંદર જેટલા કવિતા સંગ્રહ જેમાં શહર અબ ભી સંભાવના હૈ, બહુરી અકેલા, ઇબારત સે ગિરી માત્રાએ,ઉમ્મીદ કા દૂસરા નામ વગેરે પ્રસિદ્ધ છે. સંપાદન–બહુવચન, સમાસ,પૂર્વગ્રહ.આલોચના–ફિલહલ,સમય સસે બાહર ,કવિતા કા ગલ્પ, કભી કભાર, અનુવાદ–જીવન કે બીચોબીચ(પોલિશ કવી તાદેઊષ રુજેવીચ ની કવિતાઓ) ખુલા ઘર (ચેશ્વાવ મિવોષની કવિતાઓનો અનુવાદ)

હું ઇચ્છું છું…..    અશોક બાજપેઈ.
હું ઇચ્છું છું આખી પૃથ્વી

તેની વનસ્પતિ, સમુદ્રો અને લોકોથી ઘેરાયેલી,
એક નાનું ઘર પૂરતું નથી.
કામ નહીં ચાલે મારુ એક બારી થી,
મારે જોઈશે આખું આકાશ,

તેના અસંખ્ય નક્ષત્રો અને ગ્રહો થી ભરપૂર,
એક ફાનસથી નહીં ખસે મારો અંધકાર

મને જોઈએ છે
ધગધગતો જ્વલંત સૂર્ય.

નથી બનાવી શકતો હું થોડા શબ્દોથી કવિતા
મારે જોઈએ છે આખી ભાષા.
આખી લીલોતરી પૃથ્વી પરની
આખી નિલીમાં આકાશની
સમગ્ર લાલિમા સૂર્યની….હું ઈચ્છું છું.

(હિંદીમાંથી અનુવાદ શ્રદ્ધા રાવલ)

OP 10.9.22

***

આભાર

10-09-2022

આભાર મેવાડાજી અને છબીલભાઈ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર

છબીલભાઈ ત્રિવેદી

10-09-2022

સરસ લેખ બધા પાસા નો સમાવેશ આભાર લતાબેન

સાજ મેવાડા

10-09-2022

સરસ લેખ અને પ્રતિનીઘી કવિતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: