*ન હું ઝાઝું માગું*
(ખંડશિખરિણી)
ન હું ઝાઝું માગું, નથી મારું ત્રાગું
પણ હૃદયમાં જે વ્રણ પડયા,
સહુ સકળ એની બળતરા
વિના ચીસે, વિના રીસે
બસ સહનનું એવું બલ દે.
ન હું ઝાઝું માગું, નથી મારું ત્રાગું
મુજ રિપુ રિપુત્વે મચી રહે
છતાં મારે હૈયે કદીય પ્રતિશત્રુત્વ ફણગો
ફૂટીને ફેલાયે વિષતરુ – ન એવું કદિ બને
બસ સહનનું એવું બલ દે.
ન હું ઝાઝું માગું, નથી મારું ત્રાગું
મુજ જ જીવન છો ને, વિફલ આ
બને, તોયે કો’નાં ઉર-ઉપવનો ધ્વસ્ત કરવા
અજાણે કે જાણે
કદીય કો ટાણે; મુજ થકી કશુંયે નવ બને
બસ સહનનું એવું બલ દે.
ન હું ઝાઝું માગું, કરું વા ના ત્રાગું,
પણ કદાપિ એવું પણ બને
હું જેવાની રાખે જન્મભૂમિનાં ખાતર બને
દઉં તો દગ્ધી હું મુજ જીવન સંપૂર્ણ હૃદયે
હૃદય ગરવે મત્ત ન બને,
મન નવ ચઢે તર્કચકવે
બસ મરણનું એવું બલ દે.
~ સુંદરજી બેટાઈ
કવિના જન્મદિને સ્મૃતિવંદના

ખંડ શિખરિણી છંદમાં રચાયેલું કાવ.ય સરસ છે.
અલ્લાબેલી કાવ્ય કવિનું ખૂબ જાણીતું. અહીં ફરી માણવા મળ્યું. આભાર.
કવિને વંદન.
સુંદર રચનાઓ, વાહ 👌🏽👌🏽👌🏽🌹🌹🌹