સુરેશ દલાલ ~ બે કાવ્યો * Suresh Dalal * Amar Bhatt

સુરેશ દલાલ ~ આજ રીસાઇ અકારણ  

આજ રિસાઈ અકારણ રાધા…
બોલકણી એ મૂંગી થઇ ને મૂંગું એનું મારણ…

મોરલીના સૂર છેડે માધવ વિધવિધ રીતે મનાવે
નીલ-ભૂરા નિજ  મોરપિંચ્છને ગોરા ગાલ લગાવે
આજ જવાને કોઇ બહાને નેણથી નીતરે શ્રાવણ
રાધા.. આજ રીસાઇ અકારણ

છાની છેડ કરે છોગાળો, જાય વળી સંતાઇ,
તોયે ન રીઝે રાધા, કા’નનું કાળજું જાયે કંતાઇ
થાય રે આજે શામળિયાને અંતરે બહુ અકળામણ
રાધા… આજ રીસાઇ અકારણ

~ સુરેશ દલાલ

કવિની પૂણ્યતિથી સ્મૃતિવંદના

સુરેશ દલાલ ~ પહેલાં હતું એ

પહેલાં હતું એ આજનું વાતાવરણ નથી;
રસ્તો અહીં પડ્યો છે ને તારા ચરણ નથી !

તેં જે નથી કહી એ બધી વાત યાદ છે;
તેં જે કહી એ વાતનું કોઈ સ્મરણ નથી !

પડદો પડી ગયો છે હવે સૌ પ્રસંગ પર;
કહેતા હતા મને કે કોઈ આવરણ નથી !

હું છું તમારી પાસ : ઉપેક્ષાની રીત આ;
આંખો મીંચાઈ નહીં ને મીઠું જાગરણ નથી !

અહીંયા બધી દિશાએથી પડતો રહ્યો બરફ;
દુનિયામાં માત્ર એકલાં રેતીનાં રણ નથી !

તૂટેલી સર્વ ચીજ કરું એકઠી સદા;
શું કાળ પાસે એકે અખંડિત ક્ષણ નથી !

~ સુરેશ દલાલ

કવિ : સુરેશ દલાલ સ્વરકાર: ક્ષેમુ દિવેટિયા ગાયક: અમર ભટ્ટ  આલબમ : સંગીતસુધા

3 Responses

  1. Minal Oza says:

    બંને રચના સરસ . કવિને ભાવવંદના

  2. બન્ને કાવ્ય ખુબ ગમ્યા કવિ શ્રી ને ભાવાંજલી

  3. Tanu patel says:

    આજ રિસાઈ કારણ રાધા…અમર ભટ્ટના અવાજમાં સરસ ગીત..
    અને ‘પહેલાં હતું એ ‘..ગઝલ..
    બહુ સરસ.. કવિશ્રી ને સ્મરણાંજલિ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: