રાવજી પટેલ ~ બે કાવ્યો * Ravji Patel
એકાંતમાં પણ ભીડ ~ રાવજી પટેલ
એકાંતમાં પણ ભીડ જામી કેટલી !
આ
કો’ક મીઠી છોકરી જેવી હવા
મુજને ઘસાતી જાય.
કાંઠા બેઉ છલકાતા.
વધી અંધારાની હેલી.
ડગલું ભરાતું માંડ
ત્યાં,
રોમ પણ ઊંચું જરી ના થાય એવો તો
હવાનો પાશ !
આ પુલની પેલી તરફના લોકમાં
થોડું ફરી આવું.
ડગલું ભરાતું માંડ.
રે
એક જણની ભીડનો આવો મને ન્હોતો જરીયે ખ્યાલ !
~ રાવજી પટેલ
કવિની પૂણ્યતિથિએ સ્મૃતિવંદના
કદી આંખમાંથી ~ રાવજી પટેલ
કદી આંખમાંથી ઊડી જાય પંખી,
કદી આંખ વચ્ચે પડી ન્હાય પંખી.
અટારી નીચે વૃક્ષ ઊગ્યું’તું મનમાં,
વિચારો થઈ આજ અટવાય પંખી.
કરી પાંખ પ્હોળી ઉભય ગાલ ઉપર,
તમારા ચહેરાનું મલકાય પંખી.
નર્યાં ફૂલ વચ્ચે રહી રહીને થાક્યું,
હવે શબ્દ થઈને આ અંકાય પંખી.
પણે ડાળ આંબાની ટહુક્યા કરે છે,
પણે રાત આખી શું વેરાય પંખી.
હજી જીવું છું એનું કારણ છે એક,
હજી શ્વાસમાં એક સંતાય પંખી.
~ રાવજી પટેલ
કવિની પૂણ્યતિથિએ સ્મૃતિવંદના
આંખ, શ્વાસ, પંખી જેવા શબ્દ પ્રતીકો દ્વારા કવિ કરુણ ભાવ નિષ્પન્ન કરી શક્યા છે. બહુ વહેલી આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી.વંદના.
રાવજી પટેલ એટલે શબ્દોની સરવાણી બહુ જ સુંદર👌
કવિ શ્રી ને શબ્દાંજલી બન્ને કાવ્ય ખુબ ગમ્યા